સુરત સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવતી રહે છે. ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. આજે મોડી સાંજે સિક્યુરિટી ગાર્ડએ કિડની બિલ્ડિંગમાં દાખલ દર્દીના મહિલા સગા સાથે ઝપાઝપી કરતા હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ દર્દીના સગાએ 100 નંબર પર પોલીસ કંટ્રોલને જાણ
.
સંગીતાએ પ્રિયંકાને વારંવાર ફોન કર્યા હતા મળતી માહિતી પ્રમાણે, પાંડેસરા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય ઊર્મિલા શિવાકાંત પાંડેને ગભરામણ અને તબિયત લથડી હતી. જેથી તેની પુત્રી પ્રિયંકા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવી હતી. જ્યાં ઉર્મિલાબેનને કિડની બિલ્ડિંગમાં છઠ્ઠા માળે દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. જેથી પુત્રી પ્રિયંકા હોસ્પિટલમાં રોકાઈ ગઈ હતી. આજે એમના સંબધી સંગીતાને ઉર્મિલાબેન સિવિલ હોસ્પિટલમાં દાખલ હોવા અંગે જાણ થઈ હતી. જેથી સંગીતાએ પ્રિયંકાને વારંવાર ફોન કર્યા હતા. પરંતુ પ્રિયંકાનો મોબાઈલ સાઇલેન્ટ હતો અને ફોન ઉપાડ્યા નહિ હતા. જેથી સંગીતા ડરી ગઈ હતી અને મોડી સાંજે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી.
સિક્યુરિટી ગાર્ડે અસભ્યતાથી વાત કરતા મામલો ગરમાયો કિડની બિલ્ડિંગના એન્ટ્રીમાં હોસ્પિટલના પુરુષ સિક્યુરિટી ગાર્ડએ સંગીતાને રોકીને ગેટ પાસ માંગ્યો હતો. જોકે સંગીતા પાસે ગેટ પાસ ન હતી. સંગીતાએ કહ્યું કે ઈમરજન્સી છે, મારા મહિલા સંબધી આજ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે. હું ફોન કરું તો કોઈ ઊપડતું નથી. જેથી, કંઈ થયું નથી ને તે જોવા માટે આવી છું. એવું હોય તો તમે પણ મારી સાથે ઉપર ચાલો અને હું એક મહિલા મંડળમાં પ્રમુખ પણ છું. તેમ કહીને મોબાઈલમાં તેનો કાર્ડ બતાવી રહી હતી. દર્દીના મહિલા સગા એવી સંગીતાની કોઈ વાત સાંભળ્યા વિના જ પુરુષ સિક્યુરિટી ગાર્ડે તેણી સાથે અસભ્યતાથી વાત કરતા મામલો ગરમાયો હતો. ત્યારબાદ સંગીતા સીધી ઉપર જતી રહી હતી. ત્યારબાદ સંગીતા મહિલા દર્દીની દીકરી પ્રિયંકા સાથે ફરી નીચે આવી હતી. ત્યારે સિક્યુરિટી ગાર્ડએ મહિલા સિક્યુરિટી ગાર્ડને બોલાવી આ એજ છે જે મારી વાત સાંભળી નથી એમ કહેતા મામલો વધુ બિચકાયો હતો.
સિક્યોરિટી ગાર્ડને બે દિવસ માટે સસ્પેન્ડ કરી સંતોષ માન્યો મહિલા સિક્યુરિટી ગાર્ડ અને સંગીતા વચ્ચેની બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ હતી. જેથી, પ્રિયંકાએ 100 નંબરમાં પોલીસ કંટ્રોલમાં કોલ કરી ઘટના અંગે જાણ કરી હતી. તેથી ખટોદરા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી મામલો થાળે પાડયો હતો. આ બનાવને પગલે દર્દીઓના સગામાં હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. હાલ તો તંત્ર દ્વારા સિક્યોરિટી ગાર્ડને બે દિવસ માટે સસ્પેન્ડ કરી સંતોષ માન્યો છે. જોકે સિક્યોરિટી ગાર્ડના કારણે વિવાદ સર્જાયા કરે છે.