Bharuch News : ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. જેને લઈને સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા હતા કે, પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હતો. આ મામલે મનસુખ વસાવાએ તેમના સોશિલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. જેમાં મૃતકે સુસાઈડ નોટ લખી હોવાના ફોટો પણ શેર કરાયા હતા. જ્યારે સાંસદના આક્ષેપ બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ અને ધારાસભ્યએ પહોંચી પરિવારજનોની મુલાકાત કરી હતી. સમગ્ર મામલે નબીપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. સહિત ત્રણ પોલીસકર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ તાલુકાના કવિઠા ગામ ખાતે રહેતા યુવાન કિર્તન વસાવાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. આ મામલે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
‘મૃતક અને પરિવારને ન્યાય અપાવવા માટે હું મારા પૂર્ણ પ્રયત્નો કરીશ’
સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યુ હતું કે, ‘ભરૂચ તાલુકાના કવિઠા ગામે એક આદિવાસી ભાઈ કિર્તન અમૃતલાલ વસાવાએ ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ સ્ટેશનના ત્રાસથી આત્મહત્યા કરી છે. આ સંદર્ભે કેટલાક લોકો પોલીસને બચાવવાની કામગીરીમાં લાગી ગયા છે, પરંતુ આ વિષયમાં આદિવાસી સમાજ અને પરિવારની માંગણી છે કે કાયદેસરની કાર્યવાહી થાય. જેમાં હું પણ સમાજની સાથે છું. ખોટી રીતે પરિવારને હેરાન કરનાર અને એક સામાન્ય આદિવાસી પરિવારના ઘરના મોભીને મરવા માટે મજબૂર કરનાર જે કોઈ પણ હશે એમની ન્યાયીક તપાસ થાય અને મૃત્યુ પામનાર કિર્તનભાઈ તથા તેમના પરિવારને ન્યાય અપાવવા માટે હું મારા પૂર્ણ પ્રયત્નો કરીશ. આ સાથે જ મૃતક કિર્તનભાઈની સુસાઈડ નોટ હું પ્રજા સમક્ષ મૂકું છું.’
શું લખ્યું હતું સુસાઈડ નોટમાં?
મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં શેર કરેલી પોસ્ટમાં મૃતકે લખેલી સુસાઈડ નોટના ફોટો મુકવામાં આવ્યા છે. 14 માર્ચ, 2025ના રોજની તારીખ વાળી સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘મારુ નામ કિર્તન અમૃતલાલ વસાવા છે. હું કવિઠા ગામમાં રહું છું. મારા પર આ લોકો ખોટા કેસ બનાવે છે. હું પહેલા દારુ વહેંચતો હતો. પણ મે યાર મહિના જેવુ બધુ બંધ કરી દીધુ છે. એક કેસ તો મે કબુલ કરી લીધો છે, તો પણ આ લોકો મારી ગાડી પણ નથી છોડતા અને મને ખોટો ફસાવે છે. રાતના મારી છોકરીને અને મારી વાઈફ અને મારી બહેનને પણ લઈ ગયા હતા. રોજ ઘરે આવે છે, બધુ ચેક કરે છે. મારા ઘરનાઓને પણ મા-બહેન જેવી ગાળો બોલે છે. આ લોકોને મારી પાસે ધંધો શરૂ કરાવો છે અને જો એ શરૂ કરુ તો પણ પૈસાની માંગે છે. ગામમાં મારે રહેવા જેવુ કંઈ રહેવા નથી દીધુ. એટલુ હુ દવા પીને મારુ જીવન ટુકાવું છું. આ બધુ લખુ છું. એનું કારણ મારા ગયા પછી મારા ઘરવાળાને હેરાન ન કરે. બસ આ મારી અરજી એસપી સાહેબ પાસે જાય અને યોગ્ય પગલાં લેવામાં આવે…’
મૃતકે લખેલી સુસાઈડ નોટમાં ત્રણ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં રાજેન્દ્ર (જમાદાર), સંદિપ (જમાદાર) અને પરમાર સાહેબ લખેલું છે.
હોસ્પિટલે ટોળા થયા એકઠાં
આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પરિવારજનોના ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારે સાંસદ મનસુખ વસાવા તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ અંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ‘એક મહિના પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.પરમાર વિરુદ્ધ કરેલી રજૂઆત ધ્યાને ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે. આવા પોલીસકર્મીઓ સામે કડક પગલાં લેવા જોઈએ.’ વાગરાના ધારાસભ્ય અરુણસિંહે જણાવ્યું હતું કે, ‘પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસકર્મીઓને ડિસમિસ નહીં કરાય ત્યાં સુધી આ મામલો પડતો નહીં મુકાય.’
આ પણ વાંચો: ‘તમે મને સુપરસ્ટાર માનો છો, પણ સરકાર નથી માનતી…’, ‘નારાજ’ વિક્રમ ઠાકોર આવ્યા મેદાને
સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને ડીવાયએસપી સી.કે.પટેલ સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. આ મામલામાં પોલીસે આખરે નબીપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે.પરમાર પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપ સામે આત્મહત્યા માટે દૂષપ્રેરણા તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાયો છે. પોલીસે જણાવ્યું હતું કે ‘આત્મહત્યા કરનાર કિર્તન વસાવા ભૂતકાળમાં દારૂના કેસમાં પકડાયો હતો. પોલીસે કિર્તનની કાર જપ્ત કરી હતી, જે છૂટતી ન હોવાના કારણે તે તણાવમાં હતો. સમગ્ર મામલે જવાબદાર પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.