પીએમ મોદી હાલમાં અમરેલી જિલ્લામાં આવીને ગયા. તેમણે ભારત માતા સરોવરનું ઉદઘાટન કરવાની સાથે સવજીભાઈ ધોળકિયાના દીકરાના લગ્નમાં પણ હાજરી આપી હતી. પીએમ મોદી જ્યારે પણ ગુજરાતના નેતાઓ અને લોકોને મળે ત્યારે ખુલ્લા દિલથી વાતો કરે છે અને જૂના સંભારણા અચૂક યાદ ક
.
પીએમ મોદીએ બિઝનેસમેન સવજીભાઈ ધોળકિયાથી લઈને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત અનેક નેતાઓ સાથે ગુફતેગુ કરી હતી. દિવ્ય ભાસ્કરે આ નેતાઓ સાથે વાતચીત કરીને તેમની પીએ મોદી સાથે શું શું વાતો થઈ એ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
PM મોદી રૂપાલા વિશે બોલ્યા ત્યારે સૌ ખડખડાટ હસી પડ્યા હતા
‘રૂપાલા સાથે બાજરો મોકલજે એ થોડા કાઢી લેશે’ હીરા સોલંકીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, નરેન્દ્ર મોદીએ યાદ કર્યા એ જ સારું કહેવાય. એ હીરાભાઈ… એવું બોલીને પાસે આવ્યા અને ખબર અંતર પૂછ્યા હતા. નરેન્દ્ર મોદી જાફરાબાદના બાજરાના ખૂબ વખાણ કરે. તેમને જાફરાબાદનો બાજરો અતિપ્રિય છે. હું એમના માટે 1-2 વખત બાજરો પણ લઈ ગયો છું. ગુજરાતમાં હતા તો પણ હું મોકલતો. થોડો અલગ પ્રકારનો બાજરો આવે એટલે યાદ કરે જ. આ વખતે પણ PMએ મને કહ્યું કે રૂપાલા સાથે બાજરો મોકલજો, મારા સુધી પહોંચી જશે અથવા તમે દિલ્હી આવજો. મેં કહ્યું કે તેમની સાથે પણ મોકલીશ અને હું પણ લઇને આવું છું. એટલે મોદીએ હસતા હસતા ટકોર કરી કે ભાઇ, તુ રૂપાલા સાથે મોકલજે એ બાજરો થોડો કાઢી લેશે? આના પછી ખડખડાટ હસી પડ્યા હતા. આપણને ગર્વ થાય કે નાના વ્યક્તિને યાદ રાખે, નામથી બોલાવે અને ખબર અંતર પૂછે એ જ મોટી વાત કહેવાય.
PM સાથે જિલ્લાની અને સહકારી ક્ષેત્રની વાત થઇઃ સંઘાણી દિલીપ સંઘાણીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, PM મોદી સાથે મોજની વાતો થઈ હતી, બીજું શું હોય? ઘરની વાત કરી, પરિવારની વાત કરી, બધાના સમાચાર પૂછયા હતા. આવી જ વાતો હતી. હીરા સોલંકી સાથે જાફરાબાદના બાજરાની વાતો કરી હતી કે બાજરો સારો થાય છે.
ફેક્ટરીના ઉદઘાટન વખતે સરોવર બનાવવાનો નિર્ણય કર્યોઃ સવજી ધોળકિયા સવજી ધોળકિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, મેં 155 સરોવર બનાવ્યા છે. એ બધા સરોવરનું હાર્ટ ભારત માતા સરોવર છે. તેનું ઉદઘાટન કરવા પીએમ મોદી આવ્યા હતા. આ વર્ષે તેમનો અમરેલી જિલ્લામાં પ્રવાસ હતો. તો 155માં સરોવર એટલે ભારત માતા સરોવરનું રુબરુમાં તેમના હાથે ઓપનિંગ કરવામાં આવ્યું છે. તેમણે જ્યારે મારી ફેક્ટરીનું ઉદઘાટન કર્યું ત્યારે મેં સરોવર બનાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ મેં જ્યારે વર્ષ 2017માં પહેલું સરોવર બનાવ્યું ત્યારે પીએમ મોદીના જન્મદિવસે તેમણે જે તેનું વર્ચ્યુલ ઓપનિંગ કર્યું હતું. આ તકે મેં વધુ 100 સરોવર બનાવવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે મેં 75 સરોવર બનાવ્યા ત્યારે મારું પદ્મશ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મેં વધુ 80 સરોવર બનાવ્યા એટલે કે કુલ 155 સરોવર પૂરા કર્યા છે.
પ્રોજેક્ટથી થતાં લાભની PMને ખબર હતી PM મોદી બધા રિપોર્ટ લઇને આવ્યા હતા તેનો ઉલ્લેખ કરતાં સવજી ધોળકિયા કહે છે કે, એક સરોવરથી અંદાજે એક લાખ લોકોને ફાયદો થયો છે. પાણીના જે તળ 800 ફૂટ ઉંડા હતા તે હવે 35 ફૂટ સુધી આવી ગયા છે. જે ખેડૂતોને 2 લાખની માંડ આવક થતી હતી તેને હવે 20-20 લાખ રૂપિયાની આવક થાય છે. હજારો ખેડૂતોને આનો લાભ મળ્યો છે. આનાથી વિદેશી પક્ષીઓ આવવા લાગ્યા છે. ટૂરિઝમ પણ આપોઆપ વિકસી રહ્યું છે. મોદી આ બધા રિપોર્ટ લઈને આવ્યા હતા. તેમને આ પ્રોજેક્ટના લાભના ઊંડાણની ખબર છે. હું તેમને સાત વર્ષથી દર વર્ષનો ડેટા પણ મોકલતો હતો. ગયા વર્ષે જળ ઉત્સવ થયો ત્યારે પીએમ મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ કર્યો હતો.
સરોવરનું ઉદઘાટન અને પુત્રના લગ્ન સાથે જ કર્યા તેઓ વધુમાં જણાવે છે કે, હું ભારત માતા સરોવરના ઉદઘાટનનું આમંત્રણ આપવા ગયો ત્યારે મેં તેમને કહ્યું હતું કે તમે સરોવરનું ઉદઘાટન કરવા આવશો તો હું મારા દીકરાના ત્યાં જ મેરેજ કરી નાખીશ. મારું એ સપનું છે કે મારે તમને મારા દીકરાના મેરેજમાં લઈ જવા છે. તમે જે કહો એ તારીખ અને તમે જે કહો એ દિવસ. એટલે હવે બંને કામ એક સાથે પૂરા કર્યા.
PM મોદીની ભારત માતા સરોવર મુલાકાતને યાદ કરતાં સવજી ધોળકિયાએ કહ્યું કે, ભારત માતા સરોવર જોઈને પીએમ મોદીનું મન પ્રફૂલ્લિત થઈ ગયું હતું. હવે મારો એવો ભાવ છે કે આ જોઈને પીએમ મોદી ભારતની તમામ નદીઓને જીવંત કરશે.
PMએ સવજી ધોળકિયાને શું કહ્યું? નરેન્દ્ર મોદીએ આપેલી સલાહ વિશે સવજી ધોળકિયાએ જણાવ્યું કે, તેમણે મને એવું કહ્યું કે ભારત અને ગુજરાત સરકારની 80-20ની સ્કીમના લાભ ગામે ગામ પહોંચાડો. હવે મેં તો સંકલ્પ કરી લીધો છે કે જીવવું ત્યાં સુધી પાણી માટે કામ કરવું. આમ પણ બિઝનેસ તો છોકરાઓએ સંભાળી લીધો છે એટલે સમયની કોઈ પાબંધી નથી. દિકરાના લગ્નની જીવાબદારી પણ પૂરી થઈ ગઈ છે.
વડાપ્રધાને ઘર-પરિવારના ખબર અંતર પૂછ્યા હતાઃ જનક તળાવિયા લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાએ મોદી સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં દિવ્ય ભાસ્કરને કહ્યું કે, બસ પ્રેમથી મળ્યા અને ઘર પરિવારના ખબર અંતર પૂછ્યા હતા પછી કહ્યું હતું કે તમે વિધાનસભામાં બોલો છો કે નહીં? મેં કહ્યું હા, વિધાનસભામાં ઘણી વખત બોલ્યો છું. પરિવારનું પૂછ્યું કે ઘરે બધા મજામાં ને? બાકી PM સાથે કોઈ ચર્ચા થઈ નથી.
PM દર વખતે હાલચાલ પૂછે: વાઘાણી જીતુ વાઘાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, પ્રોટોકોલ મુજબ મારો વારો ત્યાં એરપોર્ટ પર હતો. બસ, આ વખતે પણ ખબર અંતર પૂછ્યા હતા અને કેમ છો કેમ નહીં કર્યા હતા. બીજી કોઈ ખાસ વાત થઇ નહોતી.
સવજી ધોળકિયાના પુત્રના લગ્નમાં રામ કથાકાર મોરારિબાપૂ અને ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા પણ હાજર હતા. વડાપ્રધાન મોદી તેમને મળ્યા હતા અને તેમના પણ ખબર અંતર પૂછ્યા હતા.
સ્ટોરી ઇનપુટ: દેવેન ચિત્તે, સુરત