લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓ નાણાં માટે સામાન્ય અરજદારો તો ઠીક સરકારી કર્મચારીઓને પણ છોડતા નથી, શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગનો સિનિયર ક્લાર્ક રૂ.5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો, શિક્ષણ વિભાગના અધિકારીને
.
રાજકોટ શહેરમાં રહેતા શિક્ષણ વિભાગના અધિકારીએ સરકારી ક્વાટર્સ મેળવવા માટે કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગમાં પાંચ મહિના પહેલા અરજી કરી હતી, આ અરજી કચેરીના સિનિયર ક્લાર્ક રવિ રાજુ મજેઠિયા પાસે આવી હતી, રવિ મજેઠિયાએ ક્વાટર્સ ફાળવણી બાબતે અવારનવાર અલગ-અલગ બહાના કાઢ્યા હતા અને પાંચ મહિનાનો સમય વિતાવી દીધો હતો. ક્વાટર્સ નહીં મળતાં શિક્ષણ વિભાગના આ અધિકારીને નિયમ મુજબ ભાડાની રકમ મળવાપાત્ર હતી અને આ માટે તેમણે ઉપરોક્ત કચેરીમાંથી ક્વાટર્સ ઉપલબ્ધ નહીં હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું હતું અને તે પ્રમાણપત્ર પોતાના વિભાગમાં રજૂ થયે તેમને ભાડાની રકમ મળી શકે.
આ પ્રમાણપત્ર આપવાના બદલામાં સિનિયર ક્લાર્ક રવિ રાજુ મજેઠિયાઅે રૂ.5 હજારની લાંચ માગી હતી, પોતે સરકારી કર્મચારી હોવા છતાં સરકારના જ વિભાગમાં કામ માટે લાંચ આપવી પડશે તેવી વાતથી આ અધિકારી સમસમી ગયા હતા અને તેમણે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો.
શિક્ષણ વિભાગના અધિકારી અને લાંચિયા ક્લાર્ક રવિ મજેઠિયા વચ્ચે લાંચની રકમ શુક્રવારે આપવાનું નક્કી થયું હતુ, બીજીબાજુ એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. નક્કી થયા મુજબ શિક્ષણ વિભાગના અધિકારી શુક્રવારે સાંજે ઉપરોક્ત કચેરીએ પહોંચ્યા હતા અને રવિ મજેઠિયાને તેની ઓફિસમાં જ લાંચના રૂ.5 હજાર રોકડા અાપ્યા હતા, રવિ મજેઠિયાએ લાંચની રકમ સ્વીકારી તે સાથે જ એસીબીના પીઆઇ આર.એન.વિરાણી સહિતની ટીમે રવિને રંગેહાથ ઝડપી લીધો હતો. બીજી બાજુ રવિના ઘરે પણ એસીબીની ટીમ પહોંચી ગઇ હતી અને ત્યાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં 10 મહિનામાં એસીબીની 28 સફળ ટ્રેપ
એસીબી રાજકોટ એકમ ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનાથી તા.13 ડિસેમ્બર સધીમાં 29 સ્થળે દરોડા પાડી લાંચિયા કર્મચારીઓને પકડવામાં આવ્યા હતા, જેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં માત્ર એક જ કેસ થયો હતો, જ્યારે માર્ચથી ડિસેમ્બર સુધીમાં 28 સફળ ટ્રેપ થઇ હતી, એસીબીની સક્રિયતાથી લાંચિયા અધિકારી-કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે, મહારાષ્ટ્રના પીઆઇ દિગંબર પાગરે રાજકોટના યુવકને સાયબર ક્રાઇમના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેની પાસેથી રૂ.10 લાખની લાંચ માગી હતી, રાજકોટ એસીબીની ટીમે પીઆઇ પાગરના વચેટિયા રાજકોટના શખ્સને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો, ફરાર થઇ ગયેલો પીઆઇ પાગર અંતે રજૂ થતાં એસીબીની ટીમે તેની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો હતો, જે હાલમાં જેલની હવા ખાઇ રહ્યો છે.