અમદાવાદ
રાજ્યમાં કોરોના વાયરસને લઈને કેસોની સંખ્યામાં વધારો થયો છે. 24 કલાકમાં સાત નવા કેસ નોંધાયા છે જે તમામ અમદાવાદના હોવાનું જણાયું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આપેલી વિગતો મુજબ અમદાવાદમાં સાત નવા કેસો નોંધાયા છે જેને પગલે શહેરમાં કુલ 38 લોકો પોઝિટિવ થયા છે. ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 95 થઈ ગઈ છે. આ ઉપરાંત રાજ્યમાં પંચમહાલના એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું હોવાથી મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે.
ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વિતેલા 24 કલાકમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અમદાવાદ કોરોના વાયરસનું હોટસ્પોટ બની ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને પગલે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એએમસી દ્વારા કોરોના પોઝિટિવ કેસોના નામ અને સરનામા સાથેની યાદી પણ બહાર પાડી છે જેને પગલે આસપાસમાં રહેનાના લોકો પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવ્યા હોય તો સામેથી સંપર્ક કરી શકે.
અમદાવાદમાં સામે આવેલા સાત કેસ પૈકી ત્રણ સ્ત્રી છે તેમજ ચાર પુરૂષ છે. છ લોકોને લોકલ ટ્રાન્સમિશન દ્વારા ચેપ લાગ્યો હોવાનું જણાયું છે જ્યારે એક 68 વર્ષના પુરૂષ દિલ્હીથી આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. બે દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં જ્યારે પાંચને એસ વી પી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં કાલુપુર ભંડેરી પોળ ના 4 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે જેમાં 7 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત કાલુપુરમાં મલેકશાહ મસ્જિદ 68 વર્ષના પુરૂષ, બાપુનગર 65 વર્ષીય પુરુષ અને બાપુનગરમાં 17 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પંચમહાલના 78 વર્ષના દર્દીનું કોરોનાને કારણે વડોદરાની સવિતા હોસ્પિટલમાં મોત થયું છે તે કોમોર્બિડ હતા અને તેમને ફેંફસાની બીમારી હતી તેમજ હાયપરટેન્શનથી પણ પીડાતા હતા. વડોદરા ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત દ્વારા જણાવવામાં આવ્યું છે. કુલ 95 દર્દીઓ પૈકી બે દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે તેમજ 75ની સ્થિતિ સુધારા પર છે. 10 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. રાજ્યમાં આઠ દર્દીઓના કોરોના વાયરસથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 1944 લોકોના કોરોના વાયરસના સેમ્પલનું લેબોરેટરી પરીક્ષણ થયું છે જેમાંથી 95 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 1847 નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. બે લોકોના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ દિવ્ય સરદાર સમાચાર સાથે.તમે અમને ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Click For Gujarat Samachar in Hindi India Hindi News