એક એવી રમત જેનો ભારતીય રમત-ગમતના મુખ્ય પ્રવાહમાં ભાગ્યે જ ઉલ્લેખ થતો હોય તે આઇસ સ્ટોકમાં ગુજરાતના સાત ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ઓસ્ટ્રિયા જઈ રહ્યા છે. 22 ફેબ્રુઆરીથી 9 માર્ચ, 2025 દરમિયાન કેનફેનબર્ગ, ઓસ્ટ્રિયામાં યોજાનારી 15મી વર્લ્ડ આઇસ
.
આઇસ સ્ટોક ચેમ્પિયનશિપમાં પસંદ થયેલા સાત ગુજરાતના ખેલાડી 1. પ્રિયદર્શીરાજ તિવારી, જુનિયર કેટેગરીમાં ટીમ ગેમ અને ટીમ ટાર્ગેટ ઇવેન્ટમાં ભાગ લેનાર યુવા ખેલાડી. 2. બ્રોન્ઝી કુકડિયા, ટીમ ટાર્ગેટ અને મિશ્રિત ટીમ ઇવેન્ટમાં ભાગ લે છે, એક પ્રતિભાશાળી યુવા. 3. મંતવી ચલોડિયા, જુનિયર કેટેગરીમાં ટીમ ગેમ અને ટાર્ગેટ ઇવેન્ટમાં ભાગ લે છે. 4. વિકાસ વર્મા, ટીમના મુખ્ય કોચ, સાથે જ મિક્સ્ડ ટીમ ગેમ ઇવેન્ટમાં પણ ભાગ લેશે. 5. નીલમ મિશ્રા, સુરત પોલીસમાં કોન્સ્ટેબલ, ટીમ ડિસ્ટન્સ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 6. પરવિંદરસિંઘ, પશ્ચિમ કચ્છ પોલીસના હેડ કોન્સ્ટેબલ, ટીમ ડિસ્ટન્સ અને ટાર્ગેટ ઇવેન્ટમાં ભાગ લેશે. 7. ઈવા પટેલ, વિશેષ ક્ષમતા ધરાવતી (સ્પેશિયલ-એબલ) ખેલાડી, વ્યક્તિગત લક્ષ્યાંક અને મિશ્રિત ટીમ ઈવેન્ટમાં રમશે.
એક અસાધારણ યાત્રા: સંઘર્ષ અને જીતનો આ સમયગાળો ઇવા પટેલ શબ્દોથી નહિ તો પ્રદર્શનથી બોલતી એક સ્પેશિયલ-એબલ ખેલાડી છે, જે સાંભળી અને બોલી શકતી નથી તેમ છતાં દેશ માટે મેદાનમાં ઝંપલાવશે. આ મામલે ઈવાના માતા અલકા પટેલે જણાવ્યું હતું કે, ઈવાને આઈસ સ્ટોક ગેમ ગમે છે એટલે તે રોજ સુરત રમવા અ વ્યારા પ્રેક્ટિસ પણ કરે છે. તે કરાટેમાં તો જતી જ હતી, પછી તે આઇસ સ્ટોકમાં રમી રહી છે. તે સાંભણી શકતી નથી પણ પ્રેક્ટિસમાં કોઈ ઈશારાથી બતાવે તો તે તુરંત જ સમજી જાય છે.
ઈવાના અભ્યાસ અંગે માતાએ જણાવ્યું કે, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, ફેશન ડિઝાઇનિંગ, બી.એસ.ડબલ્યુ., એસ.વાય.બી.એ. સુધી ભણેલી છે. તે વિવિધ ગેમમાં ચાર વર્ષથી ભાગ લઈ રહી છે. તેની પાસે 50થી વધુ મેડલ પણ છે. આ ગેમમાં પણ તે મેડલ લાવશે જ. મારી સરકારને અપીલ છે કે, ઈવાને આગળ લાવવા માટે કંઈક કરે.

પરેડ ગ્રાઉન્ડ સાથે સર્વિસ રોડ પર પણ પ્રેક્ટિસ કરીઃ નીલમ નીલમ રામપ્રકાશ મિશ્રાએ જણાવ્યું હતું કે, તેઓ સુરત શહેરના પોલીસ વિભાગના હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. પ્રેક્ટિસની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં તાપમાન 35થી 40 ડિગ્રી સુધી હોય છે. જ્યારે અમે વિન્ટરની રમત માટે ત્યાં ઉતરીએ ત્યારે માઇનસ 10 ડિગ્રી સુધી તાપમાન હોય છે. ખાસ કરીને રાતે આ રમત થાય ત્યારે તાપમાન વધુ ઘટે છે, આજ અમારી માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. જે સ્પોર્ટ્સ પર્સન હોય તેને બધુ જ હેન્ડલ કરવું પડે, જે અમે કરીએ છીએ. પ્રેક્ટિસ અમે બાસ્કેટ બોલના ગ્રાઉન્ડ અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ સાથે સર્વિસ રોડ પર પણ કરીએ છીએ.
અહીંના વાતાવારણ પ્રમાણે પ્રેક્ટિસ કરવી મુશકેલઃ પરવિંદરસિંહ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલ પરવિંદરસિંહ દિલીપસિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે, હું ગુજરાત પોલીસમાં છું. આ રમત અંગે જાણકારી મને મારા પોલીસ વિભાગમાં ફરજ બજાવનાર નીલમ મિશ્રા પાસેથી મળી. ત્યાર પછી મેં રમત વિશે તમામ જાણકારી મેળવી અને ટ્રેનિંગની શરૂઆત કરી. પ્રેક્ટિસમાં સ્ટ્રગલ છે. કારણ કે, ગુજરાતમાં વિન્ટરનું રિંગ નથી. દેશમાં એકમાત્ર રિંગ ગુલમર્ગ, કાશ્મીરમાં છે, તેથી અમે સમરના પ્લેટફોર્મમાં સેટ કરીને પ્રેક્ટિસ કરીએ છીએ. જેમ કે, બાસ્કેટબોલ રિંગ, અમુક ટાઈમ અમે રોડ પર પણ પ્રેક્ટિસ કરીએ છીએ.

વિશ્વમંચ પર ત્રિરંગો લહેરાવવાનું સ્વપ્નઃ કોચ આઇસ સ્ટોકના મુખ્ય કોચ વિકાસ વર્માએ જણાવ્યું હતું કે, આ સફરને માત્ર એક રમત નહીં, પણ વિશ્વપટ પર ગુજરાતની ઓળખ બનાવવાનો સંકલ્પ છે. આઇસ સ્ટોક એ માત્ર વિન્ટર ગેમ નથી, એ સપનાની યાત્રા છે. જો સુરતની ગરમીમાં આ ખેલાડીઓ લડી શકે, તો બરફ પર પણ જીત મેળવી શકે. આ ખેલાડીઓ માત્ર ગુજરાત માટે નહીં, પણ આખા ભારત માટે ગૌરવ લાવી રહ્યા છે. ઓસ્ટ્રિયામાં આ મહાન મુકાબલા માટે ગુજરાતના ખેલાડીઓ સમર્પણ, સંઘર્ષ અને સિદ્ધિનો ઈતિહાસ લખવા જઈ રહ્યા છે. આવી જીત માત્ર ગોલ્ડ મેડલથી નહીં, પણ ભારતના દ્રષ્ટિકોણમાં વિન્ટર ગેમ્સ માટે નવા દિશા-સૂચકના રૂપમાં ગણાશે. આ વખતે વિશ્વની ગુજરાતના આ સાત ખેલાડી પર નજર હશે.