પેટીએમ કંપનીના અધિકારી તરીકે ઓળખાણ આપી હવેથી સાઉન્ડ બોક્સનું માસિક ભાડું રૂ.99 નહીં ભરવું પડે, તેવું કહીને ઓનલાઇન પ્રોસેસ કરવાના બહાને પાર્લરના વૃદ્ધ માલિકનો ફોન લઈને બે ગઠિયાએ રૂ.98 હજાર પડાવી લીધા હતા. બંને ત્યાંથી ગયા બાદ વૃદ્ધ પેટીએમથી પેમેન્ટ કર
.
નવા નરોડા વિસ્તારમાં સિતારામ ચોક પાસે શ્રીજી ધામ સોસાયટીમાં રહેતા કેશુભાઈ દુલાભાઈ પટેલ(63) સોસાયટીની બાજુમાં 13 વર્ષથી પાર્લર ધરાવે છે. તેમનું એકાઉન્ટ પંજાબ નેશનલ બેંકમાં આવેલું છે. કેશુભાઈએ ચાર વર્ષ પહેલા પેટીએમ મશીન અને સાઉન્ડ બોક્સ મુકાવ્યું હતું. તે પંજાબ નેશનલ બેંક સાથે લિંક છે. 7 જાન્યુઆરી 2025ના રોજ તેઓ પાર્લર પર હાજર હતા ત્યારે સવારે 8.30 વાગ્યે 2 માણસ આવ્યા હતા. તેમણે કેશુભાઈને કહ્યું હતું કે, તેઓ પેટીએમ કંપનીમાંથી આવે છે? પેટીએમ સાઉન્ડ બોક્સમાં કોઈ તકલીફ છે કે નહીં તેવી વાત કરીને મહિનાનું કેટલું ભાડંુ ચૂકવો છો? તેવું પૂછતા કેશુભાઈએ કહ્યું હતું કે, રૂ.99 દર મહિને ચૂકવે છે. આથી હવેથી તેમને કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં તેવું કહીને તેના માટે ઓનલાઈન પ્રોસેસ કરવા માટે કેશુભાઈનો મોબાઈલ ફોન લીધો હતો. થોડી વારમાં ફોન પાછો આપીને તે બંનેએ કહ્યું હતું કે, હવે કોઈ પણ પેટીએમના સાઉન્ડ બોક્સનો ચાર્જ કોઈ માગે તો તમારે ચૂકવવાનો થતો નથી.
આવું કહીને બંને ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ તેમણે 9 જાન્યુઆરીએ પેટીએમમાંથી પેમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પેમેન્ટ થતું ન હતું અને પિન નંબર ખોટો હોવાનો મેસેજ આવતો હતો. આથી તેમણે બેલેન્સ ચેક કરતા તેમના બેંક એકાઉન્ટમાંથી રૂ.98 હજાર ઊપડી ગયા હતા. જ્યારે તેમણે તપાસ કરી તો આ પૈસા પેટીએમ કંપનીમાંથી 2 કર્મચારી આવ્યા હતા અને પ્રોસેસ કરી હતી તે સમયે જ ઉપડી ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. આથી આ અંગે કેશુભાઈ પટેલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.