ઝાલોદ નગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ઝૂલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ભજન કિર્તન કરવામા આવ્યુ હતુ.
.
આજે ચેટીચાંદના પર્વ એ સિંધી સમાજનો મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જળ અને જ્યોતિના અવતાર તરીકે પૂજાતા ભગવાન ઝૂલેલાલે સદભાવના અને ધર્મની રક્ષા માટે જન્મ લીધો હતો.
ઉજવણીની શરૂઆત 29 માર્ચથી થઈ, જેમાં બાળકો માટેની ઇવેન્ટ્સ અને ભજન સત્સંગનું આયોજન કરાયું. આજે વહેલી સવારે પૂજા-અર્ચના અને મહાઆરતી બાદ સવારે 11 વાગે ઝૂલેલાલ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું.
સાંજે નગરના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં સિંધી સમાજના લોકો ભજનો પર નાચતા-ઝૂમતા જોવા મળ્યા. શોભાયાત્રા દરમિયાન ‘આયોલાલ ઝુલેલાલ’ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. આ પ્રસંગે સમાજના તમામ લોકોએ પોતાના વ્યાપાર-રોજગાર બંધ રાખ્યા.
કાર્યક્રમના અંતે મંદિરમાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું. સિંધી સમાજના નવા પ્રમુખ પ્રેમ મેરવાનીએ ઉત્સવની સફળતા માટે સમાજના સર્વ લોકોનો આભાર માન્યો.