રાજકોટ TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડમા સરકાર દ્વારા તાત્કાલિક SITની રચના કરવામાં આવી હતી. આ પછી હાઇકોર્ટની ટકોર બાદ સીટ ઉપર અન્ય એક SIT એટ કે સત્ય શોધક કમિટીની રચના કરવામાં આવી હતી. ત્યારે હવે ACB દ્વારા પણ એકલા સાગઠીયાની તપાસ કરવા માટે SITની રચના કરી
.
28 કરોડથી વધુ બેનામી સંપત્તિ આવતા તપાસ હાથ ધરી
રાજકોટ ACB દ્વારા ગત સોમવારે સાંજે મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયાનો જેલમાંથી કબ્જો લઇ બીજા અપ્રમાણસર મિલ્કતના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે અને આ તપાસ દરમિયાન કુલ 28 કરોડથી વધુ બેનામી સંપત્તિ હોવાનું સામે આવતા એસીબી એ સાગઠીયાના 6 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. આ દરમિયાન આજે એસીબીના વડા દ્વારા સરકારની સૂચના મુજબ સાગઠીયા સામે તપાસ માટે SITની રચના કરવામાં આવી છે જેમાં એસીબીના અધિક નિયામક સહીત 6 અધિકારીની નિમણૂક કરી છે.
ગેરકાયદેસરની મિલકતોની તપાસ માટે SITની નિમણૂક
મનસુખ સાગઠીયા વિરુદ્ધ તપાસ માટે ACB દ્વારા SITની રચના કરવામાં આવી છે, જેમાં SITના ચેરમેન તરીકે અધિક નિયામક બિપિન અહિરે, મદદનીશ નિયામક એ.કે.પરમાર, મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ, પીઆઇ એમ એમ લાલીવાલા, પીઆઇ જે એમ આલ અને કાયદા સલાહકાર વી.બી. ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. મનસુખ સાગઠીયા સામે ગુનાની તપાસનું સુપરવિઝન સારૂ તથા આરોપીએ રાજ્ય સેવક તરીકે વસાવેલ ગેરકાયદેસરની મિલકતોને કાયદાનુસાર ટાંચમાં લેવાની કાર્યવાહી માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની નિમણૂક કરવામાં આવી છે.
SITની ટીમ તપાસમાં ભીનું સંકેલી નાખશે
આજે થયેલ SITની રચના મામલે પ્રદેશ કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, જયારે-જયારે કોઈ ઘટનામાં બહુ ઉહાપો થાય ત્યારે-ત્યારે સરકાર ઢાંકપિછોડો કરવા માટે SITની રચના કરતી હોય છે. 6 અધિકારીની નિમણૂકની કોઈ જરૂર જ નથી, જે અધિકારી તપાસ કરતા હતા એ આગળ તપાસ કરી શકે તેમજ છે. SITના નામે તપાસ ઠંડી કરવાનું કામ આ SIT કરશે. અત્યાર સુધી થયેલ તપાસમાં પણ શંકા જરૂર ઉપજે છે. અત્યાર સુધી તપાસ સાગઠીયાથી આગળ વધી નથી. સાગઠીયાને કોણ પૈસા આપતું હતું, સાગઠીયા વતી લાંચ કોણ લેતું હતું, કેટલા લોકોની મીલીભગત છે, કોઈ મોટા નેતાઓ કે પદાધિકારીઓ સંડોવણી છે કે કેમ, કોઈ મોટા બિલ્ડરના નામ સામે આવ્યા નથી એટલે આ સાગઠીયા સુધી તપાસ સીમિત રહેશે તપાસનો ગાળીયો સાગઠીયાના ગળામાં નાખી SITની ટીમ તપાસમાં ભીનું સંકેલી નાખશે. આ SIT ટીમ પાસે સરકારને અપેક્ષા છે કેટલીક પરંતુ, જનતા એ યોગ્ય તપાસની કોઈ અપેક્ષા રાખી શકાય તેમ નથી.
તપાસમાં કોઈ વધુ નવા ખુલાસા થશે?
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સાગઠીયા ઉપર દોષનો ટોપલો ઢોળી મોટા મગરમચ્છોને સરકાર છાવરી લેશે. જ્યાં સુધી નોન કર્પટ અધિકારીઓને તપાસ સોંપવામાં નહિ આવે ત્યાં સુધી યોગ્ય તપાસ થઇ શકશે નહિ. જો કે, હવે આ SITની તપાસમાં કોઈ વધુ નવા ખુલાસા થશે કે પછી કોંગ્રેસના આક્ષેપ સાચા સાબિત થશે તે જોવું મહત્વનું રહેશે.