અમદાવાદ,ગુરૂવાર
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ મુંબઇ-વાપી હાઇવે પરથી બુધવારે સાંજે બે નાઇજીરીયનની રૂપિયા ૧.૨૬ કરોડની કિંમતના મેથામાઇન અને અન્ય ડ્ગ્સ સાથે ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો મુંબઇથી લાવીને વાપીમાં એક વ્યક્તિને સપ્લાય કરવાનો હતો. આ અંગે એસએમસીએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર સી એચ પનારાને બુધવારે માહિતી મળી હતી કે મુંબઇથી બે નાઇજીરીયન ડ્રગ્સનો જથ્થો લઇને વાપી તરફ આવવાના છે. જેના આધારે પોલીસે સાંજના સમયે વોચ ગોઠવીને ટેક્ષીમાં આવી રહેલા બે નાઇજીરીયનને રોકીને તપાસ કરતા તેમની પાસેથી ૨૫૨ ગ્રામ એમફેટામાઇન અને ૧૪ મીલી ગ્રામ મેથાફેટામાઇન નામનું રૂપિયા ૧.૨૬ કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું.
પુછપરછ કરતા બંનેના નામ કેલીચીકુ ફ્રાન્સીસ અને અકીમવાનમી ડેવીડ હોવાનું જાણવા મળ્યું હતું. જે મુંબઇના નાલાસોપારા વિસ્તારમાં રહેતા હતા અને ચાચુ નામનો કોડ ધરાવતા ડ્રગ્સ ડીલરે આ ડ્રગ્સ વાપી ખાતે એક વ્યક્તિને આપવા માટે સુચના આપી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.