કડકડતી ઠંડીમાં પોલીસના પેટ્રોલિંગ ઉપર પ્રશ્નો ઉઠયા
તસ્કરોએ આઇસ્ક્રિમની દુકાનમાંથી ભરપેટ આઈસ્ક્રીમ ખાધો : હજી સુધી પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો નહીં
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરોનો તરખાટ
વધી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે દહેગામ શહેરમાં તસ્કરો ત્રાટકયા હતા અને એક જ
રાતમાં ત્રણ મકાન અને ચાર દુકાનના તાળા તોડી ચોરી કરી હતી. જો કે હજી સુધી આ મામલે
પોલીસ દ્વારા કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી.
આમ તો દર વર્ષે શિયાળાની ઠંડીમાં ઘરફોડ ચોરીના બનાવો વધતા
હોય છે અને પોલીસ દ્વારા પણ દર વર્ષે અસરકારક પેટ્રોલિંગ કરવાના દાવા કરવામાં આવતા
હોય છે પરંતુ તસ્કરો તેમના મનસુબા પાર પાડવામાં સફળ થતા હોય છે. આ વર્ષે પણ
ગાંધીનગર શહેર હોય કે આસપાસનો ગ્રામ્ય વિસ્તાર કે તાલુકા મથક હોય ઘરફોડ ચોરીના
બનાવો વધી રહ્યા છે ત્યારે ગઈરાત્રે દહેગામ શહેરમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી. જે
અંગે મળતી વિગતો પ્રમાણે તસ્કરો સૌપ્રથમ અમદાવાદ રોડ ઉપર આવેલા જનતા આઈસ્ક્રીમ
નામની દુકાને નિશાન બનાવી હતી. જોકે અહીં તસ્કરોએ કોઈ ચીજ વસ્તુ ચોરી ન હતી પરંતુ
ભરપેટ આઈસ્ક્રીમ ખાઈ લીધો હતો ત્યારબાદ દહેગામના નારાયણ કોમ્પલેક્ષમાં આવેલી
શ્રીજી હેલ્થ કેર, કબીર
વર્લ્ડ અને શક્તિ ડેરી પાર્લરના તાળા તોડયા હતા. આ દુકાનોમાંથી પણ કોઈ મોટો
મુદ્દામાલ ચોરાયો ન હતો ત્યારબાદ તસ્કરોએ દહેગામ શહેરમાં આવેલી લક્ષ્મીનારાયણ
સોસાયટીને નિશાન બનાવી હતી અને અહીં એક સાથે ત્રણ બંધ મકાનોના તાળા તોડીને તેમાંથી
માલ સામાનની ચોરી કરી લીધી હતી. જો કે સવારના સમયે આ ઘટના સંદર્ભે સ્થાનિકોને જાણ
થતા દહેગામ પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા સ્થળ ઉપર
પહોંચીને તપાસ શરૃ કરવામાં આવી હતી. જો કે હજી સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ
કરવામાં આવી નથી. દહેગામ શહેરમાં વધેલી ઘરફોડ ચોરીની ઘટનાઓને પગલે શહેરીજનોમાં
ફફડાટ ફેલાઈ ગયો છે અને પોલીસનું અસરકારક પેટ્રોલિંગ વધારવા માટે માગણી કરવામાં
આવી છે.