અમદાવાદ,રવિવાર
સોશિયલ મિડીયામાં સાબરમતી સેન્ટ્રલ જેલના હોવાનું કહીને બે વિડીયો વાયરલ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક વિડીયોમાં બેરેકમાં એક વ્યક્તિ ચાલતો જણાઇ છે અને અન્ય એક વિડીયો મુલાકાતના સ્થળનો છે. આ વિડીયો વાયરલ થતા તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી. જો કે આ વિડીયો સાબરમતી સેન્ટ્રલ જેલનો નહી પણ અન્ય જેલનો હોવાની શક્યતાને આધારે રાજ્યની જેલોના વડાએ તપાસના આદેશ આપ્યા છે. સોશિયલ મિડીયામં ઇન્સ્ટાગ્રામ પર ખુમાનસિંહ ઝાલા ડાભોર નામના વ્યક્તિની આઇડી પર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં બેરેકમાં કાચા કામના કેદીઓ સુતા છે અને એક વ્યક્તિ વચ્ચે ચાલી રહ્યો છે. આ સાથે સાબરમતી જેલમાં આરામ નામનું ટાઇટલ પણ લખેલું છે.
જ્યારે બીજો વિડીયો જેલના કેદીઓના મુલાકાત રૂમનો હતો. આ વિડીયો વાયરલ થતા જ જેલના ડીવાયએસપી પરેશ સોંલકી દ્વારા જેલના તમામ બેરેકમાં તપાસ કરાવી હતી. પરંતુ, આ વિડીયો સાબરમતી જેલનો ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ અંગે સાબરમતી સેન્ટ્રલ જેલના સત્તાધીશો દ્વારા સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવશે. એક વિડીયોમાં દેખાતો ખુમાનસિંહ ઝાલા કાચા કામના આરોપી તરીકે ૬ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ સાબરમતી જેલમાં આવ્યો હતો.જ્યારે ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ જામીન મુક્ત થયો હતો. પરંતુ, તે જે બેરેકમાં હતો અને વિડીયોની બેરેક અલગ હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ આ વિડીયો રાજ્યની અન્ય જેલનો હોવાની શક્યતાને પગલે રાજ્યની જેલોના વડા કે એલ એન રાવે તપાસના આદેશ આપ્યા છે. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા પણ સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.