સોમનાથ મંદિર પાસેની ચોપાટી ખાતે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ભવ્ય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માધવપુર મેળાની પ્રી-ઈવેન્ટના ભાગરૂપે યોજાયો હતો. પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વોત્તર અને
.
ગુજરાતના કલાકારોએ ગરબો, ટ્રાઈબલ નૃત્ય, સુરેન્દ્રનગરનો રાસ, છોટાઉદેપુરનું રાઠવા અને અન્ય પરંપરાગત નૃત્યો રજૂ કર્યા. પૂર્વોત્તરના કલાકારોએ બિહુ નૃત્ય, મિઝોરમનું ચોંગ્લેઝવોન, ત્રિપુરાનું મમીતા અને અન્ય પારંપરિક નૃત્યોની પ્રસ્તુતિ આપી.

જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ કાર્યક્રમથી સ્થાનિક કલાકારોને તેમની કલા પ્રદર્શિત કરવાની તક મળી. માધવપુર મેળો તા.6 થી 10 એપ્રિલ દરમિયાન યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણય અનુસાર આ વર્ષથી મેળો પાંચ દિવસ સુધી ચાલશે.

પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં 1500થી વધુ મેળાનું આયોજન થાય છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસને કારણે 18.64 કરોડ લોકો ગુજરાતની વિરાસત માણવા આવે છે. મેળાના અંતિમ દિવસે દ્વારકા ખાતે ભગવાનનો સત્કાર મહોત્સવ યોજાશે.

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રૂક્મિણી હરણના તાદૃશ્ય દૃશ્યોએ લોકોનું મન હર્યું
ઢળતી સાંજે સોમનાથ પરિસરની ચોપાટી પાસે પ્રાંગણમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ સાથે યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમના અંતભાગમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂક્મિણી હરણનું તાદૃશ્ય વાતાવરણ ખડું થયું હતું.

કલાકારોના પર્ફોર્મન્સ માટેના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ રંગબેરંગી સુશોભિત ઘોડા જોડેલા રથમાં રૂક્મિણીહરણ માટે પ્રવેશ કર્યો હતો અને સાક્ષાત વાસ્તવમાં વર્ષો પહેલા જે ઈતિહાસ નોંધાયો છે, તેનું યથચ્છ નિરૂપણ કરતા ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્મિણીનું હરણ કરી પોતાની સાથે દ્વારકા નગરીમાં લઈ આવ્યાં હોય એવું જીવંત નિદર્શન કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત જનમેદનીએ પણ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્મિણીના આ વિવાહની ગાથાને હર્ષભેર ચીચીયારીઓ વચ્ચે વધાવી લીધી હતી. સમગ્ર વાતાવરણમાં સાક્ષાત ભગવાન દ્વારા વાસ્તવમાં રૂક્મિણી હરણ થયું હોય તેવું જીવંત વાતાવરણ ખડું થયું હતું.







