પાવીજેતપુર તાલુકાના બોરધા ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. પુત્રએ કાકાની મદદથી પિતાની હત્યા કરી નાખી છે. કરાલી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
.
વાગડ ફળિયામાં રહેતા નગીનભાઈ બાબુભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમના પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા. એક અઠવાડિયા પહેલા પુત્ર બનસિંગભાઈ સાથે ઝઘડો થતાં તે કાકા બકાભાઈને ત્યાં જતા રહ્યા હતા.
11 તારીખે સાંજે નગીનભાઈની પત્ની સાથે ફરી ઝઘડો થયો હતો. આ જાણીને બનસિંગભાઈ અને કાકા બકાભાઈ બાઈક પર આવ્યા. બનસિંગભાઈએ પિતા સાથે માતાને મારવા બાબતે ઝઘડો કર્યો હતો. ઝપાઝપીમાં બકાભાઈએ નગીનભાઈને નીચે પાડી દીધા. બનસિંગભાઈએ લાકડું ઉઠાવીને પિતાને પગ, કમર અને માથામાં મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.
નગીનભાઈની દીકરીએ પિતાને મૃત અવસ્થામાં જોયા. આરોપીઓએ લોકોને પોલીસ ફરિયાદ ન કરવા ધમકી આપી હતી. બીજા દિવસે સવારે ગામના પટેલની મદદથી કરાલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. રામસિંગભાઈની ફરિયાદના આધારે પુત્ર બનસિંગભાઈ અને કાકા બકાભાઈની ધરપકડ કરવામાં આવી છે.