વિશ્વબંધુ પરિવાર દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતી વર્ષ નિમિત્તે અમદાવાદથી કરમસદ સુધીની રાષ્ટ્રહિત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરદાર પટેલના જીવન અને કાર્યને ઘેર-ઘેર પહોંચાડવાનો હતો.
.
ઐતિહાસિક દાંડીયાત્રાના દિવસે, 12 માર્ચ 2025ના રોજ શરૂ થયેલી આ પદયાત્રામાં 78 લોકોએ ભાગ લીધો હતો. યાત્રા હાથીજણ, રાસ્કા, કનીજ, મહેમદાવાદ અને નડિયાદ થઈને 16 માર્ચે કરમસદ પહોંચી હતી. કરમસદમાં ત્રણ દિવસ સુધી નગરયાત્રા, જનસંપર્ક સભા અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા.
સમાપન અવસરે વિશ્વબંધુ પરિવારના દર્શન પટેલે જણાવ્યું કે લોકોમાં સરદાર પટેલની જયંતી ઉજવવાનો ઉત્સાહ છે. પરંતુ લોકો નેતૃત્વ અને પહેલની રાહ જુએ છે. આ માટે તેમણે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ યાત્રા દરમિયાન દરેક ગામમાં સરદાર પટેલની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી. સરદાર પટેલના સંસ્મરણો અને મણિબેન પટેલનું એકપાત્રીય અભિનય પણ રજૂ કરવામાં આવ્યું. આગામી સમયમાં ભારતમાં 100 અને વિદેશમાં 50 એમ કુલ 150 કાર્યક્રમો યોજવાનું આયોજન છે.
આણંદ મનપા, રાજ્ય અને કેન્દ્ર સરકારને ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તેના સવાલ
આણંદ મહાનગરપાલિકા : સરદાર પટેલની જન્મભૂમિ હોવાના નાતે કરમસદ ગામ તેમના આદર્શો અનુસાર એક આદર્શ ગામ બને અને સમગ્ર વિશ્વના પ્રવાસીઓ તેની મુલાકાત લઈને પ્રેરણા મેળવે તે માટે આણંદ મહાનગર પાલિકા દ્વારા ૧૫૦મી જન્મજયતી નિમિત્તે શું વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે?
રાજ્ય સરકાર : ૧૫૦મી જન્મ જયંતી ના ઉપલક્ષમાં સરદારનું જન્મસ્થળ (નડિયાદ), તેમની કર્મભૂમિ (કરમસદ) અને તેમનું કર્મ સ્થળ (અમદાવાદ) ના વિવિધ સ્થાનકોની હાલની સ્થિતિ અને તેના વિકાસ માટે રાજ્ય સરકારની શું યોજનાઓ છે ?
કેન્દ્ર સરકાર : કેન્દ્ર સરકારે સરદાર પટેલના રાષ્ટ્રહિતના વિચારોને દેશભરમાં ફેલાવવા માટે શું પગલાં લીધા છે? તેમની ૧૫૦મી જન્મ જયંતીને રાષ્ટ્રીય સ્તરે કેવી રીતે ઉજવવામાં આવશે જેથી દેશના યુવાનો તેમના જીવન અને કાર્યોથી પ્રેરણા મેળવી શકે ? જે સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ હોય.
