Surat Corportion : સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતએ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં 43 કરોડનો વધારો સ્થાયી સમિતિએ સુચવ્યો હતો અને તેમાં વિદ્યાર્થીઓને ગણવેશ સાથે સાથે સ્પોર્ટ્સના ડ્રેસ અને શુઝ આપવાનો નિર્ણય કરાયો હતો. 22.87 કરોડના ખર્ચે ટ્રેક, ટી-શર્ટ તેમજ સ્પોર્ટ્સ શુઝના ટેન્ડર મંજુર કરાયા હતા. સત્ર પુરું થવાના આરે માંડ ચાર પાંચ મહિના છે ત્યારે ટ્રેક, ટી-શર્ટ તેમજ સ્પોર્ટ્સ શુઝ વિતરણનો કાર્યક્રમ ગઈકાલ બુધવારે રાખવામાં આવ્યો હતો. અગાઉથી થયેલી જાહેરાત બાદ સમિતિના વિદ્યાર્થીઓને રાજ્યના ગૃહ મંત્રીના હસ્તે સ્પોર્ટ્સના ડ્રેસ અને શુઝ લેવાનો ઉમંગ હતો, પરંતુ જન્મ દિવસની ઉજવણીમાં વ્યસ્ત હોવાથી તેઓ આવી ન શકતા પાલિકાના દંડક અને શાસક પક્ષ નેતા તથા સમિતિના હોદ્દેદારોના હસ્તે વિતરણ કાર્યક્રમ કરવામા આવ્યો હતો.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હાલમાં 21 કરોડના ખર્ચે સમિતિના વિદ્યાર્થીઓને સ્પોટ્સ ગણવેશ અને સ્પોર્ટ્સ શુઝ આપવા માટેના ટેન્ડર બહાર પાડ્યા હતા, હવે જુન મહિનામાં સત્ર પુરું થાય તે પહેલાં જાન્યુઆરી મહિનામાં વિતરણ શરું કરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આગામી 15 દિવસમાં સુરતની તમામ શાળાઓમાં વિતરણ કરી દેવામાં આવશે અને ત્યારબાદ રમતની સ્પર્ધા અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે,
અગાઉથી થયેલી જાહેરાત મુજબ ગઈ કાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શિક્ષણ સમિતિ દ્વારા રમત ગમત માટે સ્પોર્ટ્સના ડ્રેસ અને શુઝનો વિતરણની શરૂઆત શાળા નંબર 160 અને 337 ન્યુ સીટી લાઇટમાં અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમમાં વિતરણ કરવામાં આવશે. આ જાહેરાત બાદ શિક્ષણ સમિતિના ગરીબ બાળકોમાં રાજ્યના ગૃહ મંત્રીના હસ્તે વિતરણ અને કાર્યક્રમમાં હાજર રહેવા માટે ભારે ઉત્સાહ હતો. જોકે, ગઈકાલે બુધવારે ગૃહ મંત્રીનો જન્મદિવસ હોય તેઓ વિવિધ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા તેથી વિદ્યાર્થીઓ નિરાશ થયાં હતા. ગૃહ મંત્રી હાજર રહી શકે તેવી જાણ થતા સુરત પાલિકાના શાસક પક્ષ નેતા અને દંડકના હસ્તે આ શાળામાં વિતરણ કરવામાં આવ્યું હતું.