Vantara’s Important Announcement : પ્રકૃતિ તેમજ પ્રાણીપ્રેમી અનંત અંબાણી દ્વારા જામનગરના વનતારામાં ઘરેલું પ્રાણી માટે સારસંભાળ કેન્દ્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે. ભારતના વિવિધ ઉત્તર પ્રાંતોમાંથી નેપાળ તરફ ગેરકાયદેસર રીતે બલી ચડાવવા માટે લઈ જતા 400 ઘરેલું પ્રાણીઓને ભારતની અગ્રણી ગુપ્તચર સંસ્થા સશસ્ત્ર સીમા બળ (SSB) દ્વારા બચાવી લેવામાં આવ્યાં છે. જેમાં ગઢીમાઈ ઉત્સવ સાથે જોડાયેલી ક્રૂર પ્રાણી બલીમાંથી બચાયેલી 74 ભેંસો અને 326 બકરીઓ છે. આ બચાયેલા 400 ઘરેલું પ્રાણીઓને વનતારામાં આજીવન આશ્રયસ્થાન પૂરું પાડવામાં આવશે. આ બચાવ કાર્યમાં ભારતના અગ્રણી પ્રાણી કલ્યાણ સંગઠનો પિપલ ફોર એનિમલ્સ (PFA) અને હ્યુમન સોસાયટી ઈન્ટરનેશનલ (HSI)નો મહત્ત્વપૂર્ણ સહકાર રહ્યો હતો.
21 નાની બકરીઓને વિશેષ સંભાળની જરૂરિયાત
વનતારાના પશુચિકિત્સકોએ બચાવવામાં આવેલી પ્રાણીઓનું પરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે, બચાવાયેલા પ્રાણીઓને અમુક દિવસો સુધી ભોજન-પાણી વિના કઠિન પ્રવાસ સહન કરવો પડ્યો હતો. હવે આ પ્રાણીઓની વનતારાના ઘરેલું પ્રાણી સારસંભાળ કેન્દ્રમાં દેખરેખ રાખવામાં આવશે. બચાવાયેલા પ્રાણીઓમાં 21 નાની બકરીઓને વિશેષ સંભાળની જરૂરિયાત હોવાથી ઉત્તરાખંડના પિપલ ફોર એનિમલ્સ દ્વારા સંચાલિત દેહરાદૂનના ‘હેપી હોમ સેન્ક્ચુરી’માં ખસેડવામાં આવશે.
પિપલ ફોર એનિમલ્સ પબ્લિક પૉલિસી ફાઉન્ડેશનના સ્થાપકે શું કહ્યું?
પિપલ ફોર એનિમલ્સ પબ્લિક પૉલિસી ફાઉન્ડેશનના સ્થાપકે ગૌરી મૌલેખીએ કહ્યું કે, ‘SSB અને બિહાર સરકારે અપવાદરૂપ મુશ્કેલ સંજોગોમાં ગેરકાયદેસર પશુ પરિવહનને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ દુર્લભ અને ગંભીર પરિસ્થિતિમાં અમારી ટુકડીઓએ SSBના સહયોગથી કાયદાના અમલીકરણ અને સંવેદનશીલ જીવોના રક્ષણ માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવીને આ પ્રાણીઓને સફળતાપૂર્વક બચાવ્યા હતા. અમે અનંત અંબાણીજીના વનતારા દ્વારા બચાવાયેલા પ્રાણીઓ માટે નિર્ણાયક પુનર્વસન સહાય પ્રદાન કરવા માટે ખૂબ આભારી છીએ. કારણકે આ અસાધારણ પરિસ્થિતિઓમાં આવા અસાધારણ હસ્તક્ષેપની ખુબ જ જરૂર છે.’
આ પણ વાંચો: ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી, જાણો કયા જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો ઍલર્ટ
2014માં 5 લાખથી વધુ પ્રાણીઓની હત્યા
ભારત-નેપાળ સરહદની નજીક આયોજિત ગઢીમાઈ ઉત્સવ વિશ્વના સૌથી મોટા ધાર્મિક પ્રાણી બલિદાન માટે જાણીતો છે. જેમાં ફક્ત 2014માં જ 5 લાખથી વધુ પ્રાણીઓની હત્યા કરવામાં આવી હતી. આમાંના મોટાભાગના પ્રાણીઓ ભારતમાંથી ગેરકાયદેસર અને ખુબ જ ક્રુરતાથી લઈ મોકલવામાં આવ્યા હતા. જેમને બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડમાંથી પરિવહન કરવામાં આવ્યું. નિકાસ પરવાના વિના પરિવહન પર પ્રતિબંધ અને SSB જેવા સરહદી દળો દ્વારા તેનું અમલીકરણ ફરજિયાત કરવા સહિત સીમા પાર પશુઓની હેરફેરને રોકવા માટે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના અનેક નિર્દેશો કરાયા છે. તેમ છતાં પ્રાણીઓની ગેરકાયદેસર હેરફેર યથાવત છે. આ બચાવ પ્રાણીઓની ધાર્મિક બલીની સમસ્યાઓને સંબોધિત કરવાના પડકારો, પ્રાણી કલ્યાણને જાળવી રાખવા તથા આવી પ્રથાઓ સામે કાયદાઓ લાગુ કરવા માટે જરૂરી સામૂહિક પ્રયાસોને રેખાંકિત કરે છે.