Updated: Dec 12th, 2023
– વિવિધ શાખાના સ્ટેમ્પ દેખાતા દોડધામ
– 2003ના સમયના ચૂંટણી વિભાગના તથા નોન યુઝ હોવાનો તંત્રનો દાવો
નડિયાદ : નડિયાદ ખાતે આવેલી ખેડા જિલ્લા કલેક્ટર કચેરી પાછળ કચરાના ઢગલામાંથી સોમવારે કલેકટર કચેરીની વિવિધ શાખાના સ્ટેમ્પ એટલે કે સિક્કા મળી આવ્યા હતા. જેના કારણે અધિકારીઓ દોડતા થયા હતા. તપાસમાં ૨૦૦૩ વખતની ચૂંટણી વિભાગના હોય કોઈ અધિકારીના નથી જે નોન યુઝ હોવાનું જણાતા છેવટે અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
ડભાણ રોડ પર આવેલી નડિયાદ કલેક્ટર કચેરીમાં હાલમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને કચેરીમાંથી એકઠો થયેલો કચરો કચેરીની કચરા પેટીમાં નાખવામાં આવ્યો હતો.
આ કચરા પેટીમાંથી સ્ટેમ્પના સિક્કા ફોટા સહીત ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા.
આ ઘટના સોમવારે ઉજાગર થતાં સ્ટેપમના સિક્કા ચૂંટણી અધિકારી ચૂંટણી વિભાગના હોવાનું જાણવા મળતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને આ સમયે લેવામાં આવેલા આધાર કાર્ડ સહીત પાસપોર્ટ ફોટા મળી આવ્યા હોવાની પણ ચર્ચા છે.
આ બાબતે અધિક નિવાસી કલેકટરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સફાઈ અભિયાન દરમિયાન ભેગો થયેલો કચરો કચરાપેટીમાં નાખવામાં આવ્યો હતો. જેમાંથી આજે મળેલા સિક્કા એટલે કે સ્ટેમ્પ વર્ષ ૨૦૦૩ વખતની ચૂંટણી વિભાગના છે કોઈ અધિકારીના નથી, જે નોન યુઝ છે, જેનાથી દૂર ઉપયોગ થાય નહીં.