સેવાઓનાં સુદ્રઢીકરણ માટે ડીપ ટેકનો ઉપયોગ કરવાનો પણ દાવો : સોમનાથમાં પ્રથમ દિવસે માત્ર આગતાસ્વાગતા ને પ્રવચનોઃ હવે બે દી રોજગારી, પ્રવાસન, ગ્રામ્યસ્તરે આવકવૃધ્ધિ વગેરે મુદ્દે ચિંતન
વેરાવળ, : સોમનાથમાં આજથી રાજ્ય સરકારની ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. આજે પ્રથમ દિવસે મુખ્યમંત્રી, મંત્રીઓ, અધિકારીઓ કેશોદ એરપોર્ટ પરથી સોમનાથ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સહિતનાઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. પ્રથમ દિવસે આ મહાનુભાવોની આગતાસ્વાગતા કરવામાં આવી હતી. હવે બે દિવસ રાજ્યમાં રોજગારીની તકો, પ્રવાસન વિકાસના જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું યોગદાન, ગ્રામ્ય સ્તરે આવક વૃધ્ધિ સહિતના મુદ્દે ચિંતન કરવામાં આવશે. આ ઉપરાંત વક્તવ્ય યોજાશે.
રાજ્ય સરકાર દ્વારા આજથી સોમનાથમાં 11મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણાં, આરોગ્ય, કૃષિ, ગૃહ, શ્રમ અને રોજગાર, સામાજીક ન્યાય અધિકારીતા, વન અને પર્યાવરણ, શિક્ષણ, આદિ જાતિ વિકાસ સહિતના વિભાગના મંત્રીઓ તેમજ સચિવો વિમાન મારફત કેશોદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં જૂનાગઢ કલેક્ટર, આઈજી, એસપી, ડીડીઓ સહિતના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. કેશોદ એરપોર્ટથી મુખ્યમંત્રી સહિતના મંત્રીઓનો કાફલો મોટર માર્ગે સોમનાથ પહોંચ્યો હતો, જ્યાં સોમનાથ ટ્રસ્ટ તથા વહિવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કરી અભિષેક કર્યો હતો તેમજ મહાદેવને ગુજરાતના કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીના હસ્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધા અને માહિતી કેન્દ્રમાં આવનાર યાત્રીઓ માટે તૈયાર કરવામાં આવેલી ડોક્યુમેન્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું. આજે પ્રથમ દિવસે મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને અધિકારીઓની આગતાસ્વાગતા કરવામાં આવી હતી.
ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે તેને હજુ ઉન્નત ઉંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર ચિંતન શિબિર પુરો પાડે છે. લોકશાહી પ્રણાલીમાં પ્રજાના પ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મયોગીઓ સાથે મળી એક ભાવથી કામ કરે તો ઉત્તમ પરિણામ મળે શકે તે વાવાઝોડા અને કુદરતી આફતના સમયે આપણે પૂરવાર કર્યું છે. લોકોનાં હિત માટે સાથે મળીને કામકાજ થાય તે જ ચિંતન શિબિરનુ હાર્દ છે. ચિંતનની આદત સૌએ કેળવવી જોઈએ. દિવસભરના કામનું આત્મમંથન, ચિંતન દિવસના અંતે થવું જોઈએ. જ્યારે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢીયાએ કર્મયોગના છ સિધ્ધાંતો વિશે પ્રવચન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, યોગ એ કોઈ ધર્મ નહી પરંતુ શરીર, મન અને સ્વસ્થ અને દિવ્ય કરનારાનું વિજ્ઞાાન છે. કર્મને જો યોગમાં પરિવર્તીત કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. સાથે સાથ મોક્ષ તરફ પ્રયાણ કરવામાં પણ યોગ સાધના ઉપયોગી સાબિત થાય છે.
હવે તા.રર અને ર૩ના રાજ્યમાં ગ્રામ્ય સ્તરે આવક વૃધ્ધી, પ્રવાસન વિકાસમાં જીલ્લાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું યોગદાન, રોજગારીની તકો, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન સહિતના મુદ્દાઓ અંગે મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા ચિંતન કરવામાં આવશે. ચિંતન શિબિરના પ્રારંભે સામુહિક યોગ કરવામાં આવશે. સેવાઓના સુદ્રઢીકરણ માટે ડીપ ટેકનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ ડેટા એનાલીસીસ જેવા વિષયો પર નિષ્ણાંતોનું વક્તવ્ય યોજાશે. ત્રણ દિવસીય ચિંતન શિબિરના સમાપન પ્રસંગે રાજ્યના શ્રેષ્ઠ જીલ્લા કલેક્ટર, ડીડીઓને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.