એકતાનગર સ્થિત GMR કૌશલ્ય વર્ધન કેન્દ્ર આદિવાસી યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. છેલ્લા ચાર વર્ષમાં 2048થી વધુ યુવક-યુવતીઓએ અહીંથી તાલીમ મેળવી સફળતાપૂર્વક રોજગારી મેળવી છે.
.
વર્ષ 2021માં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વાગડિયા ગામમાં શરૂ થયેલા આ કેન્દ્રમાં નર્મદા જિલ્લાના 160 ગામના યુવાનોને તાલીમ આપવામાં આવે છે. તેમાંથી 90% તાલીમાર્થીઓ આદિવાસી સમાજના છે. કુલ તાલીમાર્થીઓમાં 55% યુવતીઓ અને 45% યુવાનોનો સમાવેશ થાય છે.
કેન્દ્રમાં 10 જેટલા વિવિધ કોર્સ ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં 2149 ઉમેદવારોએ તાલીમ લીધી છે. તેમાંથી 2048 તાલીમાર્થીઓને નોકરી મળી છે. 80 જેટલી રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં આ તાલીમાર્થીઓને રોજગારી મળી છે.
કેન્દ્રમાં ઇ-ઓટો ડ્રાઇવર, હાઉસકીપિંગ, ઇલેક્ટ્રીશિયન, ફ્રન્ટ ઓફિસ એસોસિએટ, કોમ્પ્યુટર ઓપરેટર, બ્યુટી થેરાપિસ્ટ, ફૂડ એન્ડ બેવરેજ સર્વિસ જેવા કોર્સ ચલાવવામાં આવે છે. ખાસ કરીને મહિલા તાલીમાર્થીઓ પિંક ઇ-રિક્ષા ચલાવી પ્રવાસીઓને સેવા આપી રહી છે.
આ કેન્દ્ર સ્થાનિક યુવાનોને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ 70% તાલીમાર્થીઓને તુરંત જ નોકરી મળે છે, જ્યારે બાકીના સ્વતંત્ર વ્યવસાય કરે છે.






