Surat Anganwadi : ગુજરાતની સૌથી સમૃદ્ધ ગણાતા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 1093 આંગણવાડી છે. આ આંગણવાડીમાં 3 થી 6 વર્ષ સુધીના કુપોષિત અને અતિ કુપોષિત બાળકોની સંખ્યા 6116 જ્યારે ત્રણથી છ વર્ષ સુધીની વય મર્યાદામાં કુપોષિત અને અતિ કુપોષિત બાળકોની સંખ્યા 27270 છે. આમ ત્રણથી છ વર્ષ સુધીના કુપોષિત અને અતિ કુપોષિત બાળકોની સંખ્યા 33386 થઈ ગઈ છે જે ચોંકાવનારો આંકડો છે.
સુરત પાલિકા વિસ્તારની આંગણવાડીના કુપોષિત અને અતિકુપોષિત બાળકોને સપ્તાહમાં ત્રણ વાર દુધ આપવા માટેના ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ ખર્ચના આંકડા જોતાં સુરતની આંગણવાડીમાં ગુજરાતનું ભવિષ્ય કુપોષિત હોવાની ચાડી ખાય છે. ગુજરાત સરકાર દ્વારા કુપોષણ ઘટાડવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ યોજના હેઠળ સુરત પાલિકા દ્વારા પણ કુપોષણનો દર ઘટાડવા માટે અથાગ પ્રયાસો કરે છે પરંતુ તેમાં વધારે સફળતા મળતી ન હોવાનું પાલિકા વિસ્તારમાં ચાલતી આંગણવાડીના કુપોષિત અને અતિ કુપોષિત બાળકોના આંકડા પરથી કહી શકાય છે.
સુરત પાલિકાની આંગણવાડીના કુપોષિત અને અતિકુપોષિત એવા 33,386 બાળકો જ્યારે જિલ્લાની 101 આંગણવાડીના કુપોષિત અને અતિકુપોષિત બાળકો મળી કુલ 36,315 બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે સપ્તાહમાં ત્રણ દિવસ 100 એમ.એલ. દૂધના પાઉચ આપવામાં આવશે જેના માટે સુમુલ સાથે પાલિકા કરાર કરશે. આ બાળકોને સપ્તાહમાં ત્રણ વખત દૂધ આપવાની વાત સારી છે પરંતુ ગુજરાત કુપોષિત બાળકોને મામલે બેદરકારી હોવાનું એકવાર ફરી સામે આવ્યું છે. સુરતમાં કુપોષિત અને અતિકુપોષિત બાળકોને આંગણવાડીના આંકડા સામે આવ્યા છે જેને પગલે બાળકોની પરિસ્થિતિ સમજી શકાય છે.