– ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાડી કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી
– કાપોદ્રામાં વડવાળા સર્કલ પાસે ખુલ્લા પ્લોટમાંથી દારૂ સહિત બે કાર, એક ટુ વ્હીલર કબજે : જોડીયા ભાઈ અને દારૂ મોકલનાર સહિત ત્રણ વોન્ટેડ
સુરત, : દમણથી ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી કારના ચોરખાનામાં દારૂ લાવી કારને કાપોદ્રા વડવાળા સર્કલ પાસે ખુલ્લા પ્લોટમાં મૂકી તક મળતા તેમાંથી દારૂની બોટલો કાઢીને ટુ વ્હીલર પર ફેરા મારી વેચતા દંપતીને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રૂ.2.87 લાખનો દારૂ, બે કાર, એક ટુ વ્હીલર મળી કુલ રૂ.10.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે દારૂના ધંધામાં ભાગીદાર દંપતી પૈકી યુવાનના જોડીયા ભાઈ અને દારૂ મોકલનાર સેલવાસ નરોલીના બે સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે કાપોદ્રા પોલીસે ગત સોમવારે સાંજે કાપોદ્રા વડવાળા સર્કલ પાસે નવા બંધાતા એસએમસીના પાર્કીંગ અને રવિપાર્ક સોસાયટીની વચ્ચેના ભાગે આવેલા ખુલ્લા પ્લોટમાં રેડ કરી ત્યાં બે કાર અને એક મોપેડમાંથી રૂ.2,86,808 ની મત્તાની દારૂની 1579 બોટલ સાથે કાર લે-વેચનું કામ કરતા જય ઉર્ફ જયલો ભાણજીભાઇ બારૈયા ( ઉ.વ.36 ) અને તેની પત્ની મિનાક્ષી ( ઉ.વ.32 ) ( બંને રહે.મકાન નં.એ/14, ત્રીજો માળ, રૂમ નં.4, આદર્શનગર સોસાયટી, બોમ્બે કોલોનીની બાજુમાં, વરાછા, સુરત. મૂળ રહે.દયાળ કોટડા, તા.મહુવા, જી.ભાવનગર ) ને ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસેથી દારૂ ઉપરાંત બે કાર અને મોપેડ મળી કુલ રૂ.10,91,808 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે તેમની પુછપરછ કરતા જયે જણાવ્યું હતું કે આગામી હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન દારૂનું વેચાણ કરવા તે જોડીયા ભાઈ વિજય અને પત્ની મિનાક્ષી સાથે બંને ભાઈઓની બે કારમાં બનાવેલા ચોરખાનામાં કાર પર ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી દમણથી દારૂ લાવ્યા હતા.તેમની પાસે દારૂનો સંગ્રહ કરવા કોઈ જગ્યા ન હોય તેમણે બંને કાર વડવાળા સર્કલ પાસે ખુલ્લા પ્લોટમાં પાર્ક કરી હતી અને તક મળતા તેમાંથી દારૂનો બોટલ કાઢી મોપેડ પર વેચાણ કરતા હતા.કાપોદ્રા પોલીસે દારૂના ધંધામાં ભાગીદાર જયના જોડીયા ભાઈ વિજય અને દારૂ મોકલનાર સેલવાસ નરોલીના વિશાલ વસાવા તથા મયુર વસાવા સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ફિલ્મોમાં એક્ટીંગ અને કાર લે-વેચના ધંધામાં યોગ્ય વળતર ન મળતા દારૂ વેચવાનું શરૂ કર્યું હતું
સુરત, : કાપોદ્રા પોલીસે દારૂ સાથે ઝડપેલા દંપતી પૈકી જય અને તેનો જોડીયા ભાઈ વિજયે એક્ટર અને ડિરેક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ અને સિરીયલમાં કામ કર્યું છે.જોકે, એક્ટીંગ અને કાર લે-વેચના ધંધામાં યોગ્ય વળતર ન હોય તેમણે દારૂ વેચવાનું શરૂ કર્યું હતું.શરૂઆતમાં જય એકલો દારૂ વેચતો હતો,બાદમાં તેની પત્ની અને ભાઈ જોડાયા હતા.જય વિરુદ્ધ સુરત, નવસારી, વલસાડમાં આઠ ગુના નોંધાયા છે અને તેની પાસા હેઠળ પણ અટકાયત થઈ છે.જયની પત્ની મિનાક્ષી વિરુદ્ધ વલસાડ અને નવસારીમાં દારૂની હેરાફેરીના ગુના નોંધાયા છે.