ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટના બાદ સુરતમાં મોટા ઉપાડે ટેમ્પરરી સ્ટ્રકચર સી કરી પગલાં ભરવામાં આવ્યા હતા. સમય વીતી જતા પાલિકાએ માત્ર બાંહેધરી પત્રક લખાવીને લોકો માટે જોખમમાં બની શકે તેવા ટેમ્પરરી સ્ટ્રકચર ના સીલ ખોલી દીધા હતા. પરંતુ હવે શિવ શક્તિ માર્કેટની ભીષણ આગ બાદ રહેણાક વિસ્તારની આસપાસ ટેમ્પરરી સ્ટ્રકચર ફાયર સેફ્ટીની સુવિધા વિના ધમધમતા ગોડાઉન, ડોમ સહિતના ગેરકાયદે સ્ટ્રકચર સામે કાર્યવાહી કરવા માટે સ્થાનિકોએ પાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરિયાદ કરી છે. પરંતુ અનેક લોકોની ફરિયાદ બાદ પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી ન હોય કતારગામ ઝોનમાં સંખ્યાબંધ પતરના ડોમ લોકો માટે જીવતા બોમ્બ જેવા બની રહ્યાં છે.
સુરતના રીંગરોડ પર શિવ શક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગની તપાસ વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીમાં દબાણ ગઈ છે. આ ભીષણ આગ બાદ લોકોમાં ભારે ડરનો માહોલ ઉભો થયો છે. શિવ શક્તિ આગનું કારણ જાહેર કરવામાં આવતું નથી પરંતુ આગ બુઝાવવા માટે ફાયરની ગાડી જઈ ન શકી અને ટેરેસ પરના ગેરકાયદે ડોમને જવાબદાર ગણી રહ્યા છે. જેના કારણે હવે લોકો પોતાની આસપાસ જીવતા બોમ્બ જેવા બનેલા ડોમ અને ગેરકાયદે બનેલા પતરાના શેડ સામે કાર્યવાહી કરવા માટે પાલિકા કમિશનર થી માંડીને ઝોનના અધિકારીઓ અને મેયર થી માંડીને કોર્પોરેટર, ધારાસભ્ય તમામને પત્ર લખીને તેમના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે પતરાના શેડ- ડોમને બંધ કરાવવા માટે માંગણી કરી રહ્યાં છે.
પાલિકાના કતારગામ ઝોન વિસ્તારના લોકોએ મ્યુનિ. કમિશનરને ગંભીર ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ડભોલી વિસ્તારમાં કેન્સર હોસ્પિટલ, ડભોલી ફાયર સ્ટેશનથી બીઆરટીએસ સુધીના રસ્તા પર ફાયર સુવિધા વિના ડોમ- પતરાના શેડ ધમધમી રહ્યા છે. આ વિસ્તારમાં સિલ્વર સ્ટોન વિલા, વિવાન્તા, લોટસ હાટ્સ, લોટસ-૨૪, ઓમ હેરીટેજ, સંકલ્પ શિવાન્ટા, સંકલ્પ હાઈટ્સ, અંનન્તા, બ્રહ્મલોક, પ્રયોશા એકજોટીકા, એલીફન્ટા, રોસ્કો, ગોપીન બંગ્લોઝ, બાગબાન બંગ્લોઝ, સ્વરાજ હાઈટ્સ, શુભમ હાઈટ્સ, ક્રિષ્ના એવન્યુ, સર્જન હાઈટ્સ અને પ્રિઝમ લેકયુ જેવી હાઈરાઈઝ અને બંગ્લોઝ વાળી રહેણાંક વાળી બિલ્ડીંગો અને સોસાયટી આવી છે
આ રહેણાંક વિસ્તારમાં ફાયરની સુવિધા વિનાની ખાણી પીણીના સ્ટોલ, ચાની લારી, પાનના ગલ્લા, ગેરેજ, ક્રિકેટ બોક્સ અને ઓનલાઈનના ગોડાઉન બનાવી દેવામાં આવ્યા છે. આ અંગે અનેક ફરિયાદ કરવામાં આવે છે પરંતુ દેખાડાની કામગીરી કર્યા બાદ કાયમી નિરાકરણ લાવવામાં આવતો નથી. આ ગેરકાયદે પ્રવૃત્તિ પાલિકાનો વેરો ભરીને કાયદેસર રહેતા લોકો માટે જોખમી બની રહી છે. આ વિસ્તારમાં આવેલી રહેણાંક સોસાયટી ના પ્રમુખોએ મ્યુનિ. કમિશ્નર અને ચુંટાયેલા પ્રતિનિધિઓને લેખિતમાં ફરિયાદ કરી છે કે, ગેરકાયદે રીતે ધમધમતા ગેરકાયદેસર પતરાના શેડ-ડોમ તાત્કાલિક દુર કરવામાં આવે તેવી માંગણી છે. આ ગેરકાયદે સ્ટ્રકચર ના કારણે ટ્રાફિક સમસ્યા સાથે ગુનાખોરી અને લોકોના જીવ પર જોખમ વધી રહ્યું છે.
આ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, કતારગામ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામની સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનમાં કે સુરત મહાનગરપાલિકા (નોર્થ ઝોન) કતારગામ ઝોનમાં કોઈ પ્લાન પાસ કે કોઈ મંજૂરી લેવામાં આવેલ નથી અને ગેરકાયદેસર બાંધકામ લોકો માટે જોખમી છે તે દુર ન કરવામાં આવે તો તક્ષશિલા કે શિવ શક્તિ માર્કેટ જેવી દુર્ઘટના ફરી બની શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. સંખ્યાબંધ સોસાયટીની ફરિયાદ બાદ કતારગામ ઝોન દ્વારા આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવે છે કે પછી પાલિકાની રહેમ નજર હેઠળ લોકોના જીવના જોખમે આ પ્રવૃત્તિ ચાલતી રહેશે તે તો સમય જ બતાવશે.