– ભવાનીવડની પટેલ અમરતભાઈ માધવલાલમાં વિસનગરનો 40 વર્ષીય હિતેષ પટેલ અઢી વર્ષ અગાઉ નોકરીએ જોડાયો હતો અને ત્યાં જ રહેતો હતો
– રવિવારે રાત્રે તિજોરીમાં મુકેલા રૂ.7.56 લાખમાંથી રૂ.7.50 લાખ લઈ હિતેષ સોમવારે મળસ્કે નીકળી ગયો અને મોબાઈલ ફોન બંધ કરી દીધો
સુરત, : સુરતના ભવાનીવડ સ્થિત પટેલ અમરતભાઈ માધવલાલ આંગડીયામાં અઢી વર્ષ અગાઉ નોકરીએ જોડાયેલો વિસનગરનો યુવાન રવિવારે રાત્રે તિજોરીમાં મુકેલા રૂ.7.56 લાખમાંથી રૂ.7.50 લાખ લઈ સોમવારે મળસ્કે નીકળી ગયો હતો અને મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો.આ અંગે મેનેજરે મહિધરપુરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભવાનીવડ સ્થિત પટેલ અમરતભાઈ માધવલાલ આંગડીયામાં અઢી વર્ષ અગાઉ મેનેજર રજનીકાંતભાઈના રેફરન્સથી નોકરીએ જોડાયેલો હિતેષ મેલાભાઈ પટેલ ( ઉ.વ.40, રહે.ઘર નં.51- બી, ઉમિયાનગર સોસાયટી, એમ.એન.કોલેજ રોડ, વિસનગર, મહેસાણા ) ડાયમંડના પાર્સલની ડિલિવરીનું કામ કરતો હતોઅને ઓફિસની ઉપર રૂમમાં અન્ય કર્મચારીઓ સાથે રહેતો હતો.ગતસાંજે પાંચ વાગ્યે મેનેજર રજનીકાંતભાઈએ હિસાબ કરી રોકડા રૂ.7.56 લાખ તિજોરીમાં મુક્યા હતા.આજે સવારે તેમણે તિજોરી ખોલી તો તેમાંથી રૂ.7.50 લાખની ચોરી થયાની જાણ થતા તેમણે મુખ્ય મેનેજર ભરતભાઈ વિઠ્ઠલભાઈ પટેલને જાણ કરી હતી.તેમણે પેઢી ઉપર પહોંચી માણસોની પુછપરછ કરતા હિતેષ સવારથી દેખાતો નથી તેમ જાણવા મળ્યું હતું.આથી તેમણે હિતેષને મોબાઈલ ફોન કર્યો હતો પણ તે બંધ હતો.
ભરતભાઈએ ઓફિસના સીસીટીવી કેમેરા ચેક કરતા હિતેષ ગતરાત્રે 10.18 કલાકે તિજોરીમાંથી પૈસા લેતો અને આજે મળસ્કે 5.10 કલાકે પોતાનો થેલો લઈ બહાર જતો નજરે ચઢ્યો હતો.ભરતભાઈએ પેઢીના માલિક સાથે વાત કર્યા બાદ હિતેષ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં રૂ.7.50 લાખની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.