– રૂ.3 લાખની ખંડણી લેતા પ્રકાશ દેસાઈ પકડાયા હતા
– અંબર કોલોનીમાં બિલ્ડરના પિતાએ 2014 માં ઘર તોડી નવું બનાવ્યાના નવ વર્ષ બાદ બાંધકામ તોડવા અરજી કરી પૈસા પડાવ્યા હતા
સુરત, : સુરતના ઉધનાના ટ્યુશન ક્લાસના સંચાલક પાસે ખંડણી માંગી રૂ.3 લાખ લેતા રંગેહાથ ઝડપાયેલા માજી કોર્પોરેટર પ્રકાશ દેસાઈ વિરુદ્ધ ખંડણીની વધુ એક ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાઈ છે.ઉધના હરિનગર 1 અંબર કોલોનીમાં રહેતા બિલ્ડરના પિતાએ વર્ષ 2014 માં પોતાના ઘરનું બાંધકામ પૂર્ણ કર્યું હતું તે ગેરકાયદેસર છે તેવી અરજી પ્રકાશ દેસાઈએ નવ વર્ષ બાદ કરી બાંધકામ તોડવા માંગણી કરી હતી.બિલ્ડર જયારે પ્રકાશ દેસાઈને મળવા ગયા ત્યારે તેમણે અરજી પરત લેવા રૂ.1 લાખની માંગણી કરી ધાકધમકી આપી રૂ.40 હજાર પડાવ્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના ગામ દેસાઈ ફળિયામાં રહેતા માજી કોર્પોરેટર પ્રકાશ દેસાઈને એસઓજી અને ઉધના પોલીસે બે દિવસ અગાઉ જ તેમના ઘરમાં જ રૂ.3 લાખની ખંડણી લેતા ફિલ્મી ઢબે રંગેહાથ ઝડપી લીધા હતા.પ્રકાશ દેસાઈ ઉધનાના ક્લાસ સંચાલક વિરુદ્ધ અવારનવાર આરટીઆઈ કરી પરેશાન કરતા હતા અને રૂ.6.30 લાખની માંગણી કરી જો પૈસા નહીં આપે તો વધુ આરટીઆઈ કરવાની ધમકી આપી હતી.એસઓજીએ તેમની અટકાયત કરી તેમનો કબજો ઉધના પોલીસને સોંપી આ અંગે ક્લાસ સંચાલકના પુત્રએ ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી ગતરોજ તેમને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.પોલીસને તેમના ઘરની તપાસમાં રોકડા રૂ.3 લાખ અને અલગ અલગ વ્યક્તિઓના નામે વિવિધ મિલ્કતો અંગે મહાનગરપાલિકામાં કરેલી 25 આરટીઆઈ અરજી પણ મળી હતી.
ઉધના પોલીસે તેના આધારે આજરોજ ઉધના હરિનગર 1 અંબર કોલોની ઘર નં.50 માં રહેતા અને છેલ્લા આઠ વર્ષથી બાંધકામ કરતા 33 વર્ષીય મોહમદ નદીમ મોહમદ સલીમ ચૌહાણની ફરિયાદના આધારે પ્રકાશ દેસાઈ વિરુદ્ધ ખંડણીનો બીજો ગુનો નોંધ્યો હતો.નદીમભાઈના પિતાએ વર્ષ 2014 માં તેમનું જૂનું મકાન તોડીને તેના જેવું જ ત્રણ માળનું નવું મકાન બનાવ્યું હતું.જોકે, તેના નવ વર્ષ બાદ પ્રકાશ દેસાઈએ મહાનગરપાલિકાના સાઉથ ઝોનમાં આ બાંધકામ ગેરકાયદેસર છે તેને તોડી પાડવા અરજી કરી હતી.આથી નદીમભાઈ પ્રકાશ દેસાઈને મળવા તેમના ઘરે ગયા હતા.ત્યારે પ્રકાશભાઈએ ડીમોલેશન નહીં કરાવવા અને અરજી પાછી ખેંચવા રૂ.1 લાખની માંગણી કરી હતી.નદીમભાઈએ બાંધકામ ગેરકાયદેસર નથી તમે આવું શું કામ કરો છો તેવું પૂછતાં પ્રકાશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા.
પ્રકાશભાઈએ ગાળો આપતા કહ્યું હતું કે પૈસા તો આપવા જ પડશે.વધારે હોશિયારી મારશો તો મારા માણસો મારફતે માર મરાવી હાથપગ તોડાવી નાંખીશ અને બાંધકામ પણ તોડાવી નાંખીશ.જો બાંધકામ તૂટશે તો મોટું આર્થિક નુકશાન થશે તે બીકે નદીમભાઈએ મે 2023 માં પ્રકાશભાઈને રોકડા રૂ.40 હજાર આપતા તેમણે બાંહેધરી આપી હતી કે તમારા પ્લોટનું બાંધકામ કોઈ તોડશે નહીં અને હું અરજી પાછી લઈશ.તે સમયે પ્રકાશભાઈ પાસે બાંધકામના ફોટા હોય નદીમભાઈએ તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી નહોતી.જોકે, હાલમાં પોલીસે કરેલી કાર્યવાહીને પગલે તેમને હિંમત આવતા આજરોજ તેમણે પ્રકાશ દેસાઈ વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાવી હતી.ઉધના પોલીસે લીયો ક્લાસના સંચાલક પાસે ખંડણી લેવાના ગુનામાં આજરોજ જેલ હવાલે થયેલા પ્રકાશ દેસાઈની આ ગુનામાં ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
પ્રકાશ દેસાઈ તેના સાગરીતો મારફતે અરજી કરાવી બાદમાં સમાધાનનું નાટક કરાવી પૈસા પડાવતો હતો
સુરત, : પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રકાશ દેસાઈ તેના બાબુ, અફસર પઠાણ જેવા ત્રણથી ચાર સાગરીતો મારફતે મહાનગરપાલિકામાં અરજી કરાવતો હતો.તેના સાગરીતો જે અરજી કરતા તેમાં પ્રતિમા માજી કોર્પોરેટર પ્રકાશ દેસાઈનું પણ નામ લખી તેમને વિગત આપતા હતા.ત્યાર બાદ પ્રકાશ દેસાઈ જેના વિરુદ્ધ અરજી થઈ હોય તેને મળી સમાધાનનું નાટક કરાવીને પૈસા પડાવતો હતો.