Surat Corporation : સુરત મહાનગરપાલિકાના સને-2024-25 ના બજેટમાં નાણાકીય મજબૂતીકરણ પ્રોત્સાહક યોજના જાહેર કરી હતી. આગામી વર્ષના બજેટ માટે હાલ કવાયત શરૂ થઈ છે તેની સાથે ગત વર્ષના બજેટમાં પાલિકાની રેવન્યુ આવકમાં વધારો તથા રેવન્યુ ખર્ચમાં ઘટાડો અને કેપિટલ ખર્ચના લક્ષ્યાંક સિદ્ધ કરનાર ઝોન/અને વિભાગના મૂલ્યાંકન અંગેના પેરામીટર્સ નક્કી કરવા માટે કવાયત શરુ થઈ છે અને તેના માટે પાલિકાના આઠ અધિકારીઓની કમિટનું નિર્માણ કરવામા આવ્યું છે. આ કમિટીના રિપોર્ટના આધારે વર્ષ 2024-25 માં સારી કામગીરી કરનારા ઝોન કે વિભાગને પ્રોત્સાહન આપવા પુરસ્કૃત કરાશે
ગુજરાતના આર્થિક પાટનગર એવા સુરતમાં વર્ષ, 2024-25 નું બજેટ 8873 કરોડનું થઈ ગયું છે અને તેમાં કેપીટલ કામોનું કદ 4227 કરોડનું જાહેર કરવામાં આવ્યું હતું જોકે, હાલમાં આ બજેટમાં 1500 કરોડની આસપાસના કેપિટલ કામો કરવામાં આવ્યા છે. આ બજેટ સાથે સુરત પાલિકાના બજેટમાં નાણાકીય મજબૂતીકરણ પ્રોત્સાહક યોજના પણ જાહેર કરવામાં આવી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં મહાનગરપાલિકાની રેવન્યુ આવકમાં વધારો તથા રેવન્યુ ખર્ચમાં ઘટાડો અને કેપિટલ ખર્ચના લક્ષ્યાંક સિદ્ધ પાલિકાના ઝોન અને વિવિધ વિભાગના મૂલ્યાંકન અંગેના પેરામીટર્સ નક્કી કરવા તથા સર્વશ્રેષ્ઠ ઝોન અને વિભાગના પસંદગી ક્રમ નક્કી કરવા અંગેની ભલામણ કરવા સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા આઠ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે.
આ કમિટીમાં ડે.કમિશનર રાજેન્દ્ર પટેલ, આર.બી. ભોગાયતા, સીટી ઈજનેર અક્ષય પંડ્યા, ડે. કમિશનર આશિષ નાયક, ડે.કમિશનર સ્વાતિ દેસાઈ, ડે.કમિશનર મનીષ ડોક્ટર, ડે.કમિશ્નર નિલેશ પટેલ અને એડી. સીટી ઈજનેર આશિષ નાયકનો સમાવેશ કરવામા આવ્યો છે. પાલિકા કમિશનરે બજેટ રજુ કર્યું હતું ત્યારે આત્મનિર્ભરતા અને રેવન્યુ ખર્ચમાં ઘટાડો કરવા માટેનું બજેટ હોવાનું જણાવ્યું હતું. રેવન્યુ ખર્ચમાં ઘટાડા સાથે આવકના સ્ત્રોતમાં વધારો કરવા અને આવકના નવા સ્ત્રોત ઉભા કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સૂત્ર હેઠળ બજેટ રજુ કર્યું હતું અને તેના અમલીકરણ માટે માપદંડ પણ જાહેર કરવામાં આવ્યા હતા. આ માપદંડના આધારે ક્યા ઝોને કે ક્યા વિભાગે બજેટની અમલવારીમાં સારી કામગીરી કરી છે તેનું આ કમિટી મૂલ્યાંકન કરીને મ્યુનિ. કમિશનરને રિપોર્ટ આપશે. આ રિપોર્ટના આધારે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ઝોન અને વિભાગને પુરસ્કૃત કરવામાં આવશે.