Surat : સુરતમાં લોકોની સુવિધા માટે બનાવેલા પે એન્ડ યુઝ ટોઈલેટ બ્લોકના યોગ્ય મેન્ટેનન્સ થતા ન હોવાના કારણે કેટલાક બ્લોક લોકોના આરોગ્ય સામે ખતરો બની રહ્યા છે. તેમાં પણ રાંદેર ઝોનમાં નવયુગ કોલેજ સામે આવેલા ટોયલેટ બ્લોક આસપાસના લોકોની સુવિધાના બદલે મુશ્કેલીનો બ્લોક બની રહ્યો છે.
સુરત શહેરના લોકોની સુવિધા માટે પાલિકાએ અનેક જગ્યાએ પે એન્ડ યુઝ ટોઈલેટ બ્લોક બનાવ્યા છે આ ઉપરાંત કેટલીક વસાહત નજીક પણ પે એન્ડ યુઝ ટોઈલેટ બ્લોક બનાવ્યા છે. આવી જ રીતે નવયુગ કોલેજની સામે બોમ્બે કોલોની નામની સેવા બસ્તી આવેલી છે જેમાં સુલભ શૌચાલય (પે એન્ડ યુઝ ટોઈલેટ) બનાવવામાં આવ્યું છે. પરંતુ આ પે એન્ડ યુઝના સંચાલક દ્વારા સફાઈની કામગીરી પર કોઈ ધ્યાન આપવામા આવતું નથી જેના કારણે ટોઈલેટ બ્લોકનું ગંદુ પાણી મળ સાથે રોડ પર વહી રહ્યું છે.
આટલું જ નહીં પરંતુ આ પાણી વરસાદી ગટરમાં છોડી દેવામાં આવે છે તેના કારણે આ ગંદુ પાણી સ્ટ્રોમ ડ્રેઈન થકી તાપી નદીમાં પહોંચી રહ્યું છે. ગત બુધવારે અમરોલી-વરીયાવ રોડ પર સ્ટ્રોમ ટ્રેઈનમાં ગંદા પાણીના કારણે એક બાળકના મોત બાદ આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવા માટે માંગણી થઈ રહી છે. પરંતુ આ ફરિયાદ બાદ પણ કોઈ પગલાં ભરવામાં આવતા નથી. જાહેર રોડ પર વહેતું ગંદુ પાણી સ્ટ્રોમ ડ્રેનેજ મારફતે નદીમાં પહોચે છે તેના કારણે લોકોમાં રોગચાળાનો ભય છે. તેના કારણે માજી કોર્પોરેટર દ્વારા આ ગેરકાયદે પ્રવૃત્તિ તાકીદે બંધ કરવા માટે માંગણી કરી છે.