Surat : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કેટલીક સેવાભાવી સંસ્થાએ વિનામૂલ્યે વિદ્યાર્થિનીઓ સાથે થતી જાતીય સતામણી રોકવા માટે પહેલ કરી હતી.. સ્કુલમાં જઇને શિક્ષકો અને વિદ્યાર્થીઓને જાતીય સતામણી કેવી રીતે રોકી શકાય તેનું સરળ શિક્ષણ આપી રહી છે. સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક ઢબે શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવી હતી. પરંતુ સમિતિ દ્વારા સરકારના પરિપત્રનુ અર્થઘટન કરી બંધ કરાયું હતું જોકે, હવે ફરીથી શહેરમાં બાળકીઓની છેડતીના બનાવમાં વધારો થઈ રહ્યો છે તેથી શિક્ષણ સમિતિએ ફરીથી ‘ગુડ ટચ બેડ ટચ’નું શિક્ષણ સામાજિક સંસ્થાઓ સાથે મળી આપવા માટે વિચારણા શરૂ કરી છે.
સુરતની ઉમરીગર સ્કુલના લાઈબ્રેરીયન દ્વારા ધોરણ 5ની બે વિદ્યાર્થીનીઓ સાથે બિભત્સ હરકતો કરી હતી. જોકે, આ શાળામાં ‘ગુડ ટચ અને બેડ ટચ’ની સમજ આપી હોવાથી વિદ્યાર્થીનીઓએ વાલીઓને જાણ કરતા પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. જોકે, આ સાથે શહેરમાં બાળકીઓ પર જાતીય શોષણ કર્યું હોવાની ફરિયાદ બહાર આવી રહી છે. જેના કારણે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પહેલા ‘ગુડ ટચ અને બેડ ટચ’નું બંધ કરાયેલું શિક્ષણ ફરીથી શરૂ કરવા માટે કવાયત શરૂ થઈ છે.
શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડીયાએ જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની સલામતી માટે સમિતિ કટીબદ્ધ છે. જેના કારણે સામાજિક સંસ્થાઓ સાથે મળીને ફરીથી શાળામાં ‘ગુડ ટચ અને બેડ ટચ’નું શિક્ષણ આપવામાં આવે તે માટે વિચારણા કરવામાં આવી રહી છે. સમિતિના અધિકારીઓ સાથે વાટાઘાટ કરીને આગળની કામગીરી આગળ વધારવામાં આવશે. આ સમયમાં બાળકીઓ સાથે નાના બાળકોને પણ ‘ગુડ ટચ બેડ ટચ’નું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બની ગયું છે. તેથી ફરીથી સંસ્થાઓ ગરીબ બાળકોને વિના મુલ્યે ‘ગુડ ટચ બેડ ટચ’નું શિક્ષણ આપવાની કામગીરી શરૂ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
‘ગુડ ટચ બેડ ટચ’ના શિક્ષણના કારણે ભૂતકાળમાં કેટલાક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં છેલ્લા ઘણા વખતથી સામાજિક સંસ્થાઓ દ્વારા ‘ગુડ ટચ અને બેડ ટચ’નું શિક્ષણ આપવામાં આવે છે તેના ઘણા ફાયદા પણ થાય છે. આ પ્રકારના શિક્ષણના કારણે અત્યાર સુધીમાં બાળકો પર થતા અત્યાચારના કેટલાક કિસ્સાઓ પણ બહાર આવી ચુક્યા છે.
થોડા સમય પહેલા ઉગતની એક શાળામાં ‘ગુડ ટચ બેડ ટચ’નું શિક્ષણ આપવામાં આવતું હતું, ત્યારે એક વિદ્યાર્થીનીએ ઉભા થઈને શિક્ષિકાને કહ્યું હતું, આવું તો મારા પિતા ઘણી વાર કરે છે. શિક્ષિકાએ બાળકીની આ વાતને ગંભીરતાથી લઈને સામાજિક સંસ્થાઓની મદદ લીધી હતી. ત્યારબાદ નાની બાળકી સાથે તેનો પિતા હેવાનિયત કરી રહ્યો હતો તે બહાર આવ્યું હતું અને પોલીસ કેસ પણ કરવામાં આવ્યો હતો.
આવી જ રીતે કતારગામ વિસ્તારમાં રસ્તા પર ચાલતી સ્કુલની બાળકીની એક વિકૃત દ્વારા છેડતી કરવામાં આવી હતી. ત્યારે ‘ગુડ ટચ બેડ ટચ’નું શિક્ષણ મેળવેલી બે વિદ્યાર્થીનીએ સ્કુલ અને ટ્યુશન ક્લાસીસમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ સીસીટીવી કેમેરાની મદદથી વિકૃત્તને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. સમિતિની સ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીનીઓને આ પ્રકારનું મળતું શિક્ષણ તેમને શારીરિક યાતના સામે લડવાની તાકાત આપે છે તેથી તે આ પ્રકારનું શિક્ષણ દરેક સ્કૂલમાં શરૂ થાય તેની માગણી વધી રહી છે.