Criminals are rampant In Surat: ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાનું શાસન કથળી રહ્યું છે. વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડાએ રાજ્યની વાસ્તવિક સ્થિતિને રજૂ કરી છે. મહત્ત્વની વાત એ છે કે, ખુદ ગૃહરાજ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખના મત વિસ્તારમાં બની છે એટલું જ નહીં પણ ગુનાખોરી બેકાબુ બની છે. આ ઉપરંત ગુનેગારો પણ બેફામ બન્યા છે. ટુંકમાં ‘ચમરબંધીને છોડવામાં નહી આવ’ દાવા પોકળ સાબિત થયા છે.
સુરતમાં રોજના 17 ગુના પોલીસ ચોપડે નોંધાય છે
સુરત શહેરમાં ધોળા દિવસે ગુનાખોરીનો રેસીયો વધવા પામ્યો છે. છેલ્લા 2 વર્ષમાં સુરત શહેર અને જિલ્લામાંથી ચોરી, લૂંટ, ધાડ, અપહરણ હત્યા, દુષ્કર્મ, ખંડણી, વસૂલી, છેતરપિંડી અને મહિલા અત્યાચારના કુલ 9031 ગુના નોંધાયા છે. આ જોતાં કહી શકાય કે સુરતમાં રોજના 17 ગુના પોલીસ ચોપડે નોંધાય છે. રોજ 7 ચોરી, 2 છેતરપિંડી તેમજ બળાત્કાર અને મહિલા અત્યાચારના 1-1 ગુના નોંધાયા છે.
આ પણ વાંચો: અમરેલીની શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે વ્યવસાય કરી લાખો રૂપિયા કરે છે કમાણી
સુરત શહેર અને જિલ્લામાં ચોરી, લૂંટ, ધાડ, અપહરણ, હત્યા દુષ્કર્મ, છેતરપિંડી અને મહિલા અત્યાચારના કુલ 9031 ગુના નોંધાયા છે. જેમાં ચોરીના 4889, લૂંટના 108, ધાડના 28 અપહરણના 602, હત્યાના 266 દુષ્કર્મ 647, ખંડણીના 47, વસૂલીના 79, છેતરપિંડીના 1595 અને મહિલા અત્યાચારના 767 ગુના નોંધાયા છે. ખુદ ગૃહમંત્રી એ સ્વીકાર્યું છે કે, હજુ 1795 ગુનેગારો પોલીસ પકડી શકી નથી.
‘ભાજપનો ખેસ પહેરેલા બુટલેગરો કેટલા એની પણ યાદી જાહેર કરવી જોઈએ’
વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે, ‘રાજ્યમાં માસૂમ બાળકીઓ પર દુષ્કર્મ થઈ રહ્યા છે. ભૂમાફીયાઓ-ખનન માફિયાઓ બેફામ થઈ લોકોને રંજાડી રહ્યા છે. અસામાજિક તત્ત્વો, બુટલેગરો ખુલ્લેઆમ રોડ ઉપર દાદાગીરી કરે છે, સામાન્ય નાગરિકો અને તેમના જાન માલ પર હુમલા થવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જે સ્પષ્ટ કરે છે ગુંડા તત્ત્વોને સરકાર કે પોલીસનો ડર રહ્યો નથી, પોલીસની પોલ ખુલી ત્યારે સફાળી જાગેલી સરકારે બૂટલેગરો અને હિસ્ટ્રીશીટરો સામે કાર્યવાહી કરવાની વાત કરી રહી છે. ત્યારે તેમાં ભાજપના બુટલેગર કેટલા, ભાજપના નેતાઓ સાથે સાંઠગાંઠ ધરાવતા, ભાજપનો ખેસ પહેરેલા બુટલેગરો કેટલા એની પણ યાદી જાહેર કરવી જોઈએ. જેથી અસામાજિક તત્ત્વો અને બુટલેગરનું નીકળશે એના કરતા વધુ ભાજપનો ખેસ પહેરેલા અસામાજિક તત્વો વધુ હશે.’