Dumas Land Scam : ડુમસ- વાટા ગામની કરોડોની જમીનનો વિવાદ વધારે જટિલ અને ગૂંચવડાભર્યો બની રહ્યો છે. ફરિયાદ કરનાર આઝાદ રામોલિયાની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી રહી છે. ખુદ એમના ભાઈ ભાવેશે ખોટી રીતે દસ્તાવેજ થયા હોવાનું અને દસ્તાવેજ રિવર્સ કરવા માટે કોર્ટમાં એફિડેવિટ કરેલું છે. બીજી તરફ, વિવાદીત સ્થળે પ્લોટીંગની સ્કીમ હોવાનુ જાણવા છતાં, તબક્કાવાર વેચાણ થયું હતું, બંગલા બની રહ્યા હોવા છતાં રામોલિયાએ જમીન ખરીદવા માટે 2016 માં શરૂઆત કયા આશયથી કરી એ પણ અત્યારે સ્પષ્ટ નથી. આ ઉપરાંત 2005ના લેટરના આધારે 2020માં પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે બન્યા એ પણ ગળે ઉતરે નહીં એવી વાત છે.
એક જ લેટર રજૂ કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા
ડુમસ-વાટા ગામની કરોડો રૂપિયાની જમીનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનવાના કૌભાડમાં બિનખેતીની પૂર્તતા માટેનો 2005 માં એક લેટર ઇસ્યુ થયો હતો. તે લેટરના આધારે આખી પ્રકિયા દફતરે કરી દેવાઇ હોવા છતાં આ લેટરનો કૌભાંડીઓએ ખોટી રીતે ઉપયોગ કરીને જિલ્લા કલેકટર, જિલ્લા પંચયાત અને સુડાના નામે રજુ કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હોવાનો ફરિયાદીએ દાવો કર્યો હતો. વળી આ લેટર કોઇ ખેડૂત નહીં પણ થર્ડ પાર્ટીના નામે હતો.
ડુમસ-વાટા ગામની જમીનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવાની સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ કરનારા આઝાદ રામોલીયીએ પત્રકાર પરિષદ જણાવ્યું હતું કે, વર્ષ 20021માં જ્યારે અમોને ખબર પડી ત્યારે મુખ્યમંત્રી, કલેકટર, પોલીસમાં ફરિયાદ કરતા તપાસ શરૂ થઇ હતી. પરંતુ ન્યાય નહીં મળતા મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરતા ઉચ્ચ લેવલે તપાસ શરૂ થઇ હતી. આ તપાસની સાથે જ વર્ષ 2024ના પ્રથમ મહિનામાં સીઆઇડી ક્રાઇમમાં પણ અરજી કરી હતી. જેની તપાસ શરૂ થતા વર્ષ 2005માં જે લેટરના આધારે પ્રોપર્ટી કાર્ડ બન્યાનો ઉલ્લેખ કરાયો હતો, એ લેટરની મહેસુલ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા એક જ લેટર જિલ્લા કલેકટરના નામે બોલે છે.
એ જ લેટર જિલ્લા પંચાયતના નામે અને સુડાના નામે પણ બોલતો હોવાથી સરખે સરખા લેટર ત્રણ કચેરીના કેવી રીતે હોઇ શકે? અને સૌથી મહત્વની બાબતો એ હતી કે, આ લેટર કોઇ ખેડૂતના નામે નહીં, પરંતુ થર્ડ વ્યકિતના નામે હતો. અને આનાથી પણ સૌથી ચોંકાવનારી બાબતો એ હતી કે, આ લેટર બિનખેતીની પૂર્તતા કરવા માટેનો હતો. અને જે નહીં થઇ શકતા આ લેટરના આધારે કાર્યવાહી વર્ષ 2010માં દફતરે કરી દેવાઇ હતી. તેમ છતાં આ લેટર બિનખેતીનો હોવાનું જણાવીને વર્ષ 2020માં રજુ કરીને કૌભાંડીઓએ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દીધા હતા.
પ્લોટિંગની જાણકારી છતાં રામોલિયાએ ખેતીની જમીનનો દસ્તાવેજ કરાવ્યો હતો
સાયલન્ટ ઝોનનું જમીન કૌભાંડ છાપરે ચઢયું છે. ખેતીની જમીન બિનખેતી કરાવ્યા વિના સીધેસીધા કરી દેવાયલા પ્લોટિંગથી રાજ્ય સરકારને મોટું આર્થિક નુકશાન થયું છે. આ વિવાદીત જમીન ઉપર સમૃદ્ધિ કોર્પોરેશન દ્વારા વર્ષ 2005માં પ્લોટિંગ કરી સાયલન્ટ ઝોનની સ્કીમ મુકવામાં આવી હતી. અલગ-અલગ સર્વે નંબર મળી કુલ 485 પ્લોટ પાડવામાં આવ્યા હતા. જે અંગેની જાણકારી શહેરના તમામ ડેવલપરો તથા લેન્ડ ટ્રેડિંગ કરનારાઓને હોવા છતાં 10 વર્ષ બાદ આ જમીનની ખરીદી કરવા પાછળનું ગણિત શું? તેને લઈ વિવિધ અટકળો તેજ બની રહી છે.
10 વર્ષ બાદ બાદ જમીન ખરીદવા પાછળ રામોલીયાનું ગણિત શું ? અનેક અટકળો
સાયલન્ટ ઝોનના નામે પ્લોટિંગ કરનારા સમૃદ્ધિ કોર્પોરેશન સામે આઝાદ રામોલિયાએ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી બાંયો ચઢાવી છે. આ વિવાદીત જમીન ખરીદવા પાછળ રામોલિયા દ્વારા શું ગણતરી મંડાઈ ? જમીનનો દસ્તાવેજ કરી આપનારા રસિક લલ્લુભાઈને પૂરેપૂરો વેચાણ અવેજ ચુકવવામાં આવ્યો છે કે કેમ ? સમૃદ્ધિ કોર્પોરેશન દ્વારા 1000થી 1200 ચો.મીટરના પ્લોટ પાડી વર્ષ 2005થી તબક્કાવાર વેચાણ શરૂ કરવામાં આવ્યું. કેટલાક પ્લોટ હોલ્ડરો દ્વારા સ્થળ ઉપર લકઝુરિયસ બંગલો પણ બનાવી દેવામાં આવ્યા. આ હકીકતની જાણકારી અડધા શહેરને હોવા છતાં રામોલિયાએ વર્ષો વિત્યા બાદ 2016માં આ ખેતીની જમીન ખરીદી હતી.
વિવાદીત જમીનના ટાઈટલ ચોખ્ખા નથી, બિનખેતીનું પ્રિમિયમ ભરવામાં આવ્યું નથી, સરકારી રેકર્ડ ઉપર જમીનના ટાઈટલ ક્લિયર કરવા પાછળ લાંબો સમય વીતી જાય તેમ છે. આ તમામ જાણકારી હોવા છતાં રામોલિયાએ ખેડૂત પાસેથી ખેતીની જમીનનો દસ્તાવેજ કરાવ્યો. આ મુદ્દે હવે સ્થાનિક પ્લોટ હોલ્ડરોમાં આક્રોશ છવાયો છે.