– ત્રણેય એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ ગેરકાયદેસર ચાલે છે તેવી રીલ્સ વાયરલ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી : રૂ.60 લાખ લેવા સંમત થયા હતા
– રીલ્સ વાયરલ કરી ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી આરંભમાં રૂ.1.50 લાખ બળજબરીથી પડાવી બાકીની રકમ લેવા આવતા પાંચેય રંગેહાથ ઝડપાયા
સુરત, : સુરતના પુણા કેનાલ રોડના રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડીયા એજ્યુકેશન ઉપરાંત ક્રીએટીવ ઇન્સ્ટીટ્યુટ અને એડીટેક ઇન્સ્ટીટ્યુટ ગેરકાયદેસર ચાલે છે તેવી રીલ્સ વાયરલ કરી બાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.1 કરોડની ખંડણી માંગ્યા બાદ રૂ.60 લાખમાં પતાવટ કરવા તૈયાર થઈ રૂ.1.50 લાખ બળજબરીથી પડાવી બાકીની રકમ લેવા આવેલા એનએસયુઆઈના સુરત પ્રમુખ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ, બે કાર્યકર સહિત પાંચ સારોલી પોલીસના હાથે રંગેહાથ ઝડપાયા હતા.જયારે આ પ્રકરણમાં સામેલ બે ને સારોલી પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલી બગસરા ડેરી પિપરીયાના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા ડી માર્ટની પાછળ શાંતિનગર સોસાયટી વિભાગ 2 ઘર નં.145 માં રહેતા 35 વર્ષીય હસમુખભાઇ રમેશભાઇ રફાળીયા પુણા કેનાલ રોડ વનમાળી જંકશન નજીક શેલ આમંત્રણ રેસ્ટોરન્ટ પાસે રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડીયા એજ્યુકેશનના નામે વેબ ડિઝાઇનીંગ, વેબ ડેવલોપમેન્ટ, ગ્રાફીક્સ વિગેરે જેવા સ્કીલ કોર્સ કરાવે છે.ગત પહેલી જાન્યુઆરીના રોજ હસમુખભાઈ ઇન્સ્ટીટ્યુટ પર હાજર હતા ત્યારે ઈન્સ્ટાગ્રામમાં ગેરકાયદેસર ચાલતી પ્રાઈવેટ સ્ટડી સેન્ટરો અને સંલગ્ન યુનિવર્સીટીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિને રજુઆત કરવામાં આવી તેવી પોસ્ટ હતી.બીજા દિવસે તે જ ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર તેમનું ઇન્સ્ટીટ્યુટ બોગસ ડિગ્રી તો નથી આપતું તેમ કહી મિતેશ હડીયા સ્વર્ણીમ યુનિવર્સીટીના કોઈ વિદ્યાર્થી સાથે વાત કરતો હોય તેવો ઓડિયો મુકવામાં આવ્યો હતો.
તેના બે દિવસ બાદ હસમુખભાઈના ઇન્સ્ટીટ્યુટમાં મેનેજર લક્ષ્મણભાઈ પ્રજાપતિને અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો અને કોલ કરનારે પોતાની ઓળખ રવિ પુછડીયા તરીકે આપી તમારી સંસ્થાની પોસ્ટ મૂકી છે તે બાબતે સમજવું છે તેથી તમને મળવું છે તેવી વાત કરી હતી.ત્યાર બાદ રવિ અવારનવાર ફોન કરતો હતો અને તે સાથે તે જ ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર હસમુખભાઈની ઇન્સ્ટીટ્યુટ ઉપરાંત તેમના મિત્ર કેયુરભાઇ વરસડીયાની ક્રીએટીવ ડીઝાઇન એન્ડ મલ્ટીમીડીયા ઇન્સ્ટીટ્યુટ અને અન્ય મિત્ર ધવલભાઇ લુણાગરીયાની એડીટેક ઈંસ્ટીટયુટ અંગે પણ તે બોગસ હોવાની પોસ્ટ મુકતા હતા.ત્યાર બાદ રવિ વતી અભિષેકે ફોન કરી જો આપણી મીટીંગ થાય તો અમે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે તે નહીં કરીએ તેવી વાત કરી હતી.બાદમાં ફરી ફોન કરી તમે બોગસ ડિગ્રી વેચો છો તેવા ખોટા કેસમાં ફસાવી 10 વર્ષ જેલમાં રહેવાની સજા કરાવીશું તેવી ધમકી આપતા હસમુખભાઈ તેમની સાથે મિટિંગ કરવા તૈયાર થયા હતા.
13 જાન્યુઆરીની સાંજે રવિ અને અભિષેક હસમુખભાઈને મળવા સારોલી ઈંડા ગલી પાસે ઓર્બીટ ટાવર નજીક આવ્યા હતા.ત્યાં ત્રણેય સંસ્થા માટે પતાવટ કરવા તેમણે રૂ.1 કરોડની માંગણી કરી હતી.તે પછી પ્રિત ચાવડા, કિશોરસિંહ ડાભીએ ઉધનામાં મિટિંગ કરતા રકઝક બાદ તેઓ રૂ.60 લાખ લેવા તૈયાર થયા હતા.ત્યાર બાદ ધીરેન્દ્દ સોલંકી અને પ્રિત મળ્યા ત્યારે રૂ.1.50 લાખ તેમને આપ્યા હતા.ત્યાર બાદ બાકીના રૂ.58.50 લાખ માટે તેઓ સતત ફોન કરતા હોય હસમુખભાઈએ સારોલી પોલીસ મથકમાં અરજી કરી હતી.આથી પોલીસે ગતરોજ હસમુખભાઈના ઈન્સ્ટીટ્યુટની આગળ ક્રીકેટ બોક્સ બાજુ જવાની ગલી પાસે પ્રિત ચાવડા, રવિ પુછડીયા, મિતેશ હડીયા, ધીરેન્દ્ર સોલંકી અને તુષાર મકવાણા કાર ( નં.જીજે-36-આર-6618 ) માં આવ્યા અને હસમુખભાઈએ તેમને રૂ.5 લાખ ભરેલી બેગ આપી તે સમયે રવિએ બેગમાં રૂ.58.50 લાખ પુરા છે ને તેવું પૂછ્યું તે સાથે જ પોલીસે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
સારોલી પોલીસે આ અંગે હસમુખભાઈની ફરિયાદના આધારે ખંડણીનો ગુનો નોંધી પાંચેયની ધરપકડ કરી તેમના બે સાથી અભીષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે માહિતી આપતા જણાવ્યું હતું કે ખંડણી માંગતા ઝડપાયેલા એનએસયુઆઈના કાર્યકરો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
ધીરેન્દ્દસિંહ સોલંકી આ પ્રકરણ ચાલતું હતું ત્યારે જ સુરત શહેર એનએસયુઆઈ પ્રમુખ બન્યો હતો
સુરત, : ત્રણ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટને બદનામ કરી રૂ.1 કરોડની ખંડણી માંગતા પોલીસે જે પાંચની ધરપકડ કરી છે તેમાં એનએસયુઆઈના સુરત શહેર પ્રમુખ ધીરેન્દ્દસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ મિતેશ ધીરૂભાઈ હડીયા અને બે કાર્યકર રવિ રામજીભાઈ પુછડીયા અને પ્રિત વાઘેશભાઈ ચાવડાનો સમાવેશ થાય છે.તે પૈકી ધીરેન્દ્દસિંહ સોલંકી આ પ્રકરણ ચાલતું હતું ત્યારે જ 23 જાન્યુઆરીના રોજ સુરત શહેર એનએસયુઆઈ પ્રમુખ બન્યો હતો.
એનએસયુઆઈએ પ્રદેશ ઉપપ્રમુખ, સુરત પ્રમુખને સસ્પેન્ડ કર્યા : સભ્ય નથી તે તુષારને પણ સસ્પેન્ડ કરી ભાંગરો વાટ્યો
સુરત, : રૂ.1 કરોડની ખંડણી માંગવાના ગુનામાં ઝડપાતા એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રભારી અંકુશ ભટનાગર અને પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીએ પ્રદેશ ઉપપ્રમુખ મિતેશ હડીયા, સુરત પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકી, બે કાર્યકર રવિ પુછડીયા અને પ્રિત ચાવડાને એનએસયુઆઈમાંથી સસ્પેન્ડ કર્યા હતા.જોકે, જે સભ્ય નથી તે તુષાર મકવાણાને પણ સસ્પેન્ડ કરી ભાંગરો વાટ્યો હતો.
કોણ કોણ પકડાયું
(1) વ્યવસાયે ડોક્ટર મિતેશ ધીરૂભાઈ હડીયા ( ઉ.વ.26, રહે.ઘર નં.65, શીવપાર્ક સોસાયટી, ગીતાંજલી સ્કુલ પાસે, ગોડાદરા નહેર, ગોડાદરા, સુરત. મૂળ રહે.કાતર, તા.રાજુલા, જી.અમરેલી )
(2) ચા નાસ્તાની દુકાન ધરાવતો અને સાથે અભ્યાસ કરતો ધીરેન્દ્દસિંહ મહેંદ્રસિંહ સોલંકી ( ઉ.વ.28, રહે.804, અંબીકાનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સાયણ રોડ, અમરોલી, સુરત. મૂળ રહે.વાંકાબોરડી, તા.શહેરા, જી.પંચમહાલ )
(3) વિદ્યાર્થી રવિ રામજીભાઈ પુછડીયા ( ઉ.વ.28, રહે.એલ-103, સુમન સંગીની, મગોબ, સુરત. મૂળ રહે.જુનાપઢી, તા.કેશોદ, જી.જુનાગઢ )
(4) બેકાર પ્રિત વાઘેશભાઈ ચાવડા ઉ.વ-૨૪ ધંધો-બેકાર રહે-બી/૨૭, વશીકોલોની, ત્રણ રસ્તા પાસે, ઉધના, સુરત. મૂળ રહે.મહેન્દ્રનગર, મોરબી )
(5) એલઆઈસીમાં નોકરી કરતા તુષાર ગોપાલભાઈ મકવાણા ( ઉ.વ.31, રહે.સિધ્ધાર્થ સોસાયટી, ત્રાજપોર ચાર રસ્તા પાસે, મોરબી. મૂળ રહે.રાજપરા, જી.રાજકોટ )