Surat Corporation : સુરતના રીંગરોડ વિસ્તારમાં શિવ શક્તિ માર્કેટમાં આગ બાદ પાલિકા તંત્ર વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીમાં પડી ગયું હતું. દરમિયાન કતારગામ વિસ્તારના રહીશોની રહેણાંક વિસ્તારમાં પતરાના શેડ અને ડોમ જોખમી હોવાની ફરિયાદ બાદ પણ કામગીરી થઈ ન હતી. અચાનક જાગેલા ઝોને આજે સંખ્યાબંધ ઝોનમાંથી માત્ર આઠ ડોમ દુર કરી કામગીરી કર્યાની જાહેરાત કરી છે. જોકે, ફાયર સ્ટેશનથી બીઆરટીએસ રોડ જતા રસ્તા પરના પતરાના શેડ અને ડોમ ટ્રાફિક માટે પણ જોખમી બની રહ્યાં છ તેની સામે કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાની ફરિયાદ થઈ રહી છે.
સુરત પાલિકાના કતારગામ ઝોન ગેરકાયદે પતરાના શેડ અને ગેરકાયદે ડોમ માટે કુખ્યાત બની ગયો છે. થોડા સમય પહેલા કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયાએ રહેણાંક વિસ્તારમાં ચાલતા ભંગારના ગોડાઉન સામે ફરયાદ કરી હતી તો ઝોન દ્વારા માત્ર ભંગારના ગોડાઉન સીલ કરવામા આવ્યા હતા. આ ઉપરાંત રહેણાંક વિસ્તારમાં પતરાના મોટા શેડ અને ડોમ બનાવી દેવામા આવ્યા છે તે જોખમી હોવાની લોકોની ફરિયાદ બાદ પણ તંત્રએ કોઈ કામગીરી કરી ન હતી. હાલમાં આ અંગે ભારે હોબાળો મચી જતાં પાલિકાના કતારગામ ઝોન આજે કામગીરી કરી છે.
પાલિકાના કતારગામ ઝોને ડભોલી વિસ્તારમાં આવેલા સંખ્યાબંધ ડોમમાંથી માત્ર આઠ પતરાના શેડનું ડિમોલિશન કર્યું છે. કતારગામ ઝોનની ટીમ દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદે ધમધમતા કુલ 8 પતરાના શેડ અને ડોમનો અંદાજીત 10,200 ચો.ફૂટ ક્ષેત્રફળનું બાંધકામ દુર કરવામાં આવ્યું હતું. પાલિકાને લોકોએ ફરિયાદ કરી હતી તે અંદરના રોડ પર ડિમોલિશન કરવામાં આવ્યું છે. પરંતુ ફાયર સ્ટેશનથી બીઆરટીએસ રોડ જતા રસ્તા પરના પતરાના શેડ અને ડોમ ટ્રાફિક માટે પણ જોખમી અને આ રોડ પર પાનના ગલ્લા, ગેરેજ,અને ઓનલાઈનના ગોડાઉન લોકો માટે આફતરૂપ બની રહ્યાં છે તેની સામે કોઈ કામગીરી કરવામાં આવી નથી તેથી મુખ્ય રોડની સમસ્યાનો હલ આવ્યો નથી. આ સમસ્યા છે તેમ છતાં આ એકમો સામે કામગીરી થતી ન હોવાથી ઝોનની કામગીરી સામે શંકા થઈ રહી છે.