Surat Corporation : સુરત પાલિકાના મહેકમ વિભાગની કામગીરી દિવસેને દિવસે વિવાદી બની રહી છે. થોડા સમય પહેલાં સમગ્ર રાજ્યની મહાનગરપાલિકામાં સૌથી વધુ સુરતના પેન્શનરોની ફાઈલ હોવાનો કમનસીબ રેકર્ડ સુરત પાલિકાને નામે થયો હતો. જોકે, આવા અનેક વિવાદ બાદ પણ પાલિકાના મહેકમ વિભાગની કામગીરી સુધરવાને બદલે દિવસેને દિવસે બગડી રહી છે. હાલમાં તો સરકારમાંથી ડેપ્યુટેશન પર આવેલા ડે.કમિશ્નરે પાલિકાની સર્વોચ્ચ ગણાતી ખડી સમિતિના નિર્ણયનો અમલ કર્યો ન હોવાથી તેઓ પાલિકાના શાસકોને પણ ભાજીમૂળા સમજતા હોવાની ચર્ચા થઈ રહી છે. મેયરની અધ્યક્ષતામાં બનેલી ખડી સમિતિએ ડેપ્યુટી ટીડીઓની નિમણુંકનો ઠરાવ કર્યો પરંતુ એક પખવાડિયા બાદ પણ તેમના ઓર્ડર ન કરતાં મહેકમ વિભાગની કામગીરી ફરી વિવાદમાં આવી છે.
સુરત પાલિકાના મહેકમ વિભાગની કામગીરી સરકારમાંથી ડેપ્યુટેશન પર આવેલા અધિકારી ભોગયતાને સોંપવામા આવી છે ત્યારથી સમયાંતરે પાલિકાના કર્મચારીઓ અને વિવિધ યુનિયનો દ્વારા મહેકમ વિભાગની કામગીરી સામે નારાજ થઈ મોરચા લાવી રહ્યા છે. જોકે, પાલિકાના સંખ્યાબંધ કર્મચારીઓ મોરચા લાવતા હોવા છતાં અધિકારીના પેટનું પાણી પણ હાલતું નથી. આ મુદ્દે શાસકો પણ બેકફુટ પર હોવાથી હવે સરકાર માંથી આવેલા ડેપ્યુટી કમિશનર પાલિકાની સર્વોચ્ચ ગણાતી એવી ખડી સમિતિમાં નિર્ણયનો પણ અમલ કરતા ન હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાતની સૌથી સમૃદ્ધ ગણાતી અને 8700થી વધુ બજેટ ધરાવતી સુરત પાલિકામાં છેલ્લા 20 વર્ષથી નાયબ શહેર વિકાસ અધિકારીની જગ્યા ખાલી હતી. તે જગ્યા ભરવાનું મુહૂર્ત 23 ઓક્ટોબરના રોજ મળેલી ખડી સમિતિ બાદ આવ્યું હતું અને ખડી સમિતિમાં બે ડેપ્યુટી ટાઉન પ્લાનરની નિમણુંક આપવામાં આવી હતી. જોકે, મેયરની અધ્યક્ષતામાં મળેલી ખડી સમિતિમાં 23 ઓક્ટોબરે જ ધર્મેશ મોહનલાલ પટેલ તથા ધર્મેશ રમણલાલ પટેલની પસંદગી કરી હતી. ખડી સમિતિના ઠરાવ નં.6/2024થી સર્વાનુમતે બંને પસંદગી પામેલ ઉમેદવારોને ઍક વર્ષના અજમાયશી સમય માટે નિમણૂક આપવાનો સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ ઠરાવ્યું હતું.
જોકે, આવા પ્રકારના ખડી સમિતિ નિર્ણય કરે તેના ગણતરીના એક બે દિવસોમાં જ પસંદ પામેલા ઉમેદવારોને મહેકમ વિભાગ દ્વારા નિમણુંક આપી દેવામાં આવે છે. પરંતુ પાલિકાના મહેકમ વિભાગના વડા ભોગયતા સરકારમાંથી આવ્યા છે તેથી તેઓ પાલિકાની કાર્યપદ્ધતિથી નહી પરંતુ સરકારની પધ્ધતિથી વહીવટ ચલાવી રહ્યા છે. પાલિકાની ખડી સમિતિએ આ નિર્ણય 23 ઓક્ટોબરના રોજ કર્યો હોવા છતાં આજે 13 નવેમ્બર થઈ ગઈ હોવા છતાં હજી સુધી કોઈ ઓર્ડર નહીં આપી શાસકો સામે જ પડકાર ફેંકી દીધો છે. આ અધિકારી પાલિકાના કર્મચારીઓને તો ઠીક પણ પાલિકાના પદાધિકારીઓને પણ ભાજીમૂળા સમજે છે તેવી ચર્ચા પાલિકામાં થઈ રહી છે.