Surat Corporation : સુરત પાલિકાના ડેપ્યુટી કમિશનર ડો.આશિષ નાયકે પાલિકામાં 27 વર્ષની નોકરી બાદ અચાનક રજાના દિવસે રાજીનામાનો પત્ર મ્યુનિ.કમિશનરને સોંપતા પાલિકામાં ભૂકંપ આવી ગયો છે.
છેલ્લા ચારેક દિવસથી સ્વચ્છ ભારત મિશનની ડોક્યુમેન્ટેશનની કામગીરી બાબતે વિલંબ અંગે શાસકો તથા પાલિકા કમિશનર તરફથી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનો હવાલો સંભાળતા કાર્યપાલક ઇજનેર જ્વલંત નાયકની ઝાટકણી કાઢવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન જ ડો.નાયકે મેડીકલ ગ્રાઉન્ડ પર રાજીનામું આપી દીધું છે તે ચર્ચાનો વિષય છે.
કેટલાક વિવાદોને પગલે છેલ્લા છ માસથી ડો.નાયક પાસેથી આરોગ્ય વિભાગ હસ્તક ચાલતા મોટાભાગની કામગીરી છીનવી લેવામાં આવી હતી અને ડેપ્યુટેશન પર આવેલા ડો.રાજેન્દ્ર પટેલની બઢતી-બદલી બાદ સ્મીમેરનો હવાલો ડો.નાયકને આપવામાં આવ્યો હતો. રજાના દિવસે રાજીનામું આપનારા નાયકનું રાજીનામું મ્યુનિ. કમિશનર સ્વીકારે છે કે કેમ ? અને સ્વીકારીને આજની સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરે છે કે કેમ? તે પણ એક પ્રશ્ન છે.
આ પહેલા એડી.સીટી ઈજનેર (ઈલેક્ટ્રીક) આશિષ નાયક દ્વારા વીઆરએસનો પત્ર પાલિકા કમિશનરને અપાયો હતો પરંતુ કમિશનરે રાજીનામુ મંજૂર કર્યું નથી. હવે આજની સ્થાયી સમિતિમાં મ્યુનિ.કમિશનર ડો.આશિષ નાયકનું રાજીનામું મંજુર કરી દરખાસ્ત કરે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.