– રીંગરોડ મીલેનીયમ ટેક્ષટાઈલ માર્કેટ 4 માં કાપડનો વેપાર કરતા 62 વર્ષીય નરેશકુમાર મિત્તલે 14 વર્ષ અગાઉ બ્લ્યુ ઓરેન્જ ડેવલોપર્સ પ્રા.લી. અન્યો સાથે ખરીદી હતી
– બાદમાં તેમના સાથી ડીરેક્ટર સમયાંતરે છુટા થયા બાદ બાકી ડીરેક્ટર વિપુલ પટેલે તેના બે ભાઈઓ સાથે મળી ખેલ કર્યો હતો
સુરત, : સુરતના રીંગરોડ મીલેનીયમ ટેક્ષટાઈલ માર્કેટ 4 માં કાપડનો વેપાર કરતા ભટારના વૃદ્ધની બોગસ સહીવાળો રાજીનામાનો લેટર તૈયાર કરી તેમને બ્લ્યુ ઓરેન્જ ડેવલોપર્સ પ્રા.લી. ના ડીરેક્ટર પદેથી દૂર કરી દેતા ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધતા તેની તપાસ ઈકો સેલને સોંપવામાં આવી છે.
ઈકો સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ હરીયાણા ભીવાની ધીલાવામંડીના વતની અને સુરતમાં ભટાર ઉમાભવન આશીર્વાદ કોમ્પલેક્ષ બી/802 માં રહેતા 62 વર્ષીય નરેશકુમાર માંગેરામ મિત્તલ રીંગરોડ મીલેનીયમ ટેક્ષટાઈલ માર્કેટ 4 માં કાપડનો વેપાર કરે છે.વર્ષ 2009-10 માં તેમનો પરિચય મૂળ મગદલ્લાના વતની અને પીપલોદ શારદાયતન સ્કુલની પાછળ પ્રગતિ બંગ્લોઝ 22 એ માં રહેતા વિપુલ ઠાકોરભાઇ પટેલ સાથે થયો હતો.વિપુલે ચાર પાંચ જણા ભેગા મળી કંપની ઉભી કરી કંપનીના નામે જમીન ખરીદી તેમાં બાંધકામ કરવાની વાત કરતા નરેશકુમારે ઓળખીતા વેપારીઓ રામચંદ્ર અગ્રવાલ, રામપ્રસાદ અગ્રવાલ, સંજય જગનાની સાથે મળી વિપુલ અને તેના મિત્ર પ્રવિણ અગ્રવાલ સાથે મળી 14 વર્ષ અગાઉ બ્લ્યુ ઓરેન્જ ડેવલોપર્સ પ્રા.લી. ખરીદી હતી.
વર્ષ 2012 માં રામચંદ્ર અગ્રવાલ, રામપ્રસાદ અગ્રવાલ, સંજય જગનાનીએ કંપનીના ડીરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું.તેથી તેમાં નરેશકુમાર, વિપુલ અને પ્રવિણ ડીરેક્ટર તરીકે રહ્યા હતા.તે સમયે કંપનીની ઓફિસ વેસુ રિલાયન્સ મોલની સામે એસ.એન.એસ સ્કવેર બિલ્ડીંગમાં ઓફિસ નં.301 માં હતી.વર્ષ 2013 માં કંપનીએ વેસુમાં બે જમીન ખરીદી તેના ઉપર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.પણ ત્રણ માળ સુધી બાંધકામ થયા બાદ અચાનક તેનું બાંધકામ અટકી જતા નરેશકુમારે વિપુલને પૂછ્યું તો તેણે બાંધકામની રજાચિઠ્ઠી અને અલગ અલગ સરકારી વિભાગોમાંથી પરમીશન લેવાની છે તે મળતી નથી તેમ કહ્યું હતું.ત્યાર બાદ ફેબ્રુઆરી 2014 માં વિપુલ અગ્રવાલે પણ ડીરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું.બાદમાં ડિસેમ્બર 2014 માં નરેશકુમાર સાઈટ પર ગયા તો જે ત્રણ માળનું બાંધકામ થયેલું હતું તે જમીનદોસ્ત થઈ ગયું હતું.
તે અરસામાં જ તેમને જાણ થઈ હતી કે કંપનીના નામની જમીન વિપુલ પટેલે હેપ્પીહોમના મુકેશભાઈ પટેલને વેચી દીધી છે.આ અંગે વિપુલને પૂછતાં તે કોઈ જવાબ આપી શક્યો નહોતો.તેણે કહ્યું હતું કે મુકેશભાઈની માર્કેટમાં ગુડવીલ સારી છે તેથી તેની સાથે પ્રોજેક્ટ બનાવીશું તો સારો નફો થશે.જોકે, તે પછી તે અંગે કોઈ હિલચાલ નહીં થતા નરેશકુમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પુત્ર અંકિત મારફતે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝના પોર્ટલ ઉપર ચેક કર્યું તો કંપનીના ડીરેક્ટર તરીકે તેમનું નામ નહોતું.આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે 5 ડિસેમ્બર 2013 ના રોજ તેમની બનાવટી સહી કરી રાજીનામાનો લેટર તૈયાર કરી કંપની સેક્રેટરી મારફતે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝના પોર્ટલ ઉપર અપલોડ કરાયો હતો.તેમાં નરેશકુમારન નામે કંપનીના શેરો હતા તે વિપુલના સગા ભાઈ હિતેન્દ્રને ટ્રાન્સફર કર્યાનો ઉલ્લેખ હતો.
વિપુલે કંપનીમાં પોતાના બે ભાઈઓ હિતેન્દ્ર અને જીગ્નેશ ઉર્ફે મયુર ઠાકોરભાઈ પટેલ ( બંને રહે.108, બોડા ફળીયુ, મગદલ્લા, ગામ, સુરત ) ને ડીરેક્ટર પડે દાખલ કરાવવા તેમની સાથે મળી આમ કર્યું હોવાનું જાણવા મળતા આખરે નરેશકુમારે આ અંગે ગતરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.તેની તપાસ ઈકો સેલને સોંપવામાં આવી છે.વધુ તપાસ પીઆઈ જી.એમ.હડીયા કરી રહ્યા છે.