સુરત પાલિકાના અઠવા ઝોનમાં શિવ પૂજા બિલ્ડીંગમાં જીમ અને સ્પા માં લાગેલા આગાના કિસ્સામાં મોટા માથાઓને બચાવવા માટે ખેલ શરૂ થઈ ગયો છે. તેમાં સૌથી ભુંડી ભુમિકા પાલિકાના અઠવા ઝોનની બહાર આવી છે. શુક્રવારે આકારણી ચોપડે અનિલ રૂંગટા નું નામ હોવાની વાત કરનારા અધિકારીએ 24 કલાક બાદ ફેરવી તોળ્યું છે અને આકારણી ચોપડે હજી ભુપત પોપટનું નામ છે તેવું રટણ શરૂ કર્યું છે. રુંટગા નું નામ નીચેના કર્મચારી દ્વારા આપાવમાં આવેલી માહિતીના આધારે કર્યું હોવાનો ખુલાસો પણ અધિકારી કરી રહ્યાં છે. 24 કલાકમાં જ અઠવા ઝોનના અધિકારીઓએ માહિતીને તોડી મરોડી આપી રહ્યાં છે તેથી પાલિકાના અઠવા ઝોન ની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
સુરતમાં અઠવા ઝોનમાં શિવ પૂજા બિલ્ડીંગ માં બનેલા અગ્નિકાંડમાં બે પરપ્રાંતીય યુવતીના મોત બાદ સમગ્ર તપાસને આડે પાટે ચઢાવાવ માટે પહેલા જ દિવસથી પ્રયાસ શરુ થઈ ગયાં છે. જે ઘટના બની તે જગ્યા ભુપેન્દ્ર પોપટની હતી અને તે બિલ્ડર અનિલ રુંગટાએ ખરીદી હતી તેવી વાત બહાર આવી હતી. જોકે, પાલિકાએ પોલીસને જે પુરાવા આપ્યા તેમાં અનિલ રુંટગા નહી પરંતુ ભુપત પોપટનું જ નામ હોવાથી વિવાદ ઉબો થયો હતો.
આ અંગે અઠવા ઝોનના ઝોનલ ઓફિસર મીતા ગાંધીનો સંપર્ક કરવા છતાં તેઓ ફોન રીસીવ કરતા ન હતા. જ્યારે ઝોનલ ચીફ જતીન દેસાઈએ કલાકો બાદ તપાસ કરી કહ્યું હતું કે, આકારણી દફતરે આ જગ્યાએ અનિલ રુંગટા ના નામે બોલે છે. જોકે, તેમના આ નિવેદનના 24 કલાક બાદ જ તેઓએ ફેરવીને તોળ્યું હતું અને શુક્રવારે કહ્યું હતું કે, નીચેના કર્મચારી દ્વારા માહિતી આપવામાં ક્ષતિ હતી તેથી અનિલ રુંગટા નું નામ આકારણી ચોપડે છે તેવું કહેવામાં આવ્યું હતું પરંતુ હકીકતમાં પાલિકાના આકારણી ચોપડે ભૂપત પોપટનું જ નામ બોલે છે. જોકે, પોપટ ની પૂછપરછ કર્યા બાદ તેઓના દસ્તાવેજ ના આધારે પોલીસ તપાસ કરશે. આ ઉપરાંત તેઓએ વધુમાં કહ્યું હતું કે, આકારણી ચોપડે સ્પા નો કોઈ ઉલ્લેખ જ નથી
આકારણી ચોપડે સ્પાનો ઉલ્લેખ નથી તો સ્પા ક્યારથી ચાલે છે અને ગેરકાયદે સ્પા ચાલતું હોય તો ઝોન દ્વારા કામગીરી કેમ ન કરવામાં આવી તેવા સંખ્યાબંધ પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. પાલિકાનો અઠવા ઝોન દુર્ઘટના બાદ તરત જ વિવાદમાં આવ્યો છે અને 24 કલાકમાં આકારણી ચોપડા પર નામ મુદ્દે અધિકારીઓ જે નિવેદન બદલી રહ્યાં છે તેના કારણે દાળમાં કાળું હોવાની ચર્ચા જોરશોરમાં થઈ રહી છે.