– આંતરરાજ્ય રીઢા ગુનેગાર જેમ્સ અલમેડા, ગ્વાલીયરના જેલ સિપાઈએ અન્યો સાથે મળી લૂંટની યોજના બનાવી હતી : છ ઝડપાયા
– અગાઉ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રૌઢની ટીપના આધારે દોઢ મહિના સુધી બસની મુવમેન્ટ અને સુરત સીટી અને ગ્રામ્ય, વડોદરા, ભરુચ, નવસારીની આંગડીયા પેઢી, હીરાબજાર અને જવેલરી શોપની પણ રેકી કરી હતી
સુરત, : સુરતના હીરાબજારમાંથી રોજેરોજ હીરા અને સોનાનો જથ્થો લઈ સુરતથી વડોદરા જતી બસને હાઇજેક કરી લૂંટવા ભેગા થયેલા રીઢા ગુનેગાર, ગ્વાલીયરના જેલ સિપાઈ સહિત છ ને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઘાતક હથિયારો સાથે ઝડપી પાડી તેઓ લૂંટના ગુનાને અંજામ આપે તે પહેલા જ ઝડપી લીધા હતા.સુરત ક્રાઈમ બ્રાન્ચે યોજનામાં સામેલ અન્ય બે ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ઘરફોડ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે એક ઓપરેશન હાથ ધરી કડોદરા સારોલી રોડ ઉપર એક કારને આંતરી તેમાંથી રીઢા ગુનેગાર જેમ્સ અલમેડા અને સલાઉદ્દીન શેખને ઝડપી પાડી તેમની પાસેથી બે પિસ્તોલ, એક સ્પેર મેગઝીન, બે મીરચી સ્પ્રે, રેમ્બો છરો કબજે કર્યા હતા/ક્રાઈમ બ્રાન્ચે તેમની પુછપરછના આધારે કડોદરા તાંતીથૈયા મહાદેવનગર રેસીડન્સીના એક ભાડાના મકાનમાં રેડ કરી ત્યાંથી ગ્વાલીયર જેલમાં સિપાઈ તરીકે નોકરી કરતા રાજેશ સુબેદારસીંગ પરમાર, રહીશખાન સૌરબખાન ખાન, ઉદયવીરસીંગ રાજબહાદુરસીંગ તોમર, વીજય લાલતા મેનબંસીને પણ ઝડપી લઈ તેમની પાસેથી વધુ એક પિસ્તોલ, એક તમંચો, 36 કારતુસ અને અલગ અલગ જગ્યાએ રેકી કરેલી તેની નોંધ તથા નકશા સાથેની નોટબુક કબજે કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે આ ઉપરાંત તેમની પાસેથી છ મોબાઈલ ફોન, ત્રણ વાઇફાઇ ડોંગલ, લોખંડનું પકડ, એક ધારદાર કટર, ઇલેકટ્રીક વજનકાટા, ત્રણ બુકાની માસ્ક, મધ્યપ્રદેશ જેલ પોલીસનું રાજેશ પરમારનું આઇડી કાર્ડ મળી કુલ રૂ.4.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વિવિધ રાજ્યોમાં ગુના કરનાર રીઢા જેમ્સ ઉર્ફે સેમ અલમેડા મકોકા કેસમાં તલોજા જેલમાં જેલવાસ ભોગવતો હતો ત્યારે તેની ઓળખાણ કિલ્લાકુટ પોલીસ સ્ટેશનમાં 20 કિલો ગોલ્ડ લૂંટમાં ઝડપાયેલા ગ્વાલીયરના એક્સ આર્મીમેન રાજેશ પરમાર સાથે થઈ હતી.બંને જેલમાંથી છૂટીને અવારનવાર મળતા હતા.ત્યાર બાદ મધ્યપ્રદેશમાં જેલ સિપાઈ તરીકે નોકરીએ જોડાયેલા અને હાલ શિવપુર જેલમાં ફરજ બજાવતા રાજેશ પરમારે જેમ્સ અલ્મેડાની મુલાકાત મૂળ મધ્યપ્રદેશના મુરેનાના ઉદયબીરસીગ તોમર સાથે કરાવી હતી.ઉદયબીર અગાઉ સુરતના હીરાઉધોગ સાથે સંકળાયેલ હોય તે અગાઉ અવારનવાર સુરત આવતો જતો હતો અને તે જાણતો હતો કે હીરાબજારમાંથી રોજ રોજ રામ ટ્રાવેલ્સની લકઝરી બસમાં સુરતથી વડોદરા ખાતે મોટા પ્રમાણમાં હીરા તથા સોનાનો માલ હેરફેર થાય છે.
આ ટીપ તેણે જેમ્સ અને રાજેશને આપતા તેમણે સાગરીતો સાથે મળી ઘાતક હથિયારો સાથે મળી રામ ટ્રાવેલ્સની બસને હાઈજેક કરી લૂંટવાની યોજના બનાવી હતી.તે માટે તેના સાગરીતો સુરત આવ્યા હતા અને દોઢ મહિનાથી કડોદરામાં એક મકાન ભાડે રાખી તેમણે રેકી કરી બસની એક એક પળની મુવમેન્ટની માહિતી મેળવી હતી.તે ઉપરાંત સુરત સીટી અને ગ્રામ્ય, વડોદરા, ભરુચ, નવસારીની આંગડીયા પેઢી, હીરાબજાર અને જવેલરી શોપની પણ રેકી કરી હતી.
લૂંટની યોજનામાં તમામ બસમાં પેસેન્જર તરીકે બેસીને બાદમાં હાઇજેક કરવાના હતા અને તે દરમિયાન તેમના અન્ય બે સાગરીત પાછળ બે કારમાં સાથે રહી લૂંટ કર્યા બાદ તમામ તેમાં બેસી ફરાર થઈ જવાના હતા.જોકે, તેઓ તેમની યોજનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમને ઝડપી લીધા હતા.ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જેમ્સ જે કાર સાથે મળ્યો તે પણ પંજાબમાંથી ચોરી હોવાનું જાણવા મળ્યું છે.ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધી તેમના અન્ય બે સાગરીતને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
એક્સ આર્મીમેન રાજેશ મુંબઈમાં 20 કિલો ગોલ્ડ ચોરીમાં પકડાયેલો : હાલ મધ્યપ્રદેશ જેલ પોલીસમાં સિપાઈ
સુરત, : ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા પૈકી રાજેશ પરમાર વર્ષ 2000 થી આર્મીમાં ફરજ બજાવતો હતો અને વર્ષ 2018 માં તે નિવૃત્ત થયો હતો.બાદમાં તે મુંબઈમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને તે સમયે 1400 કિલો ગોલ્ડમાંથી 20 કિલો ગોલ્ડની ચોરીમાં પકડાયો હતો.તે જ વર્ષે તેને મધ્યપ્રદેશ્માં જેલમાં સિપાઈ તરીકે નોકરી મળી હતી અને હાલ તે ફરજ બજાવે છે.તેના વિશે ક્રાઈમ બ્રાન્ચ વધુ ખરાઈ કરી રહી છે.
હીરાઉદ્યોગથી પરિચિત ટીપર ઉદયવીરસીંગ તોમર અગાઉ પણ લૂંટના ગુનામાં ટીપ આપવા બદલ પકડાયો હતો
સુરત, : સુરતમાં વર્ષોથી રહેતા અને હીરા ઉદ્યોગને નજીકથી જાણતા ઉદયવીરસીંગ તોમરે જ જેમ્સ અને રાજેશને લકઝરી બસમાં હીરા અને ગોલ્ડ વડોદરા લઈ જવાય છે તેવી ટીપ આપી હતી.અગાઉ સુરતના લાલગેટ પોલીસ મથકમાં હથિયાર સાથે ઝડપાયેલો ઉદયવીરસીંગ ક્રાઈમ બ્રાન્ચના હાથે પણ લૂંટના ગુનામાં ટીપ આપી હોય ઝડપાયો હતો.
રીઢો ગુનેગાર જેમ્સ ઉર્ફે સેમ અલમેડા 20 ગુનામાં ઝડપાયો હતો, 11 માં વોન્ટેડ હતો
સુરત, : રીઢા ગુનેગાર જેમ્સ ઉર્ફે સેમ અલમેડા ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મુંબઈમાં મકોકા એક્ટના આરોપી તેમજ લૂંટ વિથ મર્ડર, હથિયારો સાથે ધાડ, પોલીસ જાપ્તા પર ફાયરીંગ કરી ફરાર, લુટ સમયે પોલીસ પર ફાયરીંગ, 15 કીલો સોનાની લૂંટ,આર્મ્સ સાથે અનેક લૂંટ, ઘરફોડ અને વાહન ચોરીના 20 ગુનામાં અગાઉ ઝડપાયેલા અને હાલ તેવા જ 11 ગુનામાં વોન્ટેડ હતો.
કોણ કોણ પકડાયું
(1) જેમ્સ ઉર્ફે સેમ જેફરીન ગીધોરી અલમેડા ( ઉ.વ.40, રહે.ફ્લેટ નં.103, ગુડવીલ એપાર્ટમેન્ટ, ગુરૂદ્વારાની બાજુમાં, સેક્ટર-4, ન્યુ પનવેલ, તા.પનવેલ, જી.રાયગઢ, મહારાષ્ટ )
(2) મજૂરીકામ કરતો સલાઉદ્દીન દીલાવર શેખ ( ઉ.વ.25, રહે.રૂમ નં.104, એકતા વેલ્ફર સોસાયટી, પ્રતિક્ષા નગર, જોગેશ્વર ( વેસ્ટ ), ઓશીવીરા, મુંબઈ, મહારાષ્ટ્ર )
(3) જેલમાં સિપાઈ અને એક્સ આર્મીમેન રાજેશ સુબેદારસીંગ પરમાર ( ઉ.વ.42,રહે. મકાન નં.331, શિવ કોલોની, ગલી નં.8, સાવરકર નગર, ગોડા, કંમ્પુ લશ્કર, ગ્વાલીયર, મધ્યપ્રદેશ )
(4) પ્રાઈવેટ ટીચર રહીશખાન સૌરબખાન ખાન ( ઉ.વ.40, રહે,આર્મી બજારીયા, કમ્પુ લશ્કર, ગ્વાલીયર, મધ્યપ્રદેશ )
(5) વેપારી અને ટીપર ઉદયવીરસીંગ રાજબહાદુરસીંગ તોમર ( ઉ.વ.51, હાલ રહે.ઘર નં.16, મહાદેવનગર સોસાયટી, બગુમરા ગામ, કડોદરા, સુરત. મુળ રહે.તરસ્મા ગામ, તા.કોરસા, જી.મુરેના, મધ્યપ્રદેશ )
(6) વડાપાઉની લારી ચાલવતા લાલતા મેનબંસી ( ઉ.વ.52, રહે.રૂમ નં.4, મોતીબાઈની ચાલ, ઠાકુરલી ( ઈસ્ટ ), સ્ટેશન રોડ, તા.કલ્યાણ, જી.થાણે, મહારાષ્ટ્ર. મુળ રહે.સંતોષપુર, તા. પાલી, જી.જોનપુર, ઉત્તર પ્રદેશ )
શું કબજે કર્યું
(1) ત્રણ પીસ્ટલ, (2) દેશી હાથ બનાવટનો તંમચો, (૩) કાર, (4) રેમ્બો છરો, (5) છ મોબાઈલ ફોન, (6) ત્રણ વાઇફાઈ ડોંગલ, (7) 42 પીસ્તોલ કાર્ટીઝ, (8) એક ખાલી મેગઝીન, (9) લોખંડનું પકડ, (10) એક ધારદાર કટર, (11) મીરચી સ્પ્રેની બે બોટલ, (12) ઇલેકટ્રીક વજનકાટા, (13) ત્રણ બુકાની માસ્ક, (14) મધ્યપ્રદેશ જેલ પોલીસ રાજેશ પરમારનું આઇ.ડી કાર્ડ , (15) નોટબુક ( મેપ તથા પ્લાનિંગ લખેલી )