India’s first Eco-village: સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવારનવાર પડતા હોય છે, ત્યારે ઊંચા પર્વતોની હારમાળા અને જંગલની વચ્ચે આવેલું ગોકુળિયા ગામ સમાન સુરત જિલ્લાના માંડવી તાલુકાનું ધજ ગામ ગુજરાતનું પહેલું ઈકો વિલેજ છે. સુરત વન વિભાગની માંડવી ઉત્તર રેન્જમાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું સંપૂર્ણ વન વસાહતી આ ગામ પર્યાવરણ, પ્રગતિનો તાલમેલ જાળવીને દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યું છે.
સુરતના નઘોઈ ગામને ઈકો વિલેજ તરીકે ડેવલપ કરાશે.
નાયબ વન સંરક્ષક આનંદકુમારના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પર્યાવરણ પ્રત્યે સામૂહિક ચેતના આવે અને આર્થિક વિકાસની સાથોસાથ પર્યાવરણને સંતુલિત કરી શકાય તેવા શુભ આશયથી વર્ષ 2016માં ધજ ગામને ઈકો વિલેજ જાહેર કરાયું હતું. આવનાર સમયમાં સુરતના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામને ઈકો વિલેજ તરીકે ડેવલપ કરાશે.
સુરતથી 70 કિમી અને માંડવી તાલુકા મથકથી 27 કિલોમીટર અંતરે માલધા ગ્રુપ ગ્રામપંચાયતની હદમાં ધજ ગામ આવે છે. ગાઢ જંગલની વચ્ચોવચ આવેલું આ ગામ એક સમયે પ્રાથમિક સુવિધાથી વંચિત હતું. ગામમાં અવરજવર માટે પાકા રસ્તા કે વીજળીની સુવિધા ન હતી. ગ્રામજનો જંગલ પેદાશો પર નિર્ભર હતા. જંગલ પેદાશ તેમની રોજગારી હતી. સામાન્ય રીતે ગામમાં કોઈનું મરણ થાય ત્યારે જંગલના લાકડાનો વધુ ઉપયોગ થતો હતો, આથી સરકારી ગ્રાન્ટમાંથી સ્મશાન બનાવ્યું અને લોખંડની સગડી મૂકી લાકડાનો વપરાશ પણ ઘટાડવામાં આવ્યો છે.
ધજ ગામમાં પર્યાવરણીય ક્રાંતિ
પર્યાવરણ સુધારણા અને પદૂષણ નિયંત્રણનું કામ કરવા ગુજરાત ઈકોલોજી કમિશને ધજ ગામને ઈકો વિલેજ જાહેર કરી પાયાની સુવિધા પૂરી પાડી છે. કમિશન અને વન વિભાગના ઉપક્રમે સસ્ટેનેબલ ટેકનિક, સામૂહિક પ્રયાસોથી થયેલા પર્યાવરણ સંરક્ષણના કારણે ધજ ગામમાં પર્યાવરણીય ક્રાંતિ આવી છે.
નાયબ વન સંરક્ષક આનંદકુમારે જણાવ્યું હતું કે, 2016માં ધજ ગામ ઈકો વિલેજ જાહેર થયા બાદ પર્યાવરણની જાળવણી માટે બાયોગેસ, ભૂગર્ભ જળ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, સૌર ઊર્જા સંચાલિત સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ગામના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃત્ત બને એવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. હાલ GEC (ગુજરાત ઈકોલોજીકલ કમિશન)નું વન વિભાગ સાથે મર્જર થયું છે. આગામી સમયમાં વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકાના નઘોઈ ગામને ઈકો વિલેજ તરીકે વિકસાવવામાં આવશે.
પર્યાવરણ અને પ્રગતિ વચ્ચે તાલમેલ જાળવતું ગામ
માંડવી ઉત્તર રેન્જ ફોરેસ્ટ ઓફિસર રવિન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે, માંડવી ઉત્તર રેન્જનો કુલ કાર્ય વિસ્તાર 10 હજાર હેક્ટર છે. જેમાં 27 ગામડાઓ આવેલા છે. ગામના લોકો વન વિભાગ તરફથી સનદમાં મળેલ જંગલની જમીનમાં ખેતી અને પશુપાલન કરી ગુજરાન ચલાવે છે. ધજ ગામમાં ઘરે-ઘરે સોલાર લાઈટ, વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ જળ ટાંકા, ગોબર ગેસના યુનિટ અને સ્મશાન ગૃહ, મોબાઈલની ક્નેક્વિવિટી માટે ટાવર, પશુપાલન સાથે સંકળાયેલી મહિલા માટે દૂધમંડળી તેમજ ગામના ઘનકચરા માટે વર્ગીકૃત્ત ઘનકચરા યુનિટની સુવિધા વનવિભાગ દ્વારા મળી છે. ફોરેસ્ટ વિભાગના માર્ગદર્શન હેઠળ ગામના યુવાનો, અગ્રણીઓની આગેવાનીમાં વન કલ્યાણ સમિતિ કાર્યરત કરવામાં આવી છે. સમિતિના સભ્યો જંગલની જાળવણી કરે છે.
વન સમિતિના પ્રમુખ ધર્મેશ વસાવાએ જણાવ્યું હતું કે, અગાઉ મોબાઈલ નેટવર્કની ખૂબ જ મુશ્કેલી હતી, પરંતુ રાજ્ય સરકાર અને વન વિભાગના સંયુક્ત પ્રયાસથી BSNL મોબાઈલ ટાવરની સુવિધા મળવાથી ઝડપી સંપર્ક, આરોગ્યલક્ષી તેમજ શિક્ષણલક્ષી કાર્ય સરળતા થઈ રહ્યું છે.
ગોબર ગેસથી રસોઈકામ સરળ બન્યું
ઘરે જ ગોબરગેસનો લાભ મળતા ગામના સારૂબેન વસાવાના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેઓ કહે છે કે, હવે જંગલમાંથી લાકડા કાપવામાંથી મુક્તિ મળી છે, અને ધૂમાડાથી પણ રાહત મળી છે. ઘણીવાર ધૂમાડાથી આંખો બળતી હતી, પણ આજે ગોબર ગેસ સુવિધાએ અમારા રસોઈકામને આસાન કરી દીધું છે.
દૂધ મંડળી અને પશુપાલન થકી ગામની બહેનો બની આત્મનિર્ભર
ખેડૂત દશરથભાઈ વસાવા કહે છે કે, ધજ ગામમાં ઈકો વિલેજ પ્રોજેક્ટથી સ્મશાન બન્યું છે. વન વિભાગે ગોબર ગેસ, ભૂગર્ભ ટાંકા, સોલાર સ્ટ્રીટ લાઈટ રોડ-રસ્તા સહિતના ઘણા લોકહિતના કામો કર્યા છે. ગામમાં દૂધમંડળી સ્થાપી દૂધાળા પશુઓ આપીને મહિલા પશુપાલન કરીને દૂધ ભરીને પોતાની આજીવિકા મેળવે છે. આ ઉપરાંત, પી.એમ. આવાસ યોજના, ઉજ્જ્વલા યોજના, આયુષ્માન ભારત, રેશનકાર્ડ મારફતે ગરીબ કલ્યાણ અન્ન યોજના જેવી અનેકવિધ યોજનાઓમાં લાભો પણ મળ્યા છે.
રોજમદાર સીંગાભાઈ વસાવાને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાથી પાકા મકાનનું સપનું સાકાર થયું છે. તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, કાચા મકાનમાં ઘણી મુશ્કેલીઓ વેઠી છે. ઘરમાં નાના-નાના છોકરાઓના અભ્યાસ અને નિવાસની સગવડની સતત ચિંતા સતાવતી. પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક લાખ વીસ હજાર મળ્યા અને વર્ષોની એકઠી કરેલી બચત પુંજીથી સુખ-સુવિધાવાળું પાકુ મકાન બન્યું છે.
ધજ મહિલા દૂધ મંડળીના મંત્રી ઉષાબેન વસાવાએ કહ્યું કે, સુમુલ ડેરી સંચાલિત દૂધ મંડળીમાં 15 સભાસદો દૈનિક દૂધ ભરે છે. ગામની બહેનો દૂધમાંથી દર મહિને દસથી બાર હજાર કમાઈને આત્મનિર્ભર બની રહી છે. ઈકો વિલેજ પ્રોજેક્ટમાં દૂધ ફેટ મશીન અને કોમ્પ્યુટર આપવામાં આવ્યું છે. પહેલા સવાર સાંજ પાંચ કિલોમીટર ચાલીને બીજા ગામમાં દૂધ ભરવા જવું પડતું હતું, પણ હાલ ધજ ગામમાં જ દૂધ ભરીને મહિને સારી એવી આવક મળી રહી છે એમ સહજ ખુશી વ્યક્ત કરતા મંત્રીએ ઉમેર્યું હતું.
ઈકો વિલેજ શું છે?
ઈકો વિલેજ એ કુદરતી, જૈવિક, નિર્જીવ તથા પારંપરિક આજીવિકાના સ્ત્રોતોના પુનઃસ્થાપન થકી ગ્રામ્ય સમુદાયોનો આર્થિક, સામાજિક વિકાસ કરવાની પહેલ છે. ગ્રામજનોની કુદરતી સંસાધનો પરથી નિર્ભરતા ઘટાડી તેમજ તેની જાળવણી દ્વારા ગામ, અને ગ્રામજનોને આર્થિક રીતે સદ્ધર કરી સંતુલિત વિકાસ સાધવો તથા ગ્રામ્ય સ્તરના આજીવિકાના સ્ત્રોતનું પુનઃ સ્થાપન-પુનઃજીવન કરવાનો હેતુ છે. જમીનને અનુકૂળ અને ઓછા પાણીની સિંચાઈથી થતો પાક, હાઈબ્રીડ જાત અને સ્થાનિક બીજનો ઉપયોગ કરવો, સાથોસાથ ખેતીમાં ટપક પદ્ધતિથી સિંચાઈ, ઈકો પેસ્ટીસાઈડના ઉપયોગથી પર્યાવરણને અનુકૂળ એવી સજીવ ખેતીને પ્રોત્સાહન, ઘર અને ગામમાં ઉર્જાના સ્ત્રોત માટે બાયોગેસ, ગોબરગેસ, સૌર ઉર્જા તેમજ એલઈડીના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવા.
પશુપાલનના ઘાસચારા માટે કુદરતી સંસાધનો પરની નિર્ભરતા ઘટાડવા ઘાસ ડેપોની વ્યવસ્થા, વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા તેમજ જળવિભાજન માટે ખેતતલાવડી અને તળાવનું નિર્માણ, કચરાના નિકાલ તેમજ તેના પુનઃઉપયોગ માટેની યોગ્ય વ્યવસ્થા કરાવવી એ આ પહેલનો ઉદ્દેશ છે.
દેશના મોડેલ ઈકો વિલેજ
ભારતના મધ્યપ્રદેશનું ભગુવાર, તમિલનાડુનું ઓરોવિલે અને ઓડનથુરાઈ, નાગાલેન્ડનું ખોનોમા, રાજસ્થાનના પીપલાન્ત્રી અને આરનાઝારના, મહારાષ્ટ્રના ગોવર્ધન અને હિવારે બજાર, ઓડિશાનું સિદ્ધાર્થ, જમ્મુ કશ્મીરનું સાગ, ગુજરાતનું ધજ ગામ મોડેલ ઈકો વિલેજ છે.