Gyanprakash Swami Controversy: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ફરી એક અન્ય સ્વામીએ બફાટ કરતાં વિવાદ ઊભો થયો છે. વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશ સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદ વકર્યો છે. વિવાદિત નિવેદનના કારણે રઘુવંશી સમાજના લોકો ઉગ્ર પ્રતિક્રિયા સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય છે કે, વિવાદ વકરતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગીને વિવાદિત વીડિયો ડિલીટ પણ કરી દીધો છે.
શું હતો વિવાદ?
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે કહ્યું કે, ‘જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતાં. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતાં કે, સ્વામી મારૂ એક માત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતિત સ્વામીને બાટી અને દાળ જમાડ્યાં. બાદમાં સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યાં કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.’
આ પણ વાંચોઃ ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ફિક્સ પગારમાં કોઈ વધારો નહીં, હજારો અરજીઓ મળી
જ્ઞાનપ્રકાશ સ્વામીએ માંગી માફી
જ્ઞાનપ્રકાશ સ્વામીના આ નિવેદનને લઈને જલારામ બાપાના ભક્તોમાં રોષ ભભુક્યો છે. આ વીડિયો વાઈરલ થતાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, વિવાદ વકરતાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ અન્ય એક વીડિયો શેર કરી માફી માંગી છે.
આ પણ વાંચોઃ હાઉસિંગ સોસાયટીઓની મનમાની અટકાવવા મહત્તમ ટ્રાન્સફર ફી નક્કી કરાઈ, ગુજરાત સરકારનો નિર્ણય
માફી માંગતા વીડિયોમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું કે, ‘સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્-સત્ વંદન કરી મારી વાત રજૂ કરૂ છું. થોડા સમય પહેલાં મેં એક પુસ્તકમાં પ્રસંગ વાંચ્યો હતો. એ જ પ્રસંગ મેં અન્ય એક મેગેઝિનમાં પણ વાંચ્યો. મને લાગ્યું કે, આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. અયોધ્યામાં જલારામ બાપાએ જે કામ કર્યાં અનેસ ભગવાસનના થાળ અંગે જે વાતો છે, તે અંગે મેં વાત કરી હતી. તેમ છતાં જો કોઈપણ સમાજ કે વ્યક્તિને મારી વાતનું દુઃખ લાગ્યું હોય તો હું ખરા દિલથી તમામની માફી માંગુ છું. તેમજ આ વીડિયો પણ અમે તુરંત હટાવી દીધો છે.’
માફીથી ચલાવી નહીં લઈએ…
જોકે, જ્ઞાનપ્રકાશ સ્વામીની માફી બાદ પણ મુદ્દો શાંત નથી થયો. રઘુવંશી સમાજના અગ્રણી કાશ્મીરા નથવાણીએ આ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી છે. આ મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું કે, સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વાીઓ બફાટ કરતા રહે છે અને બાદમાં માફી માંગી લે છે. આ વખતે અમે માફી ચલાવી નહીં લઈએ. આ પ્રકારના સ્વામીઓ સામે કડક અને દાખલો બેસે તેવી કાર્યવાહી નહીં થાય તો આ સ્વામીઓ ફરી વિવાદ કરતાં રહેશે. અગાઉ પણ સ્વામિનારાયણ સંસ્થાએ સનાતન ધર્મ મામલે વિવાદિત નિવેદનો આપ્યા છે. જલારામ બાપા માત્ર વીરપુર અને સૌરાષ્ટ્રના નથી પરંતુ, વિશ્વભરના લોકોના હ્રદયમાં વસે છે. વીરપુર જલારામ મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં તમામ ધર્મ અને જાતિના લોકોને ભોજન આપવામાં આવે છે.’