Surat News : સુરતના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક યુવકે 20 વર્ષ પહેલા પોતાની જ પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. જ્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં પોલીસ બાતમીના આધારે આરોપીને ઉત્તરપ્રદેશના આગ્રામાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.
20 વર્ષ પહેલા હત્યાનો આરોપી ઝડપાયો
સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2004માં વિનોદકુમાર શર્માએ પોતાની પત્નીની હત્યા કરીને પોતાના ચાર વર્ષના બાળકને લઈને ફરાર થઈ ગયો હતો. 20 વર્ષ પહેલાની ઘટનાના આરોપી અંગે સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ઉત્તરપ્રદેશના આગ્રામાં રહે છે. આ પછી પોલીસે આગ્રા શહેરમાંથી આરોપીને ઝડપી પાડીને સુરત લાવવામાં આવ્યો હતો.
આરોપીએ 14 વર્ષ એરફોર્સમાં નોકરી કરી હતી
સુરતમાં પોલીસે આરોપીની પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા. જેમાં આરોપી વિનોદકુમાર શર્માએ કહ્યું હતું કે, ‘મે 14 વર્ષ એરફોર્સમાં નોકરી કરી છે. ત્યારબાદ અમદાવાદમાં નોકરી શરૂ કરી હતી. આ દરમિયાન મને હિરાના કારખાનામાં નોકરી કરતી એક મહિલા સાથે પ્રેમ સંબંધો થતા અમે પ્રેમલગ્ન કર્યા હતા. જો કે, તેવામાં બરેલી ખાતે મારી બદલી થતા મે નોકરીને મુકીને મારી પત્ની સાથે હીરાના કારખાનામાં નોકરી શરુ કરી હતી.’
આ પણ વાંચો: શેરબજારીયાને છેતરવાનો નવો કિમીયો! અમદાવાદના યુવકની એક ભૂલ અને ગુમાવ્યા 1.44 કરોડ રૂપિયા
20 વર્ષ પહેલાના હત્યાના આરોપી વિનોદકુમાર શર્માએ આગળ કહ્યું હતું કે, ‘વરાછા વિસ્તારમાં હું અને મારી પત્ની હીરાના કારખાનામાં નોકરીએ જતા હતા અને રાંદેર વિસ્તારમાં આનંદ મંગલ સોસાયટી ખાતે ભાડાના મકાનમાં રહેતા હતા. એક દિવસ મને મારી પત્નીના આમારા પાડોશી એક શખસ સાથેના ગેરસંબંધોની જાણ થઈ હતી. ડિસેમ્બર 2024માં મારી પત્નીના અન્ય શખસ સાથે ગેરસંબંધોને લઈને અમારા વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને જેમાં મારી પત્નીના માથાના ભાગે લોખંડનો પાઈપ મારતા તેનું મોત નીપજ્યું હતું. આ પછી હું અને મારા ચાર વર્ષના બાળકને લઈને બસથી ઉદયપુર અને ત્યારથી આગ્રા પહોંચ્યો હતો. જ્યાં મે બીજા લગ્ન કરીને શહેરમાં દુકાન શરૂ કરી હતી.’