Bogus Property Card Scam : સુરતમાં સાયલન્ટ ઝોનની સ્કીમ મુકવા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવાના પ્રકરણમાં હકીકત જાણવા સીઆઈડી ક્રાઈમ દ્વારા દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે. સીઆઈડી ક્રાઈમ વિવિધ સરકારી વિભાગના રિપોર્ટની પણ રાહ જોઈ રહી છે. તેના આધારે આગળ કાર્યવાહી કરશે.
સુરત સીઆઈડી ક્રાઈમ દ્વારા દસ્તાવેજોની ચકાસણી
સીઆઈડી ક્રાઈમના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઘોડદોડ રોડ કોટક બેન્કની નજીક લક્ષ્મી વિલાસ કોમ્પલેક્ષ ફ્લેટ નં.402 માં રહેતા 47 વર્ષીય ખેડૂત આઝાદ ચતુરભાઈ રામોલીયાની ડુમસ અને વાટાની કરોડોની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલન્ટ ઝોનની સ્કીમ મુકનાર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટના અધિકારીઓ-કર્મચારીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમમાં ગુનો નોંધાયો હતો.
એક બ્રોકર તેમની જુદીજુદી જમીનો પૈકી એક બ્લોકનું પ્રોપર્ટી કાર્ડ લઈ વેચાણ માટે આવ્યા બાદ તેમણે તપાસ કરી તો તેમના તમામ સર્વે નંબરોમાં અલગ અલગ વ્યક્તિઓના નામે 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા. આ અંગે તેમણે મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી, કલેકટર, પોલીસ, મહાનગરપાલિકામાં કરેલી ફરિયાદમાં ન્યાય નહીં મળતા સીઆઈડી ક્રાઈમમાં અરજી કરી હતી.તેના આધારે સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : પદ્ધતિસરનું કૌભાંડ: ડુમસ-વાટા ગામમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ જિલ્લા પંચાયતના બોગસ N.A. ઓર્ડર પર બન્યાં
સીઆઈડી ક્રાઈમે આ પ્રકરણમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવા સંદર્ભે તેમજ ખેડૂત આઝાદ રામોલીયાએ રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી માટે વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.તેની સાથે સીઆઈડી ક્રાઈમે તેમનું વિશેષ નિવેદન પણ નોંધ્યું હતું. અને અરજીના સમયે જે પુરાવા આપ્યા હતા તે ફરી સીઆઈડી ક્રાઈમને આપતા તે તેની ચકાસણી કરી સમગ્ર પ્રકરણમાં કોની શું ભૂમિકા હતી તે નક્કી કરવા સીઆઈડી ક્રાઈમે વિવિધ સરકારી વિભાગ પાસે જરૂરી રિપાર્ટની માંગણી કરી છે.
તે આવ્યા બાદ જ સીઆઈડી ક્રાઈમ આગળ કાર્યવાહી કરશે. અત્યાર સુધીની તપાસમાં તેટલું સ્પષ્ટ થયું છે કે બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે કોઈએ અરજી કરી નહોતી છતાં બનાવી દેવાયા તે માટે કોઈક ચોક્કસ વ્યક્તિની સૂચના હતી.તે જાણવા માટે સીઆઈડી ક્રાઈમ કોના આઈડી ઉપરથી, થમ્બથી કાર્ડ બન્યા તે તપાસી રહી છે. વધુ તપાસ ડિટેક્ટીવ પીઆઈ પી.બી.સંઘાણી કરી રહ્યા છે.
એન.એ વગર કેટલાક પ્લોટ ઇમ્પેક્ટ ફી ભરી રેગ્યુલરાઇઝ કરી દેવાયા
સીઆઇડી ક્રાઇમની તપાસ દરમિયાન સાયલન્ટ ઝોનના કેટલાક પ્લોટને એન.એ કર્યા વિના તેની ઈમ્પેકટ ફી ભરી રેગ્યુલાઈઝ કરી દેવાયા હોવાનું જણાયું છે. આ પ્લોટ જે બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા હતા તે પૈકીના જ હોવાનું કહેવાય છે. આ અંગે હજુ વિગતવાર તપાસ જારી છે.