Surat Labgrown Price Hike: નેચરલ ડાયમંડનો પર્યાય બનેલો લેબગ્રોનના કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી થઇ રહેલા ઘટાડાને પગલે લેબગ્રોન ડાયમંડ વેપારીઓની મળેલી બેઠકમાં 20 થી 25 ટકા ભાવ વધારો કરવાનો અને મેન્યુફેકચર્સ દ્વારા 4 ટકા વટાવ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી ભયંકર મંદી
નેચરલ ડાયમંડ ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી ભયંકર મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. જો કે અઢી વર્ષના કપરા સમય બાદ નેચરલ ડાયમંડ ઉદ્યોગની ગાડી ધીમે-ધીમે પાટા ઉપર ચડી રહી છે. જો કે નેચરલ ડાયમંડના ભયંકર મંદીના કપરા સમયમાં લેબગ્રોન ડાયમંડે જગ્યા લઇ લીધી હતી અને નેચરલ ડાયમંડનો પર્યાય બની ગયો છે.
કટ એન્ડ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવમાં સતત ઘટાડો
અદ્દલ નેચરલ ડાયમંડ જેવા દેખાતા લેબગ્રોન ડાયમંડની વૈશ્વિક માંગમાં વધારો થઇ રહ્યો છે પરંતુ નેચરલ ડાયમંડ ઉદ્યોગની ગાડી ધીમે-ધીમે પાટા ઉપર ચડી રહી હોવાથી લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં ઘટાડો થયો છે. બીજી તરફ કટ એન્ડ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવાથી ઉદ્યોગકારો ચિંતામાં હતા.
ભાવમાં 20 થી 25 ટકાનો વધારો
તાજેતરમાં આ મુદ્દે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 500 થી વધુ લેબગ્રોન ડાયમંડ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ભાવ ઘટાડાને પગલે કારીગરનો પગાર પણ નીકળતો ન હોવાનો મત રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભાવમાં 20 થી 25 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત લેબગ્રોન ડાયમંડ ખરીદનાર વેપારીઓ 7 થી 8 ટકા વટાવ કાપતા હોવાથી વેપારીઓને મુશ્કેલી પડતી હતી. પરંતુ હવેથી મેન્યુફેકચર્સ 4 ટકા જ વટાવ આપશે એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.