Surat Corporation : વર્ષ 2019માં સુરત મહાનગરપાલિકાના બમરોલી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવતા વધુ પડતા કેમીકલના કારણે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કેટલાક ભાગ બદલવા પડ્યા હતા. આ સમયે પાલિકાએ કેમિકલ છોડનાર ઇન્ડ એસો. પાસે પૈસા વસુલી ઈજારદારને આપવા માટેની દરખાસ્ત મંજુર કરી હતી. 2019માં પ્લાન્ટમાં મશીનરી બગડી હતી તો હજુ રીપેર થઇ નથી, ત્યારે હાલમાં ફરીથી સુરતના ઉદ્યોગ દ્વારા ડ્રેનેજ માં કેમિકલવાળું પાણી છોડવાનું શરૂ થયું હોવાની ફરિયાદ બહાર આવી છે. ભટાર અને બમરોલીના એસ.ટી.પીમાં આવતું કેમિકલવાળું પાણી આવતું હોવાની ફરિયાદ ઉભી થઈ છે તેથી તપાસ કરીને ડ્રેનેજમાં કેમિકલવાળું પાણી છોડનારાઓને ઝડપી પગલાં ભરવા માટેની માંગણી થઈ રહી છે. સુરત મ્યુનિ.એ ડ્રેનેજનું ગંદુ પાણી જ ટ્રીટ કરીને સીધું તાપી નદીમાં ઠાલવામા આવતું હતું પરંતુ પાલિકાના ટર્શરી ટ્રીટમેન્ટ કરેલું પાણી ઉદ્યોગોને આપવાની યોજના બાદ તે બંધ થયું છે. પાલિકાની આ કામગીરીના કારણે તાપી નદીના પાણીની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. સુરત મ્યુનિ.એ સુરતના ઉદ્યોગોને પાણી પુરૂ પાડવા સાથે મીઠા પાણીની બચત કરી અને ગંદા પાણીને ટ્રીટ કરીને ઉદ્યોગ પાસે આવક મેળવી છે. પાલિકા ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી પાણીનું વેચાણ કરીને આવક વધારવા માટે આયોજન કરી રહી છે તો બીજી તરફ ફરીથી 2019ની જેમ ભટાર અને બમરોલીના એસ.ટી.પી માં કેમિકલવાળું પાણી આવતું હોવાની ફરિયાદ બહાર આવી છે.
જુન 2019ના થોડા મહિનાઓમાં ઈન્ડ.ના સુએઝના પાણી સાથે કેમીકલ અને એસિડ આવતા હોવાની ફરિયાદ ઉઠી હતી. આવા કેમીકલના કારણે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવતા પાણીનું પીએચ અને ટીડીએસ વધુ હોવાની ફરિયાદ ઇજારદારે કરી હતી. વધુ પડતાં એસિડવાળા પાણીના કારણે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઉપયોગમાં આવતી કેટલીક મશીનરીને ભારે નુકસાન થયું હતું. આવી જ રીતે ફરીથી ભટાર અને બમરોલીના એસ.ટી.પીમાં કેમીકલવાળું પાણી આવતું હોવાની ફરિયાદ બહાર આવી છે. આવા એકમોને શોધીને તેમની સામે પગલાં ભરવા માટેની માગણી થઈ રહી છે.