Surat Nature Park : સુરત પાલિકાના સરથાણા નેચર પાર્કમાં કેરીનો પાક સ્ટાફ માટે માથાનો દુખાવો બની ગયો છે. મુલાકાતીઓ કેરી પાડે છે અને સ્ટાફ દંડ કરે છે તેમાં ઘર્ષણ થઈ રહ્યું છે. જોકે, પાલિકા નેચર પાર્કની કેરીનો કોન્ટ્રાક્ટ આપતી ત્યારે કેરીની રખેવાળી, ટ્રાન્સપોટેશન સહિતનો કોઈ ખર્ચ થતો ન હતો, હવે પાલિકાના મેન પાવર, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ થાય છે અને આંગણવાડીમાં પાકી કેરી મળતી નથી તેવી ફરિયાદ બાદ નિર્ણય બદલવા માટે માંગણી થઈ રહી છે.
સુરતના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લુપ્ત થતા પશુ-પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામા આવ્યું છે. સુરત મહાનગ૨પાલિકાએ ડો. શ્યામાપ્રસાદ મુર્ખર્જી ઝૂલોજીકલ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. આ નેચર પાર્કમાં આંબાના અનેક વૃક્ષો છે અને તેના પર કેરી પણ આવે છે. પાલિકા દ્વારા આ કેરી લઈ જવા માટે ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટ આપે છે અને પાલિકાને અઢી લાખથી વધુની રકમ પણ આ કેરી થકી મળે છે.
જોકે, સુરત પાલિકાએ ગત વર્ષથી નેચર પાર્કની કેરીના ટેન્ડર આપવાનું બંધ કર્યું છે અને આ કેરી પાલિકાની આંગણવાડીમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. પાલિકાના આ નિર્ણયના કારણે પાલિકાની આવક તો બંધ થઈ છે અને તેની સાથે પાલિકાના નેચર પાર્કના કર્મચારીઓ માટે મુશ્કેલી પણ વધી છે.
પાલિકા જ્યારે કેરી માટેનો કોન્ટ્રાક્ટ આપતી હતી ત્યારે તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેતી હતી. કેરી આવે ત્યારથી કેરી ઉતારી લઈ જાય ત્યાં સુધી રખેવાળી અને કેરી પાડવા તથા કેરીને લઈ જવા માટેના માણસ અને વાહનો પણ કોન્ટ્રાક્ટર જ લાવતા હતા. પરંતુ ગત વર્ષે કરેલા નિર્ણય બાદ નેચર પાર્કના કર્મચારીઓ માટે આ કેરી આફત બની ગઈ છે. પાલિકાના સ્ટાફ શનિ રવિ અને જાહેર રજાના દિવસે અન્ય કામ બાજુ રાખીને કેરીની સાચવણીમાં જ લાગી જાય છે. તેમાં પણ હાલ ઈદની જાહેર રજામાં નેચર પાર્ક હાઉસ ફુલ થઈ ગયું હતું ત્યારે અનેક મુલાકાતીઓ કેરી તોડતા હતા ત્યારે સ્ટાફની હાલત કફોડી થઈ ગઈ હતી અને ઘર્ષણ પણ થયું હતું.
ગત વર્ષે પાલિકાના સ્ટાફે કેરીની રખેવાળી કરી હતી અને કેરી ઉતારી આંગણવાડી સુધી પહોંચાડી હતી. જોકે, આ કેરી બાળકો ખાવા પામ્યા હશે કે કેમ તે પ્રશ્ન છે. ગત વર્ષે આવી સ્થિતિ છતાં આ વર્ષે ફરીથી કેરી આંગણવાડીમાં આપવા માટે નિર્ણય કરાયો છે. કાચી કે અધકચરી કેરી આંગણવાડીમાં પહોંચે તો બાળકો ખાઈ શકે ખરા ? જોકે, પાલિકાનો નિર્ણય હોવાથી નેચર પાર્કનો સ્ટાફ કામ કરે છે પરંતુ આ કિસ્સામાં પાલિકાને આર્થિક નુકસાન થવા સાથે આંગણવાડીના બાળકો ઉપયોગ કરે છે કે કેમ તે વિચારવાનો પ્રશ્ન પાલિકાએ જરૂર છે.