Fire Incident in AMNS Company : દેશભર અને ગુજરાતમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી છે, ત્યારે સુરત જિલ્લાના હજીરામાં આવેલી AMNS કંપનીના પ્લાન્ટમાં આગની દુર્ઘટના સર્જાય હતી. આ ઘટનામાં 4 મજૂરોના મોત નીપજ્યા, જ્યારે 10 લોકો દાઝી ગયા હોવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
આગ દુર્ઘટનામાં 4 મજૂરોનો મોત
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના હજીરામાં મોડી સાંજે AMNS કંપનીના કોરેક્સ – 2 પ્લાન્ટમાં એક ચિમનીમાં ભીષણ આગ લાગી હતી. આ દરમિયાન 4 મજૂરો લિફ્ટમાં ફસાયા હતા, જેમાં ધવલકુમાર નરેશભાઈ પટેલ, ગણેશ સુરેશભાઈ પટેલ, જીજ્ઞેશ દિલીપભાઈ પારેખ, સંદિપ પટેલ નામના કર્મચારીઓના મોત નીપજ્યા હતા. જ્યારે 10 લોકોને ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ઘટનાને લઈને AMNS કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘કંપનીમાં સાંજના શટડાઈન પછી અકસ્માતની ઘટના બની હતી. આ દરમિયાન ખાનગી કંપનીના ચાર કોન્ટ્રાક્ટ કામદારો લિફ્ટમાં ફસાયા હતા. ઘટનાને પગલે તમામ ઈમરજન્સી પ્રોટોકોલ ફોલો કરાયા હતા. અકસ્માતની ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે.’
મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ
AMNS કંપનીમાં ભીષણ આગ લાગતા ચાર કર્મચારીઓ ભડથું થઈ જતા તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચારેય કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. આ દરમિયાન પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો.