Limbayat Udhna MLA: સુરતમાં ભાજપના ધારાસભ્યો દ્વારા સામાન્ય લોકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા આપતાં બેનરો લગાડાયાં તેમાં લિંબાયતનાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલે લગાવેલાં પોસ્ટરે ભારે ચર્ચા જગાવી છે. સંગીતા પાટિલે પોતાના પોસ્ટરમાં માત્ર પોતાનો અને ભાજપના પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલનો ફોટો લગાવ્યો છે જ્યારે મનુભાઈ પટેલે પણ પોસ્ટરમાં પોતાનો અને સી.આર. પાટીલનો ફોટો લગાવ્યો છે.
સંગીતા પાટિલ અને મનુભાઈ પટેલ બંનેએ ભાજપના કમળના ચિહ્નનો ઉપયોગ બેનરમાં કર્યો છે પણ ભાજપના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓના ફોટો મૂકવાનું સૌજન્ય પણ નહીં દાખવીને તેમને અપમાનિત કરી નાંખ્યા છે એવું ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે.
બીજી તરફ ભાજપના બીજા ધારાસભ્યોનાં દિવાળીની શુભેચ્છાનાં બેનરોમાં ધારાસભ્યના પોતાના ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટો છે.
સામાન્ય રીતે ભાજપના દરેક બેનર કે પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો તો અચૂક હોય છે પણ સંગીતા પાટિલ અને મનુભાઈ પટેલે મોદીની જ બાદબાકી કરવાની હિંમત કરી એ બહુ મોટી વાત છે. સંગીતા પાટિલ અને મનુભાઈ પટેલે મોદી સહિતના ભાજપના બીજા દિગ્ગજ નેતાઓની અવગણના કરીને માત્ર ને માત્ર સી.આર. પાટિલનો જ ફોટો કેમ મૂક્યો એ ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે. સંગીતા પાટિલ અને મનુભાઈ પટેલ સી.આર. પાટિલને જ ભાજપ માને છે અને મોદી-શાહ કે નડ્ડા સહિતના બીજા નેતા ગણતરીમાં જ નથી ઓવો મેસેજ આપવા માગે છે કે શું એવો સવાલ પણ પૂછાઈ રહ્યો છે.
લિંબાયત અને ઉધના મરાઠીભાષીઓ સહિતના પરપ્રાંતિય મૂળનાં લોકોના વિસ્તારો છે અને સી.આર. પાટિલના ગઢ મનાય છે. આ વિસ્તારમાં સી.આર. પાટિલનું ધાર્યું થાય છે. સંગીતા અને મનુભાઈ પાટિલના ખાસ ગણાય છે.
પાટિલના ઈશારે જ તેમણે મોદી સહિતના ભાજપના નેતાઓના ફોટા નહીં મૂકીને લિંબાયત-ઉધનામાં સી.આર. પાટિલ એટલે જ ભાજપ એવો મેસેજ આપવાનો પ્રયત્ન તો નથી કર્યો ને એવો સવાલ પણ ભાજપના કેટલાક નેતા કરી રહ્યા છે.