Surat : સુરતના ધારાસભ્યની આરટીઆઈ એક્ટિવિસ્ટ સામેની ગંભીર ફરિયાદ બાદ પોલીસે આરટીઆઇ કરી તોડ કરતા એક્ટિવિસ્ટ સામે પગલાં ભરવાનું શરૂ કરી અનેકને જેલ ભેગા કરી દીધા છે. પરંતુ પોલીસની આ આક્રમક કામગીરી પાલિકાના ઉધના, સેન્ટ્રલ અને કતારગામ ઝોનમાં જ જોવા મળી રહી છે. ગેરકાયદે બાંધકામ અંગેની વધુ ફરિયાદ અને તોડ લિંબાયત અને વરાછા સહિત તમામ ઝોનમાં થઈ રહ્યો છે પરંતુ આ ઝોનમાં કોઈ ખાસ પગલાં ભરવામાં ન આવતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયાં છે. આ ઝોનમાંથી પોલીસને ફરિયાદી મળતા નથી કે પાલિકાના અધિકારીઓ માહિતી આપતા નથી તેવી અનેક અટકળો શરૂ થઈ ગઈ છે અને પાલિકાના અધિકારીઓની ભુમિકા પણ ચકાસવા માંગણી થઈ રહી છે.
સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ગંભીર ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ પોલીસે સેન્ટ્રલ ઝોનમાંથી આરટીઆઇ હેઠળ માહિતી મેળવી તોડબાજી કરતા એક્ટિવિસ્ટને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જેના કારણે સેન્ટ્રલ ઝોનમાં થર્ક પાર્ટી આરટીઆઇની સંખ્યામાં મોટો ઘટાડો દેખાયો છે. સેન્ટ્રલ ઝોન ઉપરાંત પોલીસે કામગીરી કરી તેમા ઉધના અને કતારગામ ઝોનમાં પણ સમાવેશ થાય છે.
આરટીઆઇ હેઠળ માહિતી મેળવી તોડ કરવાનો ગોરખ ધંધો માત્ર સેન્ટ્રલ, ઉધના કે કતારગામમાં જ નહીં પરંતુ તમામ ઝોનમાં થાય છે. પાલિકાની સામાન્ય સભામાં વરાછા ઝોનમાં કોટેજ ઈન્ડ્સ્ટ્રીઝમાં થતા ગેરકાયદે બાંધકામમાં રાજકારણીઓએ એક કરોડ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આરટીઆઇ એક્ટિવિસ્ટ અને રાજકારણીના તોડની અનેક ફરિયાદ હોવા છતાં અન્ય ઝોનમાં કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાથી પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થયાં છે.
પાલિકામાં એવી ચર્ચા થઈ રહી છે કે તમામ ઝોનમાં આ પ્રકારની તોડબાજીનું ન્યસન્સ છે. આ ત્રણ ઝોનમાં કામગીરી થઈ છે એટલે બાકીના ઝોનમાંથી પોલીસને કોઈ ફરિયાદ મળતી નથી કે આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથે મળી કામ કરતા અધિકારીઓ કોઈ માહિતી આપતા નથી.?
અધિકારીઓ જ તોડબાજ. એક્ટિવિસ્ટને માહિતી આપે છે અને સહિયારો તોડ કરતા હોવાનો આક્ષેપ
સુરત પોલીસે આરટીઆઈ કરીને ગેરકાયદે બાંધકામ કરનારાઓનો તોડ કરનારા સામે તવાઈ શરુ કરી છે. પરંતુ પોલીસ આ એક્ટિવિસ્ટો કરેલી આરટીઆઇની અરજીની ચકાસણી કરે તો પાલિકાના અધિકારીઓની ભૂમિકા બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. હાલ પાલિકામાં એવી ચર્ચા ચાલી રહી છે કે અધિકારીઓ જ તોડબાજ છે અને એક્ટિવિસ્ટને માહિતી આપે છે અને સહિયારો તોડ કરે છે. તોડબાજ આરટીઆઈ એક્ટિવિસ્ટ પર પગલાં પણ માહિતી આપતા અધિકારીઓને સેફ પેકેજ મળી રહ્યું છે તેથી આ કિસ્સામાં પાલિકાના અધિકારીઓની ભૂમિકા પણ ચકાસણી કરવા માટે માંગણી થઈ રહી છે.
સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ ને માહિતી આપતી એક મહિલા કર્મચારી ઝડપાઈ છે પરંતુ ત્યાર બાદ માહિતી આપતા અન્ય કોઈ અધિકારી કે કર્મચારી સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. સુરત પાલિકામાં ગેરકાયદે બાંધકામ કરનારાની રજેરજની માહિતી સાથે આરટીઆઈ કરવામા આવે છે. ત્યાર બાદ અધિકારી બાંધકામ કરનારા પાસે જાય છે અને ફરિયાદ હોવાનો ઉલ્લેખ કરી બાંધકામ તોડવાની વાત કરે છે. અરજીમાં જે માહિતી હોય તે ખુબ જ ટેકનિકલ લખેલી હોય છે જેની જાણ ઝોનમાં ફરજ બજાવતા કર્મચારીઓને જ હોય છે. આ પ્રકારની માહિતી સાથે આરટીઆઈ થાય છે તેના કારણે તોડ વધુ થઈ રહ્યો છે. જોકે, પાલિકના કેટલાક અધિકારીઓ આરટીઆઈ એક્ટિવિસ્ટને માહિતી આપે છે પરંતુ તેઓ સામે કોઈ પગલાં ભરાયા ન હોવાથી પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે.