સુરત પાલિકા વિસ્તારમાં ભગવાનના ફોટા અને ખંડિત પ્રતિમાઓને જાહેર રસ્તા પર રઝળતી મુકાતી અટકાવવા માટે પાલિકાએ ખાસ અભિયાન શરુ કર્યું છે. લોકોની લાગણી દુભાતી અટકાવવા માટે પાલિકાએ સુંદર પ્રયાસ શરૂ કર્યો છે પરંતુ કેટલાક સુરતીઓને પાલિકાની આ કામગીરી ગળે ઉતરતી નથી. પાલિકાએ નવા ફોટાને જાહેરમાં ન મુકીને વોર્ડ ઓફિસ પર આપવા માટે જનજાગૃતિ માટે અનેક પ્રયાસ કર્યા છે અને પાલિકાએ જુના ભગવાનના ફોટા માટે વોર્ડ ઓફિસને કલેક્શન સેન્ટર બનાવ્યું છતાં લોકો જાહેર સ્થળોએ મંદિર અને ભગવાનના ફોટા મુકી અન્યોની લાગણી દુભાવી રહ્યાં છે.
સુરત પાલિકા દ્વારા ભગવાનના રઝળતા ફોટાને વિધિવત રીતે વિસર્જન કરવા માટેનો અનોખો પ્રયાસ શરુ કર્યો છે. આ પહેલા લોકો જાહેર રસ્તા, વડ-પીપળાના ઝાડ કે નહેર કિનારે ભગવાનના જુના ફોટા અને મંદિરો મુકી જતા હતા. જેના કારણે અનેક લોકોની લાગણી દુભાતી હતી તેને સાચવવા માટે પલિકાએ ઓફિસ દ્વારા ભગવાનના જુના ફોટા અને ખંડિત પ્રતિમાનું કલેક્શન સેન્ટર ઉભું કરીને તેને ધાર્મિક વિધિ પ્રમાણે વિસર્જન કરવાનું શરૂ કર્યું હતું. આ પ્રયાસને અનેક જગ્યાએથી પ્રોત્સાહન મળ્યું અને પાલિકાની તમામ વોર્ડ ઓફિસ પર આવા પ્રકારના ફોટાનું કલેક્શન સેન્ટર શરૂ કરીને લોકોની લાગણી સાચવીને તે ફોટાનું વિધિવત વિસર્જન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
પાલિકાએ લોકોની લાગણી સાચવવા માટે તમામ વોર્ડ ઓફિસ પર કલેકશન સેન્ટર શરૂ કર્યા છે અને લોકો જે જગ્યાએ જુના ફોટા, પ્રતિમા અને મંદિર મૂકીને જતા હતા તે જગ્યાએ પાલિકાએ વોર્ડ ઓફિસમાં ફોટા અને પ્રતિમા આપવી તે માટે જન જાગૃતિ બેનર લગાવ્યા છે તેમ છતાં હજી પણ લોકો પાલિકાની આ સેવાનો લાભ લેતા નથી. પાલિકા સન્માન સાથે ભગવાનના ફોટા અને પ્રતિમાનું વિસર્જન કરે છે તેમ છતાં લોકોની પીપળો કે વડનાં વૃક્ષ નીચે ભગવાનની પ્રતિમા રખડતી મૂકી જવાની ટેવ ભુલાતી નથી. હજી પણ લોકો પોતાના ઘરના જુના ભગવાનના ફોટા કે ખંડિત પ્રતિમા આવા વૃક્ષ નીચે મુકીને અનેક લોકોની લાગણી દુભાવી રહ્યાં છે. જેના કારણે આવી રીતે ભગવાનના ફોટા અને પ્રતિમા વૃક્ષ નીચે રખડતી મૂકી જનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યાં છે.