image : Freepik
Surat : સુરતના પાલનપોર વિસ્તારમાં આવેલી રહેણાંક સોસાયટીમાં વીજ કંપનીના કર્મચારી-અધિકારીએ કોઈ પણ મંજૂરી વિના દાદાગીરીથી સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિરોધ થતા વીજ કંપનીએ મીટર લગાવવાની કામગીરી અટકાવવી પડી હતી. જોકે, ગઈખાલે બપોરે પાલનપોર વિસ્તારમાં વીજ કંપનીના અધિકારીઓ સાથે ઘર્ષણ થયાં બાદ મોડી રાત્રે પાલનપોર વિસ્તારમાં વીજળીના ધાંધીયા શરુ થયાં હતા. મોડી રાત્રીએ કલાકો સુધી પાવર ગયો હતો અને આજે પણ બપોરે થોડા સમય માટે પાવર કટ થયો હતો. જેના કારણે લોકોમાં એવી ચર્ચા છે કે, લોકોના વિરોધ બાદ ટેકનિકલ ખામી કે વીજ કંપનીની સ્માર્ટ કામગીરી છે ?
સુરતના સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં સ્માર્ટ વિરોધના આક્રમક વિરોધ બાદ કામગીરી પડતી મુકી વિરોધ ન થાય તેવા પાલનપોર વિસ્તારમાં સ્માર્ટ મીટર માટે કામગીરી શરૂ કરી હતી. પરંતુ પાલનપોરમાં પણ વીજ કંપનીના અધિકારી-કર્મચારીઓની દાદાગીરીના કારણે લોકોમાં ભારે આક્રોશ છે. રાજહંસ એપલ કેમ્પસમાં દાદાગીરીથી મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી જેનો લોકોનો વિરોધ થતા અધિકારીઓએ પોલીસ બોલાવી હતી. જોકે, લોકોએ પહેલા ફરજીયાત મીટરનો પરિપત્ર બતાવો પછી વિચારીશું તેવો જવાબ આપ્યો હતો. જોક, આ વિવાદ દરમિયાન કેટલાક લોકોએ આ કેમ્પસની કોઈ પણ ફરિયાદ હોય તો ધ્યાન ન આપવું તેવી વાત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
જોકે, અધિકારીઓ દ્વારા આ પ્રકારની વાત બપોરે કરી હતી અને હાલ યલો એલર્ટ માં આકરી ગરમી પડી રહી છે અને લોકો ગરમીમા શેકાઈ રહ્યાં છે તેવામાં રાત્રી દરમિયાન પાલનપોર વિસ્તારમાં પાવર કટ થઈ ગયો હતો. આકરી ગરમીમાં પાવર કટ થતા લોકો હેરાન થઈ ગયા હતા અને અનેક લોકો ગરમીથી બચવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા. આ ઉપરાંત આજે દિવસ દરમિયાન પણ બપોરે થોડો સમય પાવર કટ થયો હતો. આકરી ગરમીમાં પાવર કટ થતો હોય લોકોમાં વીજ કંપની સામે ભારે આક્રોશ છે. કેટલાક લોકો એવા આક્ષેપ કરી રહ્યાં છે કે ગઈકાલે વીજ કંપનીને મીટર લગાવવા દીધા નથી એટલે વિજળીના ધાંધિયા થઈ રહ્યાં છે. આવી ઘટના બાદ લોકો એવું કહી રહ્યા છે કે ખરેખર વીજ કંપનીમાં ફોલ્ટના કારણે લાઈટ કટ થઈ હતી કે લોકોના વિરોધ બાદ વીજ કંપની સ્માર્ટ કામગીરી કરી રહી છે?