Surat Corporation : પ્રદૂષણને ધ્યાને લઇને સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા આદેશ મુજબ કોઈ પણ જાહેર સ્થળોએ કચરો સળગાવવોએ ગુનો બનશે. સુપ્રિમ કોર્ટના આ આદેશનું શરૂઆતમાં આંશિક પાલન
પણ કરાયું પરંતુ હવે સુરત પાલિકા જ આ આદેશનું પાલન કરતી ન હોવાની વાત બહાર આવી છે. સફાઈ કામદારો થોડા થોડા ઢગલા રોજ સળગાવે છે પરંતુ હાલમાં જહાંગીરાબાદ ઉગત વિસ્તારમાં કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ માટેના પ્લોટમાં ગાર્ડન વેસ્ટ ભેગા કર્યા બાદ હવે મોડી રાત્રે કે વહેલી સવારે સળગાવી નિકાલ કરવામાં આવે છે આ ધુમાડાથી વાહન ચાલકો અને આસપાસના લોકોને હાલાકી પડી રહી છે. સુરત પાલિકાના જ પ્લોટમાં કચરો સળગાવવામાં આવતો હોવાથી પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
સુરત શહેરને વર્ષ 2024 ના વાયુ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં પહેલો નંબર આવ્યો છે અને તેનો એવોર્ડ પણ સુરત પાલિકાને આપી દેવામા આવ્યો છે. પરંતુ દિવા તળે અંધારું હોય તેમ પાલિકાના ઉગત ખાતે આવેલા પાલિકાના સી એન્ડ ડી વેસ્ટ પ્લોટમાં ભેગો કરેલો કચરો રોજ સળગાવવામાં આવી રહ્યો છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં ગાર્ડન વેસ્ટ ઉપાડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ વેસ્ટ ભેગો કરીને ઉગત કેનાલ રોડ પર પાલિકાના એક પ્લોટમાં ભેગો કરવામાં આવી રહ્યો છે. આ પહેલા આ સાઇટ પર ડિમોલિશન અને કન્સ્ટ્રક્શન વેસ્ટ ભેગો કરવામાં આવતો હતો. પરંતુ હાલમાં અહીં ગાર્ડન વેસ્ટ ભેગો કરવામાં આવી રહ્યો છે. આડેધડ વેસ્ટનો નિકાલ શરૂ કરી દીધો છે. પ્લોટ આખો ભરાઈ ગયો છે તેને કારણે પ્લોટમાં બનાવેલી દિવાલ પણ તૂટી ગઈ છે. તેમ છતાં વેસ્ટને ઠાંસી ઠાંસીને કરવામાં આવ્યો હતો. હવે આ વેસ્ટના નિકાલ માટેની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી રહ્યો છે. રોજ મોડી રાત્રે કે વહેલી સવારે આ કચરાને સળગાવવામાં આવી રહ્યો છે.
પાલિકાના પ્લોટમાં જ કચરો સળગાવવામાં આવતો હોવાથી ભારે ધુમાડો થાય છે અને આ ધુમાડાના કારણે વાહન ચાલકો અને આસપાસના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. કચરો સળગાવવામાં આવે છે ત્યારે આસપાસના વાતાવરણમાં ધુમાડો થતો હોવાથી અકસ્માતનો પણ ભય રહેલો છે.
જો કોઈ નાગરિક આવી રીતે જાહેરમાં કચરો સળગાવી પ્રદુષણ કરે તો તેની સામે પાલિકા શિક્ષાત્મક કાર્યવાહી કરે છે પરંતુ પાલિકાના જ પ્લોટમાં કચરો જાહેરમાં સળગાવી પ્રદૂષણ વધારો કરવા સાથે લોકોના આરોગ્ય સામે ખતરો હોવા ઉપરાંત અકસ્માતનો પણ ભય રહેલો છે. પાલિકાના પ્લોટમાં જ ચાલી રહેલી આ પ્રવૃત્તિ પાલિકા અટકાવી શકતી ન હોવાથી લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.